ગુજરાત

gujarat

ETV Bharat / state

Junagadh APMC : ખેડૂતો માટે આશીર્વાદરૂપ પહેલ, 30 રૂપિયામાં મળશે ભરપેટ ભોજન - Farmers Canteen Marketing Yard

જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ દ્વારા ખેડૂતલક્ષી નિર્ણય કરવામાં આવ્યો છે. માર્કેટિંગ યાર્ડમાં જણસી લઈને જાહેર હરાજી માટે આવતા ખેડૂતોને માત્ર 30 રૂપિયામાં ભરપેટ ભોજન મળી રહે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સેવાનો લાભ લેતા ખેડૂતો પણ પહેલને આવકારી રહ્યા છે.

30 રૂપિયામાં મળશે ભરપેટ ભોજન
30 રૂપિયામાં મળશે ભરપેટ ભોજન

By ETV Bharat Gujarati Team

Published : Feb 22, 2024, 6:25 PM IST

ખેડૂતો માટે આશીર્વાદરૂપ પહેલ

જૂનાગઢ :જૂનાગઢ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા ખેડૂતોના હિતમાં નિર્ણય કરીને માત્ર 30 રૂપિયામાં ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. જૂનાગઢ એપીએમસી ખાતે જાહેર હરાજી માટે આવતા પ્રત્યેક ખેડૂતને બપોરના સમયે ભરપેટ ગુજરાતી ભોજન મળી રહે તે માટેની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. જેને ખેડૂતો પણ ખૂબ જ હોંશભેર આવકારી રહ્યા છે.

30 રૂપિયામાં ભરપેટ ભોજન : મોંઘવારીના સમયમાં વહેલી સવારે ઘરેથી નીકળેલો ખેડૂત સાંજે ઘરે પરત ફરતા હોય છે. ત્યારે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં બપોરના સમયે ભોજનની વ્યવસ્થા ખૂબ જ મામૂલી એવા 30‌ રુપિયાના દરે માર્કેટિંગ યાર્ડમાં કરવામાં આવી છે.

ખેડૂતો માટે આશીર્વાદરૂપ પહેલ :જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની ખેડૂત કેન્ટીનમાં બપોરના સમયે દાળ-ભાત, છાશ, રોટલી, પાપડ, સંભારો, ડુંગળી અને સીઝન અનુસાર કચુંબરની સાથે બે અલગ-અલગ શાક આપવામાં આવશે. જણસીની હરાજી માટે માર્કેટિંગ યાર્ડ આવતા ખેડૂતના ભોજનની ચિંતા માર્કેટિંગ યાર્ડ સંચાલને કરી છે. આજે 100 થી 200 રૂપિયામાં ગુજરાતી થાળી મળે છે. તો વધુમાં 50 રૂપિયા 100 ગ્રામ ગાંઠિયા વહેંચાઈ રહ્યા છે. ત્યારે ફક્ત 30 રૂપિયામાં ગુજરાતી ભરપેટ ભોજન મળતા ખેડૂતોને ખૂબ લાભ મળશે.

લાભાર્થી ખેડૂતનો પ્રતિભાવ :જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં માંગરોળ તરફથી ધાણા અને મેથી લઈને આવેલા ખેડૂત સવજીભાઈએ 30 રૂપિયામાં ભરપેટ ભોજનની પ્રશંસા કરતા જણાવ્યું કે, 30 રૂપિયામાં આજે 100 ગ્રામ નાસ્તો મળતો નથી. તેની જગ્યા પર માર્કેટિંગ યાર્ડમાં બપોરના સમયે 30 રૂપિયામાં ગુજરાતી ભોજન મળે છે. જે ખેડૂતોની આંતરડી ઠારવા માટે ખૂબ મદદગાર બની શકે છે.

સુવિધામાં વધારો થશે :જૂનાગઢ માર્કેટિંગ યાર્ડના સચિવ દિવ્યેશ ગજેરાએ જણાવ્યું કે, માર્કેટિંગ યાર્ડ ખેડૂતોની સંસ્થા છે. ખેડૂતોના હિતમાં જે નિર્ણય કરવાના થતા હોય તે ચેરમેન અને માર્કેટિંગ યાર્ડના તમામ ડિરેક્ટરો એક સાથે મળીને કરતા હોય છે. ત્યારે હરાજી માટે આવતા ખેડૂતો બપોરનું ભોજન સ્વાદિષ્ટ અને પૌષ્ટિક રીતે અને તેમજ બિલકુલ મામૂલી કહી શકાય તેવા 30 રૂપિયાના દરે કરી શકે તે માટેની વ્યવસ્થા જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ કરી છે. જેમાં આવનાર સમયમાં ખેડૂતોની માંગ અને જરૂરિયાતને લઈને ઉમેરો પણ કરવામાં આવશે.

  1. Junagadh APMC : જૂનાગઢ APMC માં તુવેરની મબલક આવક, ખેડૂતોને મળી રહ્યા છે ઉંચા ભાવ
  2. Junagadh APMC: માર્કેટ યાર્ડમાં ઘઉં અને તુવેરની મબલખ આવક, યોગ્ય ભાવ મળતા ખેડૂતો ખુશખુશાલ

ABOUT THE AUTHOR

...view details