કોંગી ઉમેદવાર કાળુસિંહ ડાભીએ નામાંકન ભર્યું ખેડા :ખેડા લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર કાળુસિંહ ડાભીએ સમર્થકો સાથે લોકસભા ચૂંટણી 2024 માટે ઉમેદવારી નોંધાવી છે. તેઓએ મોટી સંખ્યામાં કાર્યકરો સાથે રોડ શો અને રેલી યોજી કલેક્ટર કચેરીએ પહોંચી નામાંકન પત્ર રજૂ કર્યું હતું. ઉમેદવારી નોંધાવ્યા બાદ કાળુસિંહ ડાભીએ બે લાખ મતની લીડથી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
કાળુસિંહ ડાભીએ નામાંકન ભર્યું : નડીયાદના ઇપ્કોવાલા સર્કલથી કોંગ્રેસ અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકરો તેમજ સમર્થકો સાથે કોંગી ઉમેદવાર કાળુસિંહ ડાભીએ રેલી યોજી હતી. ત્યારબાદ કલેક્ટર કચેરી પહોંચી જિલ્લા ચૂંટણી અધિકારી સમક્ષ કોંગ્રેસ ઉમેદવાર કાળુસિંહ ડાભીએ નામાંકન પત્ર રજૂ કર્યું હતું.
શક્તિસિંહ ગોહિલની ઉડતી મુલાકાત :નડિયાદ ખાતે કોંગ્રેસ ઉમેદવાર કાળુસિંહ ડાભીના નામાંકન નોંધાવતા સમયે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના મહામંત્રી અને ગુજરાતના પ્રભારી મુકુલ વાસનિક સહિત આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. શક્તિસિંહ ગોહિલે ઉડતી મુલાકાત લીધી હતી. તેઓ થોડો સમય ઉપસ્થિતિ નોંધાવી ઉમેદવારને મળી હેલિપેડ પરથી જ રવાના થયા હતા.
શક્તિસિંહ ગોહિલે લીધી ઉડતી મુલાકાત કાળુસિંહ ડાભીનો દાવો :નામાંકન પત્ર રજૂ કર્યા બાદ કોંગ્રેસ ઉમેદવાર કાળુસિંહ ડાભીએ જણાવ્યું હતું કે, અમે આ વખતે બે લાખ મતની લીડથી જીતવાના છીએ. સમગ્ર સાતે સાત વિધાનસભામાં સૌથી સારામાં સારું વાતાવરણ છે. કેટલાય બુથો એવા છે જેમાં ભાજપ વાળાનું ખાતું નહીં ખુલે. એ પાંચ લાખ મતની લીડની ઘમંડી વાત કરે છે, એ બધી વાત જતી રહી. અમારા ગુજરાતમાં ચૌદ બેઠક પર કોંગ્રેસ આવવાની છે. દેશમાં ઇન્ડિયા ગઠબંધનની સરકાર આવવાની છે.
- જનતાના પ્રેમ, આશીર્વાદ અને સમર્થન અમારી સાથે : શક્તિસિંહ ગોહિલ
શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ગુજરાતીઓનો આભાર માનીશ કે દરેક જગ્યાએ કોંગ્રેસના ઉમેદવારને પ્રેમ, સમર્થન અને આશીર્વાદ આપી રહ્યા છે. લોકશાહીમાં આખરે લોકો મહાન હોય છે. ભાજપને સત્તા વારંવાર મળી એટલે અહંકારથી એવું માનવા માંડ્યા કે લોકો તો અમારા ખિસ્સામાં છે. આ લોકશાહીમાં લોકોનું અપમાન છે. આનો જવાબ ગુજરાતની જનતા આપી રહી છે. ગેરંટીની વાતો કરે છે તો તમામ પ્રકારે ફેલ રહ્યા છે. જે વાતો કરી તે બધા જુમલા સાબિત થયા છે. દસ વર્ષમાં કંઈ નથી થયું અને હવે નવી વાત કરી રહ્યા છે. કોંગ્રેસનો એક સકારાત્મક એજન્ડા છે.
- ખેડા બેઠક પર કાળુસિંહ ડાભીની કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ વચ્ચે ટક્કર
- આઝાદી બાદથી કોંગ્રેસનો ગઢ મનાતા ખેડા લોકસભા બેઠકનું 2014 માં ચિત્ર બદલાયું