ગુજરાત

gujarat

ETV Bharat / state

120 ફ્લેવર્સના હેલ્થી હાંડવા પીરસતા ભુજના "હાંડવા કિંગ" યશ ખત્રી, રિક્ષાચાલક પિતાએ પુત્રને સોંપ્યો વારસો - Kutch Handwa King

ફાસ્ટ ફૂડ અને સ્ટ્રીટ ફૂડની બોલબાલા વચ્ચે હવે પરંપરાગત ગુજરાતી વાનગીઓ પણ પોતાની જગ્યા બનાવી રહી છે. કેટલાક લોકો પણ આ વાનગીઓને સ્વાદ પ્રેમીઓ સુધી પહોંચાડી રહ્યા છે. આવા જ એક વેપારી એટલે ભુજના "હાંડવા કિંગ" યશ ખત્રી, જે એક-બે કે ત્રણ નહીં, પૂરા 120 પ્રકારના હેલ્થી હાંડવા પીરસે છે. માણો ETV Bharat નો ખાસ અહેવાલ..

120 ફ્લેવર્સના હેલ્થી હાંડવા પીરસતા ભુજના "હાંડવા કિંગ"
120 ફ્લેવર્સના હેલ્થી હાંડવા પીરસતા ભુજના "હાંડવા કિંગ" (Etv Bharat Graphics)

By ETV Bharat Gujarati Team

Published : Sep 20, 2024, 3:12 PM IST

120 ફ્લેવર્સના હેલ્થી હાંડવા પીરસતા ભુજના "હાંડવા કિંગ" યશ ખત્રી (ETV Bharat Gujarat)

કચ્છ :ગુજરાતીઓ ખાવાના શોખીન હોય છે અને મનપસંદ નાસ્તાનો સ્વાદ તેઓ સવાર હોય કે સાંજ અચૂકથી માણે છે. કચ્છના દાબેલી, વડાપાવ, કડક જેવા મેંદા વાળા ફૂડની જગ્યાએ હેલ્થી ફૂડ તરીકે પરંપરાગત ગુજરાતી નાસ્તો એટલે કે હાંડવો હવે સ્ટ્રીટ ફૂડ તરીકે પણ આગળ આવ્યો છે. લોકો પણ તેનો સ્વાદ માણી રહ્યા છે. ત્યારે ભુજનો યશ ખત્રી છેલ્લા 5 વર્ષથી હોસ્પિટલ રોડ પર અનેક પ્રકારના હાંડવાનો સ્વાદ લોકોને આપી રહ્યો છે.

ભુજના "હાંડવા કિંગ" (ETV Bharat Gujarat)

ભુજના "હાંડવા કિંગ" :ભુજના હોસ્પિટલ રોડ પર છેલ્લા 5 વર્ષથી હાંડવો બનાવીને લોકોને હેલ્થી ફૂડનો ચસ્કો લગાડનાર પિતા-પુત્રની જોડી એટલે કે યશ ખત્રી અને તેમના પિતા હસ્તકાંતભાઈ ખત્રી. ભુજના લોકો મેંદાયુક્ત નાસ્તા જેમાં મુખ્યત્વે દાબેલી ખાવાનું વધારે પસંદ કરે છે. પિતા-પુત્રએ તે જોઈને હેલ્થી ફૂડ પીરસવાનું વિચારીને "હાંડવા કિંગ" તરીકે પોતાનો વેપાર શરૂ કર્યો હતો. યશ ખત્રી CA ફાઈનલની પરીક્ષા માટે તૈયારી કરી રહ્યો છે.

પિતા-પુત્રની જોડી (ETV Bharat Gujarat)

નમકીન કેક એટલે હાંડવો :હાંડવો ગુજરાતી વ્યંજનોમાં એક સ્વાદિષ્ટ, નમકીન કેક જેવો પરંપરાગત નાસ્તો છે. જે ચોખા, અડદ દાળ, ચણા અને તુવેર દાળના મિક્ષ લોટમાંથી બનાવવામાં આવે છે. સાથે દૂધી, ગાજર, લીલા વટાણા, મકાઈ, મરચાં, ડુંગળી અને લસણ જેવા શાકભાજીનો ઉપયોગ કરીને આ બેટર બનાવવામાં આવે છે. જેને ટામેટાની લાલ ચટણી અને લીલી ચટણીની સાથે પીરસવામાં આવે છે.

પિતા-પુત્રની જોડી :ભુજના 28 વર્ષીય યશ ખત્રી હાલ આ વેપાર સંભાળી રહ્યા છે. યશ ખત્રી CA ફાઈનલની પરીક્ષા માટે પણ તૈયારી કરે છે. યશના પરિવારમાં તેના માતા-પિતા અને બહેન છે, બહેનના લગ્ન થઈ ગયા છે. યશના પિતા હસ્તકાંતભાઈ અગાઉ રિક્ષા ચલાવતા અને માતા કચ્છ યુનિવર્સિટીમાં નોકરી કરતા હતા, હાલમાં તેઓ નિવૃત્ત છે. આમ તો યશ CAની તૈયારી કરવા માટે આખો દિવસ વાંચન કરે છે, પરંતુ જ્યારે હાંડવા ખાવા માટે વધારે ગ્રાહકો આવી જાય ત્યારે તે દુકાન પર આવી પહોંચે છે.

"હાંડવા કિંગ" યશ ખત્રી (ETV Bharat Gujarat)

120 પ્રકારના હેલ્થી હાંડવા :પિતા-પુત્રએ શરૂઆતમાં માત્ર એક રેગ્યુલર હાંડવાથી શરૂઆત કરી હતી. આજે તેઓ 120 થી પણ વધુ પ્રકારના હાંડવા લોકોને ખવડાવી રહ્યા છે. યશ ખત્રીએ જણાવ્યું હતું કે, કચ્છ તેની દાબેલી માટે પ્રખ્યાત છે, જેમાં મેંદાના પાવ હોય છે. લોકોને તેના બદલામાં હેલ્થી ફૂડ તરીકે પણ કોઈ વિકલ્પ મળે તે ધ્યાનમાં રાખીને હાંડવો બનાવવાનું શરૂ કર્યું હતું. ધીમે ધીમે લોકોનો સારો પ્રતિસાદ મળતા 1 હાંડવામાંથી આજે 120 થી પણ વધુ પ્રકારના હાંડવાનું વેચાણ કરી રહ્યા છીએ.

હાંડવાની રસપ્રદ રેસીપી :હાંડવો બનાવવા માટે ચોખા અને દાળનો બરાબર આથો આવવું ખૂબ બહુ જરૂરી છે. હાંડવાનું ખીરું બનાવવા માટે પલાળેલા ચોખા અને દાળને દહીંની સાથે પીસવામાં આવે છે. પીસેલા મિશ્રણનો આથો લાવવા માટે 8 કલાક સુધી રાખવામાં આવે છે. આથો આવ્યા પછી ખીરામાં દૂધી, ગાજર, લીલા વટાણા, મકાઈ, ડુંગળી, લસણ જેવા શાકભાજી નાખવામાં આવે છે. તેમાંથી ગોળાકાર નમકીન કેક બનાવવામાં આવે છે. તેના પર તલ ભરાવવામાં આવે છે, જે તેને ક્રિસ્પી સ્વાદ આપે છે. એક હાંડવો બનાવતા 15 થી 20 મિનિટ સુધીનો સમય લાગે છે.

માધાપરમાં રહેતા અને છેલ્લા 6 મહિનાથી રેગ્યુલર રીતે હાંડવાનો સ્વાદ માણવા આવતા ધીરેન્દ્રકુમારે જણાવ્યું હતું કે, "સ્ટ્રીટ ફૂડમાં આવું હેલ્થી ફૂડ મળે છે, જે ખૂબ સારું છે. તેમજ આપણી નજર સામે જ તે બને છે. આ ઉપરાંત આનો સ્વાદ પણ ખૂબ જ સારો હોય છે. તીખું ખાવાનું પસંદ છે ત્યારે ઓનિયન અને સેઝવાન ફ્લેવર્સના હાંડવા ખાવાનું વધારે પસંદ કરું છું, જેનો સ્વાદ ખૂબ જ સારો હોય છે."

ભુજવાસીઓને ચસ્કો લાગ્યો :યશ જણાવે છે કે, લોકો જ્યારે પહેલી વાર હાંડવો ખાવા આવતા હોય છે, ત્યારથી જ તેમને અહીંના હાંડવા ખૂબ પસંદ આવી જાય છે. ખાસ કરીને જે લોકોને ઘરે હાંડવા નથી ભાવતા તેઓ પણ અહીં હાંડવા ખાધા બાદ હાંડવાના પ્રેમી થઈ જાય છે. લોકોનો પ્રતિસાદ પણ હાંડવા ખાધા બાદ ખૂબ સારા મળતા હોય છે. એક વાર સ્વાદ માણ્યા બાદ અવારનવાર અલગ અલગ પ્રકારના હાંડવાનો સ્વાદ માણવા લોકો આવતા હોય છે.

હાંડવાના ફયુઝન ફ્લેવર્સ :હાંડવા કિંગ યશ ખત્રીએ જણાવ્યું કે, 5 વર્ષ અગાઉ શરૂઆત કરી ત્યારે પિતાનો વિચાર હતો અને માત્ર 1 સાદો હાંડવો લોકોને પીરસવામાં આવતો હતું. આજે હાંડવામાં રેગ્યુલર હાંડવા, બટર હાંડવા, ચીઝ હાંડવા, બટર એન્ડ ચીઝ હાંડવા અને ચીઝ બ્રસ્ટ હાંડવા એમ મુખ્યત્વે 5 પ્રકાર હાંડવા મળે છે. સાથે જ ફ્લેવર્સની વાત કરવામા આવે તો રેગ્યુલર, ઓનિયન, ગાર્લિક, સેઝવાન, માયોનીઝ, ઓનિયન ગાર્લિક, ઓનીયન માયોનીઝ, ઓનીયન સેઝવાન, ગાર્લીક સેઝવાન, ગાર્લીક માયોનિઝ, ઓનિયન ગાર્લિક સેઝવાન, ઓનિયન ગાર્લિક માયોનીઝ, ઓનીયન સેઝવાન માયોનીઝ, કોર્ન, કોર્ન ઓનિયન, કોર્ન ગાર્લીક, કોર્ન માયોનીઝ, કોર્ન સેઝવાન, કોર્ન ઓનિયન સેઝવાન, કોર્ન સેઝવાન માયોનીઝ વગેરે જેવા ફયુઝન ફ્લેવર્સ ઉપલબ્ધ છે.

રૂ.80-200 કિંમતના હાંડવા :આ વિવિધ ફ્લેવર્સના હાંડવાના ભાવની વાત કરવામાં આવે તો 80 રૂપિયાથી રેગ્યુલર સાદો હાંડવો શરૂ થાય છે. જે 200 રૂપિયા સુધીના હાંડવાનો સ્વાદ લોકો માણે છે. જેમાં ખાસ કરીને લોકો સૌથી વધારે ઓનિયન ગાર્લિક હાંડવો ખાવાનું પસંદ કરે છે. તીખું ખાવાનું પસંદ કરતા લોકો ઓનિયન ગાર્લિક સેઝવાન હાંડવો ખાવાનું પસંદ કરતા હોય છે. તો દરરોજ અંદાજે 40 જેટલા હાંડવાનું વેચાણ કરવામાં આવતું હોવાનું યશે જણાવ્યું હતું.

  1. એનીટાઈમ-એનીવ્હેર, મોસ્ટ ફેમસ સ્ટ્રીટ ફૂડ : કચ્છી દાબેલીનો રોચક ઈતિહાસ
  2. ભાનુબેનની "ભરતગુંથણની કળા", કચ્છની દિકરીઓને પણ આત્મનિર્ભર કરી

ABOUT THE AUTHOR

...view details