ગુજરાત

gujarat

ETV Bharat / state

અખંડ જ્યોત અને ઘીના અખૂટ ભંડારનું ધની, ખેડાનું કામનાથ મહાદેવ મંદિર - Kheda Kamanath Mahadev temple - KHEDA KAMANATH MAHADEV TEMPLE

એક એવું મંદિર કે જ્યાં છેલ્લા 635 વર્ષથી અખંડ જ્યોત પ્રજ્વલિત છે, અને આ જ્યોત માટે ઘીનો અખૂટ ભંડાર છે. હા, અમે વાત કરી રહ્યા છીએ ખેડા તાલુકાના રઢુ ગામમાં સ્થિત પ્રાચીન કામનાથ મહાદેવ મંદિરની, જાણો આ મંદિરનો રસપ્રદ ઈતિહાસ અને માન્યતા...

કામનાથ મહાદેવ મંદિર
કામનાથ મહાદેવ મંદિર (ETV Bharat Reporter)

By ETV Bharat Gujarati Team

Published : Aug 13, 2024, 7:39 PM IST

અખૂટ ભંડારનું ધની કામનાથ મહાદેવ મંદિર (ETV Bharat Reporter)

ખેડા : ગુજરાતમાં અનેક શિવમંદિરો આવેલા છે. પરંતુ ખેડા તાલુકામાં ખેડા-ધોળકા હાઈવે પર સ્થિત રઢુ ગામમાં એક પ્રાચીન મહાદેવ મંદિર છે. આ ગામમાં વાત્રક નદી વહે, જ્યાં પાંચ નદીઓના સંગમ સ્થાન પાસે કામનાથ મહાદેવ મંદિર સ્થિત છે.

કામનાથ મહાદેવ મંદિર : સદીઓથી પ્રજ્વલિત અખંડ જ્યોત અને ઘીના અખંડ ભંડાર માટે કામનાથ મહાદેવ મંદિર જાણીતું છે. અહીં સમગ્ર ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં ભાવિકો દર્શન માટે આવે છે. શ્રાવણ મહિનામાં દર્શન માટે ભારે ભીડ ઉમટે છે. મંદિરમાં ઘી ચઢાવવાની માનતા રાખવાથી ભાવિકોની તમામ મનોકામના પૂર્ણ થતી હોવાની માન્યતા છે, જે માનતા પૂર્ણ થતાં ભાવિકો ઘી અર્પણ કરે છે.

અખંડ જ્યોત અને ઘીના અખૂટ ભંડારનું ધની (ETV Bharat Reporter)

635 વર્ષથી અખંડ જ્યોત :વાત્રક નદીના સામેના કિનારે આવેલા પુનાજ ગામે આવેલા મહાદેવ મંદિરેથી ગામના ભાવિકો દ્વારા જ્યોત લાવી શ્રાવણ વદ 12 સંવત 1445 માં આ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. મંદિરમાં ભગવાન જ્યોત સ્વરૂપે બીરાજમાન છે. છેલ્લા 635 વર્ષથી આ અખંડ જ્યોત મંદિરમાં પ્રજ્વલિત છે. જે જ્યોત માટે મંદિરમાં શુદ્ધ ઘીનો અખંડ ભંડાર આવેલો છે. જ્યાં 1,151 ઉપરાંત ઘડામાં ઘી રાખવામાં આવે છે. આજદિન સુધી ભંડારમાં ક્યારેય ઘી ખૂટ્યું નથી.

ઘીનો ચમત્કારિક અખૂટ ભંડાર :સ્થાપના સમયે મંદિરમાં અખંડ જ્યોતને સતત પ્રજ્વલિત રાખવા માટે ઘીની જરૂરિયાત હતી. ગામમાં જે ઘરે ગાય કે ભેંસનું વિયાણ થાય તેના વલોણાનું શુદ્ધ ઘી જ્યોતમાં આપવાનો નિયમ હતો, જેને લઈ મંદિરમાં ઘીનો પ્રવાહ અવિરત રહ્યો. સાથે જ ભાવિકોની મનોકામના પણ પૂર્ણ થવા લાગી. ત્યારથી મંદિરમાં ઘી અર્પણ કરવાની માનતા રાખવામાં આવે છે. મનોકામના પૂરી થતા દૂર દૂરથી આવતા ભાવિકો મંદિરમાં ઘી અર્પણ કરે છે. જેને લઈ મંદિરનો ઘીનો ભંડાર સતત વધતો રહ્યો છે.

મંદિરના ભંડારમાં આજ સુધી ક્યારેય ઘી ખૂટ્યું નથી. મંદિરના અખંડ ઘી ભંડારમાં 1,151 ઉપરાંત માટીના ઘડામાં ઘી રાખવામાં આવ્યું છે. સદીઓ જૂનું ઘી હોવા છતાં ક્યારેય બગડતું નથી કે ઘી માં ક્યારેય દુર્ગંધ આવતી નથી. આ ઘીમાં કીડી મકોડા કે અન્ય જીવજંતુઓ પડતા નથી, જે એક ચમત્કાર સમાન છે. આ ઘીનો ઉપયોગ માત્ર અખંડ જ્યોત અને યજ્ઞ માટે જ થાય છે.

ઘીનો ચમત્કારિક અખૂટ ભંડાર (ETV Bharat Reporter)

શ્રાવણ વદ બારસનો મેળો :દૂર દૂરથી આવતા ભાવિકો માટે રઢુ ગામમાં જન્મેલા સ્વાતંત્ર્ય સેનાની રવિશંકર મહારાજના નામથી મંદિરમાં ભોજનાલય ચાલે છે. શ્રાવણ વદ બારસે મંદિરમાં જ્યોત લાવવામાં આવી હતી. જેથી દર વર્ષે શ્રાવણ વદ બારસના દિવસે ગામમાં ભગવાનની વાજતે ગાજતે નગર યાત્રા યોજાય છે. તેમજ ગામમાં ઉજાણી કરવામાં આવે છે અને ગામમાં લોકમેળો ભરાય છે. મંદિરમાં આખો શ્રાવણ માસ હોમાત્મક યજ્ઞ પણ કરવામાં આવે છે.

  1. 700 વર્ષ પુર્વેનું સ્વયંભૂ શિવલિંગ, શ્રાવણ માસના સોમવારે ઉમટ્યા ભાવિકો
  2. ચપટી "ધૂળના અભિષેક"થી ભક્તોની મનોકામના પૂર્ણ કરતા "ધૂળેશ્વર મહાદેવ"

ABOUT THE AUTHOR

...view details