ખેડા:જિલ્લાના કઠલાલના ખલાલ પાસે સરકારી જમીન સસ્તા ભાવે આપવાની લાલચ આપી ઠગાઈ કરવાની ઘટના સામે આવી છે. જેમાં અમદાવાદના કઠવાડા GIDC માં ફેબ્રિકેશનની કંપનીના માલિકને બીજી કંપની માટે જમીન જરૂર હોવાથી આણંદના રાજુ ઉર્ફે યુસુફ વ્હોરાએ રિટાયર્ડ મામલતદાર તરીકેની ઓળખ આપી હતી. જે બાદ સસ્તા ભાવે સરકારી જમીન આપવાની લાલચ આપી થોડા થોડા કરી રૂપિયા 1.10 કરોડ પડાવ્યા હતા. ત્યારબાદ અમદાવાદ ખાતે આવેલી ઓફીસને તાળા મારી ફરાર થઈ ગયો હતો. જે મામલે કઠલાલ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા બે આરોપીઓ વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરાઈ છે.
અમદાવાદ નિકોલમાં રહેતા સંદીપભાઈ દલપતભાઈ પંચાલ કઠવાડા GIDC માં શ્રી અંબા ઈન્ડસ્ટ્રીઝ નામની ફેબ્રિકેશનની કંપની ધરાવે છે. જ્યાં તેમના મિત્રએ પ્રવિણભાઈને બીજી કંપની નાખવા માટે અન્ય જગ્યાએ જમીન જોઈએ છે તેની વાત કરી હતી. જેથી પ્રવિણભાઈએ યુસુફભાઈ ઉર્ફે રાજુભાઈ રસુલભાઈ વ્હોરા સાથે મુલાકાત કરાવી હતી. જેણે પોતાની ઓળખ રિટાયર્ડ મામલતદાર તરીકેની આપી હતી. તેમજ અમદાવાદ ઇસનપુર ખાતે તેની ઓફીસ છે એમ કહી ત્યાં મળવા બોલાવ્યા હતા. જ્યાં એકતાબેન નામની મહિલા પણ મળી હતી.
કુલ રૂ.1,10,81,200 પડાવ્યા:એક જાહેર નોટિસ બતાવી યુસુફ વ્હોરાએ વિશ્વાસ કેળવ્યો હતો. જે બાદ તેણે ખેડાના કઠલાલ તાલુકાના ખલાલ ગામની સીમમાં આવેલ સરકારી પડતર જમીનના પેપર તથા 7/12ની નકલ બતાવી હતી. જેથી સંદીપભાઈએ સરકારી જમીન રાખવાની હોવાનું જણાવતા રૂબરૂ લઈ જઈ સર્વે નંબર 3/અ વાળી ક્ષેત્રફળ 13-34-38 હે.આરે. વાળી પડતર સરકારી જમીન બતાવી હતી. જે બાદ જમીન જંત્રીના અને અધિકારીને વહીવટના રૂપિયા આપવા પડશે તેમ જણાવ્યું હતું. તેમજ ત્રણ કોરા વાઉચર પર સહી કરાવી જંત્રીની રકમ ભરી પહોંચ આપી દેવાનું કહ્યું હતું. જે પછી યુસુફ વ્હોરા અને તેના મળતિયાઓએ અલગ અલગ સમયે થોડા થોડા કરી કુલ રૂપિયા 1,10,81,200 પડાવ્યા હતા.