કચ્છ :લોકસભા સામાન્ય ચૂંટણી માટે 7મી મેના રોજ મતદાન થવાનું છે ત્યારે કચ્છ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર દ્વારા પોતાના દ્વારા કરવામાં આવેલા વિકાસના કામો લેખાવીને મત માંગવામાં આવી રહ્યા છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર દ્વારા લોકો સાથે થયેલા અન્યાયને બદલ ન્યાય અપાવવાના વિશ્વાસ સાથે મત માંગવામાં આવી રહ્યા છે. તો કચ્છ લોકસભા બેઠકના મતદારો સાથે ઈટીવી ભારતે ખાસ વાતચીત કરી હતી અને જાણવાનો પ્રયત્ન કર્યો હતો કે ચૂંટણીનો કેવો માહોલ છે, મતદારોની કેવી આશા અપેક્ષાઓ છે.
કચ્છના મતદારો સાથે કરી ખાસ વાતચીત: લોકસભા સામાન્ય ચૂંટણી માટે મતદારોનો શું મિજાજ છે તે જાણવા માટે ઈટીવી ભારત દ્વારા આજે વહેલી સવારે ભુજના હમીરસર તળાવ પાસે આવેલા વોક વે પર વોકિંગ કરતા લોકોનો અભિપ્રાય જાણવાનો પ્રયત્ન કર્યો હતો. જેમાં લોકોએ વિકાસના કામો તો થયા જ છે, પરંતુ સાથે સાથે કેટલીક ખૂટતી કડીઓ છે અને ખાસ કરીને જેમાં રેલવે અને એર કનેક્ટિવિટી તો કચ્છમાં નર્મદાના પાણી અંગેના જે પ્રશ્નો છે તેવી વાત કરી હતી.
રેલવે, એર કનેક્ટિવિટીના, નર્મદાનાં પાણીના પ્રશ્નો :ભુજના સ્થાનિક મતદારઓએ એક બાજુ ફરીથી નરેન્દ્ર મોદીની સરકાર આવશે તેવી વાત કરી હતી તો સાથે જ કેટલીક સમસ્યાઓ હજી પણ સ્થાનિક સ્તરે જોવા મળી રહી છે તેવી વાત કરી હતી.જેમાં સરહદી વિસ્તાર હોતા નર્મદાના પાણી સરહદ સુધીના પહોંચતા સરહદ ખાલી થઈ રહી છે. તેમજ જે ડેમની યોજના કચ્છને પાણી પહોંચાડવા માટે બનાવવામાં આવ્યું હતું તે ડેમમાંથી કચ્છને જ પાણી નથી મળી રહ્યું તેવી વાત પણ જાગૃત મતદાતાઓએ કરી હતી તો સાથે જ ઇન્ટરનેશનલ એરપોર્ટની માંગ, ભુજથી હરિદ્વાર અને ભુજથી દિલ્હીની ટ્રેનોની માંગ પણ લોકો કરી રહ્યા છે.
મતદાનની ટકાવારી ઓછી જોવા મળતી હોય છે : ચૂંટણીના માહોલ અંગે વાતચીત કરતા મતદારોએ જણાવ્યું હતું કે દસ વર્ષ અગાઉ અલગ જ માહોલ હતો અને દસ વર્ષ બાદ અત્યારે પણ અલગ માહોલ જોવા મળી રહ્યો છે. આમ તો ચૂંટણી આવતી હોય છે ત્યારે મતદાતાઓ જાગૃત થતા હોય છે પરંતુ જ્યારે મતદાન થાય છે ત્યારે તો મતદાનની ટકાવારી ઓછી જોવા મળતી હોય છે. તો નરેન્દ્ર મોદીની સરકારમાં કચ્છને વિશ્વના લોકો ઓળખીતા થયા છે તેવું પણ લોકોએ જણાવ્યું હતું જેથી આ વખતે પણ કચ્છ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર વિજેતા બનશે તેવી વાત લોકોએ કરી હતી.
જેમ ગરમી વધી રહી છે તેમ ચૂંટણીનો ગરમાવો વધશે : અન્ય એક જાગૃત મતદારે વાત કરી હતી કે કચ્છમાં તો લોકો નરેન્દ્ર મોદીના ચહેરાને જોઈને જ મતદાન કરતા હોય છે. તો આવનાર ઉમેદવાર રેલવે અને એર કનેક્ટિવિટીને લઈને અંગત રસ લઈ કેન્દ્ર સરકારમાં યોગ્ય રજૂઆત કરીને કામો કરશે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી. આ ઉપરાંત હાલમાં તો ચૂંટણીનો માહોલ શાંત દેખાઈ રહ્યો હોવાનું મતદારોએ જણાવ્યું હતું તો આગામી સમયમાં જેમ ગરમી વધી રહી છે તેમ ચૂંટણીનો ગરમાવો પણ જોવા મળશે તેવી વાત મતદારે કરી હતી.
વેટરનરી કોલેજ, કૃષિ યુનિવર્સિટી, મેડિકલ ટુરિઝમ :આ ઉપરાંત કચ્છ જિલ્લો ભારતનો વિશાળ જિલ્લો હોવાથી અહીં સ્થાનિક સ્તરે અને વિકાસના કામો થઈ શકે તેમ છે જેમાં મેડિકલ ટુરિઝમનો વિકાસ પણ થઈ શકે છે. તો સાથે સાથે અહીં ખેતપેદાશો પણ વધી રહી છે, તો સાથે એશિયાનું સર્વશ્રેષ્ઠ ઘાસિયા મેદાન પણ અહીં આવેલું છે ત્યારે કચ્છને કૃષિ યુનિવર્સિટી મળે તે પણ જરૂરી બન્યું છે. તો અહીં 22 લાખ જેટલું પશુધન છે ત્યારે અહીં સ્થાનિકે વેટરનરી કોલેજ પણ હોવી જરૂરી છે.
મતદાન કરવા અપીલ : આ ઉપરાંત મતદારોએ તમામ મતદારોએ મતદાન અવશ્યથી કરવા માટે અપીલ પણ કરી હતી અને ઉમેદવાર જે કોઈ પણ ચૂંટાઈને આવે પરંતુ કચ્છ લોકસભા બેઠક વિસ્તારમાં જે ખૂટતી કડીઓ છે તે પૂર્ણ કરે અને વિકાસના કામો કરીને કચ્છને વધુ વિકસિત બનાવે તેવી અપેક્ષાઓ છે.
- કેવો છે અમદાવાદના યુવા મતદારોનો મિજાજ ? જાણો ETV Bharat સાથે - Loksabha Election 2024
- કચ્છ લોકસભા બેઠક પર મતદારોનો મિજાજ જાણવા Etv Bharatએ કરી છે ખાસ વાતચીત - Loksabha Election 2024