કચ્છઃ મુન્દ્રા તાલુકાના પત્રી ગામે ગત મોડી રાત્રે 3:30 કલાકની આસપાસ પતિએ પોતાના પિતરાઈ ભાઈની કુહાડીના 2 ઘા મારીને કરપીણ હત્યા કરી નાખી છે. આ કિસ્સામાં પ્રાગપર પોલીસે ઘટના સ્થળે પહોંચીને પંચનામા સહિતની કામગીરી કરી છે તેમજ વધુ તપાસ હાથ ધરી છે. આરોપીને શોધવા માટે ટીમો બનાવીને ચક્રો ગતિમાન કર્યા છે. ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં પણ પત્રી ગામે ખનીજચોરી સામે લડતા ક્ષત્રિય યુવાન પૃથ્વીરાજસિંહ જાડેજાની કરપીણ હત્યાથી ચકચાર ફેલાઈ હતી. આ જ ગામમાં વધુ એક હત્યાથી ચકચાર ફેલાઈ ગઈ છે.
મુન્દ્રાના પત્રી ગામે પત્ની સાથે આડાસંબંધની શંકા રાખીને પતિએ કરી પોતાના પિતરાઈ ભાઈની કરપીણ હત્યા - Kutch News
કચ્છના મુન્દ્રાના પત્રી ગામે પિતરાઈ ભાઈએ જ ભાઈની હત્યા કરતાં ચકચાર મચી ગઈ છે. કૌટુબીંક ભાઈએ જ તેના ભાઈની કુહાડીના 2 ઘા મારી હત્યા કરી દીધી છે. સમગ્ર મામલે પ્રાગપર પોલીસે વધુ તપાસ હાથ ધરીને આરોપીને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
Published : Jul 27, 2024, 6:15 PM IST
સમગ્ર ઘટનાક્રમઃ મૃતક ભરત જોગી અને આરોપી રમેશ જોગી સામે સામેજ રહેતા હતા. હત્યા પાછળના કારણ અંગે મળતી પ્રાથમિક માહિતી અનુસાર 3 વર્ષ અગાઉ રમેશની પત્ની નાની દીકરી અને પતિને ત્યજીને ઘર છોડી ચાલી ગઈ હતી. રમેશને વહેમ હતો કે ભરત સાથેના આડા સંબંધના કારણે પત્ની પોતાને છોડીને જતી રહી હતી. આ મુદ્દે રમેશ અને ભરત વચ્ચે અવારનવાર બોલાચાલી થતી રહેતી હતી. રમેશે ગુસ્સામાં આ હત્યા કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. હત્યા સમયે ભરતની વૃધ્ધ માતા જાગી ગઈ હતી અને પોતાની નજર સામે પુત્રની હત્યા કરી રહેલાં રમેશને જોઈ મદદ માટે બૂમો પાડી હતી પરંતુ ભરતને કોઈ મદદ મળે તે પહેલાં રમેશ હત્યા કરી ભાગી છૂટ્યો હતો. જો કે પાછળથી જાણવા મળ્યું હતું કે રમેશની પત્ની કોઈ અન્ય યુવક સાથે ભાગી ગઈ હતી.
બનાવની જાણ થતાં જ પ્રાગપર પોલીસ સ્ટેશનનો સ્ટાફ તપાસ માટે દોડી ગયો હતો અને પંચનામા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. મરણ જનાર 26 વર્ષીય ભરત હરજી જોગી ગામના મફત નગરમાં રહેતો હતો અને રાત્રિના તે તેના ઘરે સૂતો હતો ત્યારે જ તેનો કાકાઇ ભાઈ રમેશ જોગી તેના ઘરે પહોંચ્યો હતો અને ગળાના ભાગે કુહાડીના 2 ઘા મારી તેને હત્યા નિપજાવી હતી...હાર્દિક ત્રિવેદી(PI, પ્રાગપર પોલીસ સ્ટેશન, મુન્દ્રા)