વિકાસલક્ષી બજેટના દાવાને વિપક્ષે વિનાશલક્ષી ગણાવ્યું જૂનાગઢ :લોકસભાની ચૂંટણી પૂર્વે જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષ 2024-25 માટે અંતિમ બજેટ રજૂ થયું છે. કરવેરામાં એક પણ પ્રકારના વધારા વિહોણા બજેટને શાસક પક્ષે જૂનાગઢ શહેરના સર્વાંગી વિકાસ સાથે સરખાવ્યું છે. તો બીજી તરફ વિપક્ષે બજેટને માત્ર ગુલાબી ચિત્ર તરીકે ગણાવીને જૂનાગઢવાસીઓની આશા પર નઠારુ ગણાવીને બજેટનો વિરોધ કર્યો છે.
જૂનાગઢ મનપાનું બજેટ રજૂ :લોકસભાની સામાન્ય ચૂંટણી પૂર્વે જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ 2024-25 નું સામાન્ય અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું. કરવેરામાં કોઈપણ પ્રકારનો વધારો કર્યા વગર જૂનાગઢ શહેરના સર્વાંગી વિકાસ માટેની રૂપરેખા રજૂ કરીને આ બજેટ આપવામાં આવ્યું હોવાનો શાસક પક્ષે દાવો કર્યો છે. તો બીજી તરફ વિપક્ષે આ બજેટને માત્ર ગુલાબી ચિત્ર તરીકે ઓળખાવી જૂનાગઢની જનતા સાથે બજેટના રૂપમાં છેતરપિંડી થઈ હોવાનો આક્ષેપ કર્યો છે. બજેટમાં કરવેરા નાખવામાં નથી આવ્યા પરંતુ જે કરવેરા ચાલી રહ્યા છે તે મુજબ જૂનાગઢના લોકોને શાસકો કેટલી સુવિધા આપી રહ્યાં છે તેના પર સવાલ કરીને વિપક્ષે બજેટને નઠારુ ગણાવ્યું છે.
બજેટ મામલે બોર્ડનો માહોલ ગરમાયો :જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધિશોએ આ બજેટ જૂનાગઢ માટે ખૂબ સારું હોવાનું જણાવ્યું છે. આ બજેટમાં જૂનાગઢના લોકો માટેની લોક ઉપયોગી યોજનાનો ખૂબ જ ગંભીરતાથી સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં ભૂગર્ભ ગટર અને પીવાના પાણી સહિત માર્ગ અને બાગ-બગીચાઓની સાથે આધુનિક ક્રિકેટ સ્ટેડિયમ જેવી સુવિધા છે. ઉપરાંત પ્રાથમિક સુવિધા લોકોને મળી શકે તે માટેની આંગણવાડી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બનાવવાની લઈને દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. તો બીજી તરફ વિપક્ષે કહ્યું કે, આ જ પ્રકારની દરખાસ્તો પાછલા કેટલાય બજેટમાં શાસક પક્ષ રજૂ કરી ચૂક્યો છે, પરંતુ પાછલા બજેટની જોગવાઇનો અમલ થયો નથી. ત્યારે ફરી એક વખત નવી ફાઈલમાં જૂની દરખાસ્તો ભરીને સત્તાધીશોએ બજેટ રજુ કર્યું છે.
વિપક્ષે સત્તાધીશોનો કાન આમળ્યો :જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં સરકારી કે અન્ય જગ્યા પર કેટલાક આસામીઓ દ્વારા દબાણ કરીને સરકારી મિલકત સમાન જમીન પર કબજો કર્યો છે, તે મુદ્દો પણ બજેટ બોર્ડમાં ચર્ચાયો હતો. વિપક્ષે દબાણ દૂર કરવાને લઈને શાસક પક્ષનો કાન આમળ્યો હતો. નોંધનીય છે કે, દબાણ દૂર કરવાની જવાબદારી ટાઉન પ્લાનિંગ શાખા પાસે છે. ત્યારે સંબંધિત અધિકારી ગામીતે વિપક્ષને ભરોસો અપાવતા કહ્યું, આગામી દિવસોમાં નવા આધુનિક સર્વે સાથે મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં આવેલા ગેરકાયદેસર બાંધકામોને તબક્કાવાર દૂર કરવાની ઝુંબેશ જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શરૂ કરવામાં આવશે.
- Junagadh News: બજેટ રજૂઆત સંદર્ભે જૂનાગઢ મનપા દ્વારા હલવા સેરેમની યોજાઈ
- Budget 2024-25 : કેન્દ્ર અને રાજ્ય સરકારના અંદાજપત્રથી જૂનાગઢના વેપારીઓ-ઉદ્યોગપતિઓની શું છે આશા-અપેક્ષા ?