જૂનાગઢ : પોલીસ વિભાગે સંગઠિત થઈને અપરાધને અંજામ આપવાના ગુનામાં ખાડિયા વિસ્તારના પાંચ આરોપીઓની GCTOC હેઠળ અટકાયત કરી છે. જૂનાગઢ પોલીસે રાજુ સોલંકી, જયેશ સોલંકી, દેવ સોલંકી, સંજય સોલંકી અને યોગેશ બગડા નામના પાંચ આરોપીને ગુજસીટોક કાયદા અન્વયે સંગઠિત અપરાધ કરવાના ગુનામાં અટકાયત કરી છે.
રાજુ સોલંકીના પરિવાર વિરુદ્ધ મોટી કાર્યવાહી (ETV Bharat Reporter) એક પરિવારના પાંચ સભ્યોની અટકાયત :પોલીસ પકડમાં રહેલા રાજુ સોલંકી અને જયેશ સોલંકી બંને સગા ભાઈ છે. જ્યારે દેવ સોલંકી અને સંજય સોલંકી રાજુ સોલંકીના પુત્રો છે. સાથે યોગેશ બગડા રાજુ સોલંકીનો ભાણેજ હોવાનું સામે આવ્યું છે. આ તમામ આરોપીઓ વિરુદ્ધ ભૂતકાળમાં બાર જેટલી ફરિયાદો પોલીસ ચોપડે નોંધાઈ હતી. તેના બદલામાં પોલીસે આજે કાર્યવાહી કરી છે.
ગુનાહિત ઈતિહાસ :પોલીસ પકડમાં રહેલા તમામ પાંચ આરોપીઓ વિરુદ્ધ ભૂતકાળમાં હત્યાનો પ્રયાસ, પોલીસ પર હુમલો કરવાની સાથે પોલીસની ફરજમાં રૂકાવટ, પ્રોહિબેશન, રાઇટીંગ, ખંડણી, અપહરણ, મારામારી, ધાક-ધમકી આપવી અને હથિયાર ધારા તેમજ જુગારના અનેક ગુના પોલીસ ચોપડે નોંધાયા છે. જે અંતર્ગત ગુજસીટોકની કલમ 3/(1) ની પેટા કલમ 1 અને 2 તેમજ કલમ નંબર 3/4 અન્વયે ગુનો નોંધીને પાંચેય આરોપીની અટકાયત કરી છે.
કોણ છે આરોપીઓ ?ગુજસીટોક અન્વયે આજે પોલીસે અટકાયત કરેલ સંજય સોલંકી અગાઉ ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, જે અન્વયે ગણેશ જાડેજા આજે પણ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. સંજય સોલંકી પર પણ ભૂતકાળમાં સંગઠિત થઈને 6 જેટલા ગુના આચરવાના કેસમાં પોલીસ ફરિયાદ નોંધાય છે. તો મુખ્ય આરોપી તરીકે પકડેલા રાજુ સોલંકી પર અલગ અલગ ગુનાની 12 ફરિયાદ, જયેશ સોલંકી પર 9, રાજુ સોલંકીના પુત્ર દેવ સોલંકી પર 2 અને રાજુ સોલંકીના ભાણેજ યોગેશ બગડા પર 3 જેટલા ગુનામાં અગાઉ ફરિયાદ નોંધાઈ ચૂકી છે.
પોલીસ કાર્યવાહી :પોલીસ પકડમાં રહેલા તમામ પાંચેય આરોપીઓ વિરુદ્ધ માંગરોળના DySP કોડીયાતરને વધુ તપાસ સોંપવામાં આવી છે. પોલીસ પકડમાં રહેલા તમામ આરોપીને આવતીકાલે ગુજસીટોક કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવવા માટે પોલીસ કાર્યવાહી કરી શકે છે. જૂનાગઢ શહેરમાં આ પ્રકારે એક સાથે પાંચ વ્યક્તિઓ વિરુદ્ધ ગુજસીટોક ફરિયાદ અન્વયે અટકાયત થતા સમગ્ર મામલો જિલ્લામાં ચર્ચાનું કેન્દ્ર પણ બની રહ્યો છે.
- દલિત યુવક અપહરણ કેસ, પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાને આરોપી બનાવવા અરજી
- દલિત યુવાન પર થયેલા હુમલાના વિરોધમાં, જૂનાગઢથી ગોંડલ સુધી રેલીનું પ્રસ્થાન