ગુજરાત

gujarat

ETV Bharat / state

અહિં વિકાસ ક્યારે પહોંચશે ? પ્રગતિશીલ ગુજરાતના જખૌની વરવી વાસ્તવિકતા - KUTCH NEWS

જખૌના માછીમારો સરકારને વાર્ષિક કરોડો રૂપિયાનું હૂંડીયામણ આપે છે. છતાંપણ આજે માછીમારો જખૌના બંદર પર પ્રાથમિક સુવિધાઓના અભાવે પોતાનું જીવન સંઘર્ષમય રીતે જીવી રહ્યા છે.

જખૌના માછીમાર વર્ગ પ્રાથમિક સુવિધાઓથી વંચિત
જખૌના માછીમાર વર્ગ પ્રાથમિક સુવિધાઓથી વંચિત (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Dec 22, 2024, 5:12 PM IST

કચ્છ:વર્ષ 1969થી કચ્છના અબડાસા તાલુકાના જખૌ બંદર ખાતે માછીમારી કરવાની શરૂઆત કરવામાં આવી હતી. આજે 50 વર્ષ બાદ માછીમારીનો એક મોટો ઉદ્યોગ અહીં વિકસી ચૂક્યો છે. જખૌ બંદરના માછીમારો દ્વારા સરકારને વાર્ષિક 4500 કરોડનું હૂંડીયામણ રડી આપવામાં આવે છે. તેમ છતાં જખૌ બંદર ખાતે માછીમારોને સરકાર દ્વારા પૂરતી સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી નથી. જેથી માછીમારો સંઘર્ષમય જીવન જીવી રહ્યા છે.

લાઈટ, આરોગ્ય અને મોબાઈલ કનેક્ટિવિટીની સમસ્યા:જખૌ બંદર ખાતે પ્રાથમિક સુવિધાઓના અભાવે માછીમારોને જીવન નિર્વાહ કરવું પણ મુશ્કેલ બની ગયું છે. માછીમારોને અહીં લાઈટ, આરોગ્ય અને મોબાઈલ કનેક્ટિવિટીની સમસ્યા સતાવી રહી છે. જેના કારણે સાગર ખેડૂતને ખુબ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ જખૌ બંદર વિસ્તારમાં માછીમારોને રહેવા માટે પાકા મકાનો બનાવામાં આવતા નથી જેના કારણે ભર શિયાળામાં ગુજરાતના સૌથી ઠંડા શહેર નલિયા વિસ્તારમાં તેમને ખુલ્લામાં રહેવું પડે છે.

જખૌના માછીમાર વર્ગ પ્રાથમિક સુવિધાઓથી વંચિત (Etv Bharat Gujarat)

ઓનલાઇન ટોકન મેળવવા 5 કિલોમીટર દૂર જવું પડે:ઉલ્લેખનીય છે કે, દરિયામાં માછીમારી કરવા જતાં પહેલાં માછીમારોને ફિશરીસ વિભાગ તરફથી ઓનલાઇન ટોકન મેળવવું પડતું હોય છે. પરંતુ જખૌ બંદર પર નેટવર્કના અભાવને કારણે માછીમારોને જખૌ બંદરથી 5 કિલોમીટર દૂર જઈ જ્યાં નેટવર્ક આવતું હોય ત્યાંથી ઓનલાઇન ટોકન મેળવવું પડે છે અને ત્યાર બાદ દરિયાની અંદર માછીમારી કરવા જઈ શકે છે.

જખૌના માછીમારો (Etv Bharat Gujarat)

લાઈટ ન હોવાથી અનેક સુવિધાનો અભાવ:જખૌ બંદરથી દરિયામાં માછીમારી કરવા જતાં માછીમારોને સમયાંતરે વિવિધ પ્રજાતિની કિંમતી માછલીઓ મળી આવતી હોય છે. જે પૈકી લોબસ્ટર નામની કિંમતી માછલી જે મળી આવે છે, તેની માંગ આંતરરાષ્ટ્રીય સ્તરે ખૂબ રહેતી હોય છે. માછીમારોને પણ આ માછલીના ભાવ સારા મળતા હોય છે.

જખૌના માછીમારો (Etv Bharat Gujarat)

કલાકોની મહેનત પાણીમાં: પરંતુ જખૌ બંદર વિસ્તારમાં લાઈટની સુવિધા ન હોવાના કારણે માછીમારો લોબસ્ટર માછલીને બોક્સમાં સમયસર પેક કરી શકતા નથી. તેમજ કોલ્ડ સ્ટોરેજની સુવિધા ન હોવાથી લાંબા સમય માટે માછલી સંગ્રહી પણ નથી શકાતી. આ ઉપરાંત બરફ ક્રસિંગ કરવા માટેના સાધનો પણ બંદર પર લાઈટ ન હોવાના કારણે ચાલતા નથી. જેના પરિણામે માછલી ખરાબ થઈ જાય છે અને માછીમારોને આર્થિક નુકશાન પણ પહોંચતું હોય છે અને આટલા કલાકોની માછીમારીની મહેનત પર પાણી ફરી વળે છે.

જખૌના માછીમારો (Etv Bharat Gujarat)

માછીમાર વર્ગ હાલ સમસ્યાઓ સામે ઝૂઝી રહ્યો છે: જખૌ માછીમાર અને બોટ એસોશિયેશનના પ્રમુખ અબ્દુલાશા પીરજાદાએ જખૌના માછીમારોની પ્રાથમિક સુવિધાઓના અભાવ અંગે વાત કરતા જણાવ્યું હતું કે,'સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના તમામ માછીમારો પોતાના પરિવાર સહિત 10 મહિના માટે જખૌ ખાતે માછીમારી કરવા માટે આવતા હોય છે. સરકારને પણ મત્સ્ય ઉદ્યોગ થકી કરોડો રૂપિયાની હૂંડીયામણ રડી આપતો માછીમાર વર્ગ હાલ સમસ્યાઓ સામે ઝૂઝી રહ્યો છે.'

જખૌ બંદર ખાતે ડિમોલિશન કરાયું (Etv Bharat Gujarat)

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, 'વર્ષ 2022 માં સરકાર દ્વારા જખૌ બંદર ખાતે ડિમોલિશન કરવામાં આવ્યું હતું. જેમાં માછીમારો દ્વારા ઊભા કરવામાં આવેલા કાચા મકાનોને દબાણ તરીકે તોડી પાડવામાં આવ્યા હતા. આમ તો સરકાર જખૌ બંદર ખાતે 121 કરોડના ખર્ચે ‘સ્માર્ટ ઇન્ટિગ્રેટેડ ફીશ હાર્બર’ તરીકે વિકસાવવા ખર્ચ કરી રહી છે તો બીજી બાજુ સરકાર માછીમારોને પ્રાથમિક સુવિધાથી વંચિત રાખી તેમને હેરાન કરી રહી છે. જેના પરિણામે જખૌ બંદરના માછીમારોનું જીવન નર્ક સમાન બની ગયું છે.'

જખૌના માછીમારો (Etv Bharat Gujarat)

287 લાખ મેટ્રિક ટન જેટલો મત્સ્યનો ઉત્પાદન: વર્ષ 2023-24 અંતિત જખૌ બંદર ખાતે 287 લાખ મેટ્રિક ટન જેટલો મત્સ્યનો ઉત્પાદન કરવામાં આવ્યું છે. જે રાજ્ય અને દેશના વિવિધ વિસ્તારોમાં પણ મોકલવામાં આવે છે. જખૌ બંદરના માછીમારો લેન્ડિંગ જેટી અને બર્થીંગ જેટીથી માછીમારી કરે છે. ઓકશન હોલ અને નેટ વેન્ડિંગ શેડ છે જે જર્જરિત હાલતમાં છે. હાલમાં માછીમારો પોતાની અંગત જવાબદારી મુજબ બંદર વિસ્તારમાં રહે છે.

અપડેટગ્રેશન ફિશિંગ હાર્બરનો પ્રોજેક્ટ:જખૌ બંદર ખાતે માછીમારોને પડતી હાલાકી મુદ્દે મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકની કચેરીના અધિકારી મહેશ દાફડાએ જણાવ્યું હતું કે,'હાલમાં જખૌના માછીમારોને ફિશરીશ ડિપાર્ટમેન્ટ તરફ શુદ્ધ પીવાના પાણી વ્યવસ્થા કરવામાં આવી છે. આગામી સમયમાં અપડેટગ્રેશન ફિશિંગ હાર્બરનો પ્રોજેક્ટ પૂર્ણ થયાં બાદ જે કામગીરી હાલે નથી થઇ શકતી તે કામગીરી કરવામાં આવશે અને વધુમાં વધુ સુવિધાઓ માછીમારોને આપવામાં આવે તેવા પ્રયાસો કરવામાં આવશે.'

માછીમારોને પૂરતી પ્રાથમિક સવલતો આપવામાં આવે તેવા પ્રયાસો:જખૌ ખાતે પ્રાથમિક મૂળભૂત સુવિધા જેવી કે આરોગ્ય, મોબાઈલ કનેક્ટિવિટી, લાઈટ, પાણી વિતરણ અને રહેવા સહિતની જે સમસ્યાઓ છે, તે મુદ્દે જિલ્લા કક્ષાની સંકલન બેઠકમાં ફરિયાદ કરવામાં આવી છે અને તેના સંલગ્ન વિભાગ દ્વારા પણ ચર્ચાઓ કરવામાં આવી છે. આગમી સમયમાં જે તે વિભાગને પણ આ બાબતે લેખિત જાણ કરવામાં આવશે. તો જખૌ ખાતે વહેલી તકે માછીમારોને પૂરતી પ્રાથમિક સવલતો આપવામાં આવે તેવા પ્રયાસો પણ કરવામાં આવશે.

આ પણ વાંચો:

  1. "સાત કલાક ઊભા રહ્યા, પછી કહ્યું કાલે આવજો", બાળકોના KYC માટે ધરમધક્કા ખાતા વાલીઓ
  2. કચ્છ નહીં દેખા તો ક્યાં દેખા: 'સફેદ રણ બોલાવી રહ્યું છે!', PM મોદીએ રણોત્સવ માણવા આપ્યું ખાસ આમંત્રણ

ABOUT THE AUTHOR

...view details