જૂનાગઢ:રાજ્યમાં ગરવી ગિરનારની પાવનકારી લીલી પરિક્રમા ચાલી રહી છે. આ વખતે પ્રથમ વખત સંપૂર્ણપણે પ્લાસ્ટિકના પ્રતિબંધ સાથે પરિક્રમાની શરૂઆત કરવામાં આવી છે. જેના કારણે પરિક્રમાના પથ પર પ્લાસ્ટિકનું પ્રદૂષણ અને પીવાના પાણીની બોટલની સાથે અન્ય પ્લાસ્ટિકની ચીજ-વસ્તુઓ જોવા મળતી નથી, પરંતુ ખૂબ મોટા પ્રમાણમાં કચરો અને ગંદકી થઈ રહી છે જેને નિયંત્રિત કરવામાં આવે તેવી માંગ પરિક્રમામાં આવેલા ભાવિકોએ વ્યક્ત કરી છે.
પ્લાસ્ટિક પ્રદુષણ દૂર પરંતુ કચરાની સમસ્યા યથાવત: ગિરનારની પરિક્રમા દરમિયાન આ વર્ષે તમામ પ્રકારના પ્લાસ્ટિકના ચીજ-વસ્તુઓના વપરાશ અને પ્લાસ્ટિકથી બનેલ તમામ ચીજ-વસ્તુઓને સાથે લઈ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યું છે. આમ, આ પરિક્રમામાં આવેલા પરિક્રમાથીઓએ દ્વારા ઉપયોગમાં લેવાતી પ્લાસ્ટિકની બોટલ અને અન્ય પ્લાસ્ટિકનો કચરો કે જે એક વખત ઉપયોગ કરીને તેને જંગલ વિસ્તારમાં ફેંકી દેવામાં આવે છે તેના પ્રતિબંધથી જંગલ વિસ્તારમાં પ્લાસ્ટિકનો કચરો એકદમ નિયંત્રિત થયેલો જોવા મળે છે. પરંતુ પ્લાસ્ટિકનુ પ્રદુષણ બંધ થતા હવે અન્ય કચરાની સમસ્યા સામે આવી રહી છે. પરિક્રમામાં આવેલા ભાવિકોએ પ્લાસ્ટિકનો કચરો દૂર થયો છે તેને લઈને ખુશી વ્યક્ત કરી છે, પરંતુ પરિક્રમામાં આવતા ભાવિકો દ્વારા કરવામાં આવતા કચરાનું યોગ્ય નિયંત્રણ થાય તે માટેની માંગ પણ કરી છે.
પરિક્રમાથીઓએ વ્યક્ત કર્યો તેમનો પ્રતિભાવ: પ્રથમ વખત મુંબઈથી પરિક્રમા માટે આવેલ પુનમે તેમનો પ્રતિભાવ ETV ભારત સાથે વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, તેમની આ પ્રથમ પરિક્રમા હતી. કેટલીક જગ્યા પર ખૂબ મુશ્કેલીથી ઘોડીને પાર કરવી પડી પરંતુ તેમનો પરિક્રમાનો આ પહેલો અહેસાસ ખૂબ સારો રહ્યો અને આવતા વર્ષે પણ તેઓ પરિક્રમા માટે આવશે અને જ્યાં સુધી તેઓ પરિક્રમા કરવા માટે સક્ષમ અને સમર્થ રહેશે ત્યાં સુધી તેઓ પરિક્રમા માટે જૂનાગઢ ચોક્કસ આવશે.