ગુજરાત

gujarat

ETV Bharat / state

અન્ય ગામો માટે પ્રેરણારૂપ બન્યું કચ્છનું આ ગામ, ગૌચર માટે 200 એકર જમીન ફાળવી - KUTCH NEWS

પશ્ચિમ કચ્છના અબડાસા તાલુકાના કનકપર ગામ દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે. જેમાં અન્ય ગામડાઓ માટે પ્રેરણારૂપ પગલું ભરવામાં આવ્યું છે જાણો...

ગૌચર માટે 200 એકર જમીન ફાળવી
ગૌચર માટે 200 એકર જમીન ફાળવી (Etv Bharat gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Nov 21, 2024, 6:44 PM IST

કચ્છ: કચ્છના ઊદાહરણરૂપ ગામ કનકપરના અનેક સફળ પ્રયાસોથી અન્ય ગામોને પ્રેરણા મળે તે હેતુથી જે ગામમાં કોઈ ગૌચર જમીન ના હોતા બાજુના મોથાળા ગામની 200 એકર જેટલી જમીન ગૌચર માટે ફાળવવામાં આવી છે.

પરિવાર દીઠ 1 નહીં પણ 5થીવધુ ગાયો: પશ્ચિમ કચ્છના અબડાસા તાલુકાનુ કનકપર ગામ દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે અને અન્ય ગામડાઓ માટે એક પ્રેરણાદાયક પગલું ભરવામાં આવ્યું છે. કનક એટલે સોનું. આ ગામમાં પરિવાર દીઠ 1 નહીં પણ 5થી વધુ સોનાં કરતા પણ વધારે કિંમતી શુધ્ધ દેશી અને જાતવાન કાંકરેજ ગાયો છે.

ગૌચર માટે 200 એકર જમીન ફાળવી (Etv Bharat gujarat)

મોથાળા ગામની 200 એકરથી પણ વધુ જમીન ગૌચર માટે નિમ કરાઈ:આમ તો ગુજરાતના અસંખ્ય ગામો પાસે પુષ્કળ ગૌચર જમીન હોવા છતાં દબાણ સહિતની સમસ્યાઓને કારણે સ્થાનિક ગૌપાલકો અને ગૌવંશ ચરીયાણ માટે અનેક સમસ્યાઓ સાથે લાચારી અનુભવે છે ત્યારે દરેક ગામોએ આ ગામ પાસે ઉદાહરણ લેવા જેવું છે. કારણ કે આ ગામ પાસે નામ કરવા પણ ગૌચર જમીન ન હોવા છતાં સ્થાનિકેથી લઈને ગાંધીનગર સુધી ગામના પુર્વ ઉપસરપંચ વાડીલાલ પોકાર, ગામની ગૌસેવા સમિતિના પ્રમુખ વસંતભાઈ ડાયાણી અને અન્ય જાગૃત અને આગેવાનોના પ્રયત્નો અને સાર્વજનિક હિતના કોઈપણ નિર્ણય વિશે ગ્રામજનોના એક સાથેનાં હકારાત્મક સમર્થનને કારણે તંત્રના સહયોગથી બાજુના ગામ મોથાળાની 200 એકરથી પણ વધુ જમીનને સરકારમાંથી પોતાના ગામ માટે ગોચર નિમ કરવાનું એકમાત્ર ઉદાહરણ આ કનકપર ગામ બન્યું છે.

ગામમાં બધા સાથે મળીને ઘાસનું વાવેતર કર્યું: ગામના પુર્વ ઉપસરપંચ વાડીલાલ પોકારે જણાવ્યું હતું કે, 'વર્ષ 2012માં ગામમાં ઘણી બધી જમીન ગૌચર નિમ થઈ ગઈ એટલે જમીનોને ગાંડા બાવળમાંથી મુક્ત કરીને સમથળ બનાવી, પાકી ફેન્સિંગ સાથે ગાયો માટે ઘાસચારો વાવેતર કરવાના સામુહિક પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા હતા. જેસીબી, ટ્રેક્ટર, લોર્ડર સહિત ગામના જ સાધનો, ડિઝલ પણ ગામનું અને માનવ બળ પણ ગામનું જ. આ બધુ એકત્ર થયું પછી એક પછી એક બધું જ કામ થતું ગયું.

ગૌચર માટે 200 એકર જમીન ફાળવી (Etv Bharat gujarat)

ત્રીજા વર્ષે પુષ્કળ માત્રામાં પૌષ્ટિક ઘાસનું ઉત્પાદન:ગામની જમીનને એકદમ સમથળ કરવા ખેડાણ ચાલુ કરવામાં આવ્યું હતું અને વરસાદ પછી તો દેશી બિયારણ સાથે ઘાસચારાનું વાવેતર પણ કરવામાં આવ્યું હતું. શરુઆતના સમયમાં જમીન નબળી હોવાથી 2 વર્ષ ઘાસ પણ નબળું થયું હતું. પરંતુ આખરે ગામના લોકોની મહેનત રંગ લાવી અને ત્રીજા વર્ષે પુષ્કળ માત્રામાં પૌષ્ટિક ઘાસનું ઉત્પાદન થયું હતું. હવે તો આ મીઠાં ઘાસનાં મૂળિયાં પણ એટલાં જાડાં થઈ ગયાં છે કે જરુર પડે ત્યારે ઘાસ હાર્વેસ્ટ કરી લેવામાં આવે છે અને ફરી પાછો વરસાદ પડે છે ત્યારે કોઈ પણ પ્રકારના વાવેતર વગર જ જૂના મુળિયામાંથી નવું તાજું ઘાસ ઊગી નીકળે છે.

52 એકરના વિશાળ 5 પ્લોટમાં ઘાસ લહેરાયું:રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ગૌ સેવા ગતિવિધિના પશ્ચિમ ક્ષેત્રના સંયોજક સુબોધજી, કચ્છના જાણીતા ગૌપ્રેમી પરબત ગોરસીયા અને ગામના અન્ય કાર્યકર્તાઓ સાથે તાજેતરમાં આ ગામ અને ગૌચર જમીનની મુલાકાત લીધી ત્યારે 52 એકરના વિશાળ 5 પ્લોટમાં પાકી ફેન્સિંગ સાથે કમર સુધીના ઘાસથી લહેરાતા જોવા મળ્યા હતા અને ખાનગી કંપનીના આર્થિક સહયોગથી વધુ એક પ્લોટની સફાઈ સાથે આવતાં વર્ષે તેમાં પણ ઘાસનું વાવેતર કરવામાં આવશે.

ગૌચર માટે 200 એકર જમીન ફાળવી (Etv Bharat gujarat)

ગામમાં 1500 જેટલી સંખ્યામાં ગૌધન:ઉલ્લેખનીય છે કે આ ગામમાં 1500 જેટલી સંખ્યામાં ગૌધન છે માટે ગૌચરમાં લીલા અને સુકા ઘાસની વ્યવસ્થા થયા પછી તેમનાં માટે પાણીની કાયમી વ્યવસ્થા માટે વર્ષો જૂના નાનકડા તળાવને 25 ફુટ જેટલી ઉંડાઇ અને 9 એકરના વિસ્તાર સાથે મોટું કરી દેવામાં આવ્યું છે કે વરસાદી પાણી ભરાયા પછી પણ 2 વર્ષ સુધી કોઈ જ ચિંતા રહેતી નથી. આ તળાવમાંથી ગામની ગાયો હોય કે બીજા માલધારીઓના ધણની હજારો ગાયો, સવાર સાંજ તળાવનું પાણી પીને તળાવના કિનારે વાવેલાં વૃક્ષોના છાંયે બેસે છે.

ગામમાં 55 જેટલા ઘર અને 500 જેટલી વસ્તી:હાલમાં આ કનકપર ગામમાં 55 જેટલા ઘર છે અને 500 જેટલી વસ્તી છે. આ ગામ બન્યું ત્યારથી અત્યાર સુધી સર્વસંમતિથી સરપંચની નિમણૂંક કરવામાં આવી છે. જેથી ગામમાં આજદિન સુધી સરપંચની ચુંટણી જ નથી થઈ અને હાલના મહિલા સરપંચ ચંદ્રિકાબેન રંગાણીના નેતૃત્વમાં આજે કનકપર ગામ પાયાની દરેક સુવિધાઓથી સજ્જ છે.

અન્ય ગામો માટે પ્રેરણારૂપ:આ ઉપરાંત ગામમાં ગાયના વિષયને લઈને અવારનવાર વિવિધ વિષયના પ્રશિક્ષણ વર્ગો પણ યોજાતા રહે છે. તો દરેક ગામોએ અનુકરણ કરવા જેવી આ ગામની અન્ય વિશેષતાઓમાં ગામનાં દરેક ઘરોમાં સવાર સાંજ ભગવાન આગળ થતા દિવા માટે ગાયનું દેશી ધી અને કેમીકલયુક્ત અગરબત્તીને બદલે ગોબરનો ધુપનો વપરાશ થાય છે. તો ગામના સામુહિક કે કૌટુંબિક પ્રસંગોના જમણવારમાં પણ ગાયના દેશી ઘીનો જ ઉપયોગ કરવામાં આવે છે.

ગામમાં 28 જેટલા બોર રીચાર્જ કરવામાં આવ્યા:ગામમાં સ્વચ્છતા પણ જોવા મળે છે તો નળમાં 24 કલાક પાણી આવે પણ ક્યાંય એક ટીપું પાણીનો વેડફાટ થતો નથી. ગામમાં કોઈ ગંદકી પણ નહીં એટલે કોઇ બિમારી પણ નહી. વહી જતાં વરસાદી પાણીને રોકીને અત્યાર સુધી ગામના સુકાઈ ગયેલ 28 જેટલા બોર રીચાર્જ કરવામાં આવ્યા છે. ઘરોઘર પીવા માટે અમૃત જેવું વરસાદી પાણીનો પણ સંગ્રહ કરવા ભુગર્ભ ટાંકા ગામમાં છે.

આ પણ વાંચો:

  1. અમરેલી પંથકના આ પશુપાલકની ગીર ગાય 4 લાખમાં વેંચાઈ, પશુપાલનના વ્યવસાયમાં કાઢ્યું કાઠું
  2. ખેડૂતોએ કહ્યું 'DAPની અછતે પાકની ગુણવત્તા બગાડી', ત્યાં જિલ્લામાં ઠલવાયું હજાર મેટ્રીક ટન DAP

ABOUT THE AUTHOR

...view details