કચ્છ: સરહદી જિલ્લા કચ્છના રણનું નામ લેતા લોકો માત્ર ધૂળ, તાપ અને કાંટાળા છોડ સિવાય અન્ય કોઈ વસ્તુ ના વિચારે. પરંતુ કચ્છનું રણ માત્ર રેતાળ રણ હોવા ઉપરાંત અનેક પ્રકારની જીવસૃષ્ટિનું આશ્રયસ્થાન બનીને બેઠું છે. કચ્છનું રણ અનેક પ્રકારના પક્ષીઓ માટે સ્વર્ગ સમાન છે. જે દર વર્ષે ચોમાસા અને શિયાળાના સમય પર અહીં આવી ત્રણથી ચાર મહિના જેટલો સમય રોકાઈ પરત પોતાના વતને ઉડી જાય છે. આ પક્ષીઓમાં વિશેષ કોઈ પક્ષીની વાત કરવામાં આવે તો તે છે ફ્લેમિંગો પક્ષી કે જેને ગુજરાતીમાં સુરખાબ કહેવામાં આવે છે. હાલમાં કચ્છની અંદર 30,000થી 40,000 જેટલા ફ્લેમિંગોના બચ્ચા છે જેમનું વનવિભાગ દ્વારા સંરક્ષણ કરવામાં આવી રહ્યું છે.
લાખો કિલોમીટરનો પ્રવાસ ખેડીને કચ્છમાં આવે છે ફ્લેમિંગો: ધ ગ્રેટર ફ્લેમિંગો અને લેસર ફ્લેમિંગો લાખો કિલોમીટરનો પ્રવાસ ખેડીને કચ્છમાં આવે છે. ફલેમિંગો દર વર્ષે કચ્છમાં વિવિધ જગ્યાએ રોકાણ કરે છે અને અહીં ઈંડા મૂકી બચ્ચાને જન્મ પણ આપે છે. કચ્છના રણમાં આવેલ ફ્લેમિંગો સિટી તેમજ અન્ય સ્થળોએ દર વર્ષે અનેક બાળ ફ્લેમિંગો જન્મ લેતા હોય છે. ફ્લેમિંગો પક્ષીઓ ગુલાબી રંગના હોય છે અને તેમની સુંદરતા મનમોહક હોય છે તેમજ લોકોને માટે પણ ખૂબ આકર્ષિત હોય છે.
ફ્લેમિંગો માટે કચ્છ એ સ્વર્ગ સમાન:ફ્લેમિંગો માટે કચ્છ એ સ્વર્ગ સમાન છે. જેમાં પણ ખાસ કરીને અંડાબેટ સાઈટ છે ત્યાં લાખોની સંખ્યામાં ફ્લેમિંગો જોવા મળે છે. તો પૂર્વ કચ્છ વનવિભાગ દ્વારા કુડા ખાતે ઊભી કરેલી આર્ટિફિશિયલ સાઈટ છે ત્યાં પણ ફ્લેમિંગો બ્રીડિંગ કરે છે. સામાન્ય રીતે ચોમાસાના વરસાદી પાણી તેમજ દરિયાઈ પાણીના લીધે ચોમાસાથી શિયાળા સુધી આ રણ વિસ્તારમાં પાણી જોવા મળે છે. ત્યારે અહીંની ક્ષારયુક્ત જમીનમાં ભરાઈ જતું છીછરું દરિયાઈ પાણી ફ્લેમિંગોના વસવાટ, ખોરાક તેમજ પ્રજનન માટે અત્યંત સાનુકૂળ વાતાવરણ પૂરુ પાડે છે.
કુડામાં આર્ટીફિશિયલ ફ્લેમિંગો સિટી:દર વર્ષે લાખોની સંખ્યામાં કચ્છના મોટાં રણમાં આવેલા અંડા બેટ એટલે કે ફ્લેમિંગો સિટી તે વસવાટ કરે છે. ઉલ્લેખનીય છે કે ભારતભરમાં માત્ર આ અંડા બેટ એકમાત્ર સ્થળ છે જ્યાં સુરખાબ આવીને પ્રજનન કરે છે. પૂર્વ કચ્છ વન વિભાગ દ્વારા અંડા બેટથી અનેક કિલોમીટર દૂર એક વિશાળ જગ્યામાં એક આર્ટીફિશિયલ ફ્લેમિંગો સિટી ઊભી કરવામાં આવી હતી. ગુજરાતમાં પહેલા ક્યારેય ન થયું હોય તેવા આ પ્રયોગ હેઠળ મોટા રણના કુડા વિસ્તારમાં એક વિશાળ જગ્યાની સપાટી ઊંચી કરી તેમાં આર્ટીફિશિયલ માઉન્ટ બનાવવામાં આવ્યા હતા કે જેથી ફ્લેમિંગો તેમાં પોતાના ઇંડા મૂકી શકે.
3થી 4 લાખ ફ્લેમિંગો દર વર્ષે અહીં આવે છે:પૂર્વ કચ્છના નાયબ વન સંરક્ષક ગોવિંદસિંહ સરવૈયાએ જણાવ્યું હતું કે,'આ વર્ષે 3 થી 4 લાખ ફ્લેમિંગો જુલાઈ મહિનામાં કચ્છ આવી મોટા રણમાં બનાવાયેલા આ આર્ટીફિશિયલ ફ્લેમિંગો સિટીમાં રોકાયા હતા. જે નવેમ્બર શરૂ થતાની સાથે જ ઉડી ગયા હતા અને હાલમાં માત્ર 30,000થી 40,000 જેટલા ફ્લેમિંગોના બચ્ચા જ છે. જેના માટે વનવિભાગ દ્વારા મીઠા પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે.