જૂનાગઢ :મહાશિવરાત્રીના મેળામાં અનેક આકર્ષણો જોવા મળી રહ્યા છે. નાગા સંન્યાસી દ્વારા વિવિધ પ્રકારના આસન અને હઠયોગ લગાવીને અલખને ઓટલે મહાદેવની આરાધના થઈ રહી છે. ત્યારે પાછલા 25 વર્ષથી ભવનાથ મેળામાં આવી રહેલા એક હઠયોગી કાંટા પર આસન લગાવીને અનોખી રીતે શિવભક્તિ કરી રહ્યા છે.
શિવ અને જીવનું મિલન, મહાશિવરાત્રી મેળો...
ભવનાથની ગીરી તળેટીમાં મહાશિવરાત્રીના મહામેળાનું આયોજન થયું છે. જેમાં નાગા સંન્યાસીઓ દ્વારા વિવિધ પ્રકારના હઠયોગ કરવામાં આવી રહ્યા છે. શિવ અને જીવના આ મિલન સમાન મહાશિવરાત્રીના મેળામાં સમગ્ર દેશમાંથી ખૂબ મોટી સંખ્યામાં નાગા સન્યાસી, જેને શિવના સૈનિક તરીકે પણ સનાતન ધર્મમાં ઓળખવામાં આવે છે, તેઓ આવી રહ્યા છે.
"હઠયોગી" નાગા સાધુએ કાંટા પર જમાવ્યું આસન (ETV Bharat Gujarat) હઠયોગીએ લગાવ્યું કાંટા પર આસન :મહાશિવરાત્રીના મેળામાં પાંચ દિવસ સુધી ગીરી તળેટીમાં નાગા સંન્યાસીઓ અલગ અલગ પ્રકારના હઠયોગ લગાવીને મેળા દરમિયાન ગુરુદત્ત મહારાજ અને મહાદેવની સાધના અને આરાધના કરતા જોવા મળી રહ્યા છે. ત્યારે ભવનાથમાં આવેલા એક નાગા સંન્યાસી કાંટા પર હઠયોગનું આસન લગાવીને ધૂણી ધખાવી રહ્યા છે. ભવનાથમાં આવેલા નાગા સંન્યાસીએ ભીષ્મપીતાની માફક કાંટા પર આસન લગાવ્યું છે. તેઓ માને છે કે કર્મના બંધનમાંથી મુક્ત થવા માટે આ પ્રકારના હઠયોગ કરવામાં આવે છે.
ગુરુદત્ત અને મહાદેવનો આદેશ :નાગા સન્યાસી વર્ષ 2001 થી ભવનાથમાં આયોજિત મહાશિવરાત્રીના મેળામાં આવે છે. બાદમાં 2007ના વર્ષથી તેમણે કાંટા પર આસન લગાવી હઠયોગની શરૂઆત કરી છે, જે દર વર્ષે શિવરાત્રીના મેળામાં જોવા મળે છે. કાંટા પર આસન લગાવનાર હઠયોગી માને છે કે કોઈપણ વ્યક્તિને કર્મના બંધનમાંથી છૂટવા માટે તેમના ઇષ્ટદેવ દ્વારા આદેશ કરવામાં આવતો હોય છે. જેથી ગુરુદત્ત અને મહાદેવની ઈચ્છાથી તેઓ કાંટા પર આસન લગાવી રહ્યા છે.
- મહાશિવરાત્રી પર્વે સોમનાથમાં મહાઆયોજન, પૂજા-આરતીથી લઈને સમગ્ર આયોજનનો સમય
- મહાશિવરાત્રી મેળો: નાગા સંન્યાસીએ વૈદિક શિક્ષણ પ્રણાલી પર વ્યક્ત કર્યા પોતાના મંતવ્યો...