જૂનાગઢ: ગિરનાર પર્વત પર આવેલા શક્તિપીઠ અંબાજી મંદિરના મહંત બનવાને લઈને હવે વિવાદમાં નવો ફણગો ફૂટી નીકળ્યો છે. ગઈકાલે મહેશ ગીરી બાપુએ તનસુખગીરી બાપુના શિષ્ય તરીકે તનસુખગીરી બાપુએ સ્વયંમ દીક્ષા વિધિ કરી હતી. ત્યારબાદ આજે જૂના અખાડાની બેઠકમાં અંબાજી મંદિરના નવા મહંત તરીકે પ્રેમગીરી મહારાજને વિધિવત જાહેરાત કરાઈ છે. તેની વચ્ચે દિવંગત તનસુખગીરી બાપુના પરિવારજનોએ પણ હવે અંબાજી મંદિરના મહંત બનવાને લઈને દાવો ઠોકતા મામલો વધારે ઉગ્ર બની રહ્યો છે.
શિષ્ય સંન્યાસી પરંપરા અને પરિવારનો મહંત પદ પર દાવો:બે દિવસ પૂર્વે ગિરનાર પર્વત પર આવેલા 51 શક્તિપીઠ પૈકી અંબાજી મંદિરના મહંત તનસુખગીરી બાપુ દિવંગત થયા હતા. ત્યારબાદ આજે તેમની સંન્યાસી પરંપરા અનુસાર વિધિ કરવામાં આવી હતી. વિધિ પૂર્વે જુના અખાડાની બેઠક શકરીયા ટીંબામાં યોજવામાં આવી હતી. જેમાં ગિરનાર મંડળના સાધુ-સંતો, હરિગીરી મહારાજ, ઇન્દ્રભારતી મહારાજ, પ્રેમગીરી મહારાજ અને સિદ્ધેશ્વર ગીરીની સાથે શેલજા દેવી અને અન્ય ગિરનાર મંડળના સાધુ સંતો હાજર રહ્યા હતા. જેમાં ગિરનાર મંડળના મહામંત્રી તરીકે રહેલા તનસુખગીરી બાપુની જગ્યા પર ભવનાથ મંદિરના મહંત હરિગીરી મહારાજની નિમણૂક કરવામાં આવી હતી. ત્યારબાદ અંબાજી મંદિરના મહંત તરીકે જુના અખાડાની પરંપરા અનુસાર પ્રેમગીરી મહારાજને જાહેર કર્યા હતા.
સમાધિ શિષ્ય તરીકે પ્રેમગીરીની નિમણૂંક:સંન્યાસી પરંપરા અનુસાર કોઈપણ મહંત દિવંગત થાય ત્યારબાદ તેમની ધૂળલોટ વિધી ત્રીજા દિવસે કરવામાં આવતી હોય છે. જેમાં કોઈ પણ મહંત દ્વારા તેમના શિષ્યની અગાઉ જાહેરાત કરી હોય, તેવી સ્થિતિમાં શ્રી મહંતના બ્રહ્મલીન થયા બાદ તેમના ઉત્તરાધિકારી તરીકે શ્રી મહંતે નિમણૂક કરેલા તેમના શિષ્યને પરંપરાગત રીતે ગાદી મળતી હોય છે. પરંતુ તનસુખગીરી બાપુએ તેમની હયાતીમાં કોઈપણ શિષ્યની નિમણૂંક કરી ન હતી. જેને કારણે જૂના અખાડાની તાકીદની એક બેઠક યોજવામાં આવી જેમાં સર્વાનુમતે પ્રેમગિરી મહારાજને તનસુખગીરી બાપુના સમાધિ શિષ્ય તરીકે સ્વીકારવામાં આવ્યા અને અંબાજી મંદિરના મહંત તરીકે તનસુખગીરી બાપુના ઉતરાધિકારી તરીકે જાહેર કરાયા. ત્યારબાદ તનસુખગીરી બાપુના પરિવારજનોનો ભારે વિરોધ થયો અને પ્રેમગીરી બાપુની નિમણૂક સામે તેઓએ તેમનો વિરોધ વ્યક્ત કર્યો હતો.