જૂનાગઢ :ગિરનાર પર આવેલા અંબાજી શક્તિપીઠના મોટા પીર બાવા તનસુખગીરી બાપુના દેહ વિલય બાદ મહંત પદને લઈને નવો વિવાદ સર્જાયો છે. ભૂતનાથ મંદિરના મહંત મહેશગીરી બાપુ જૂના અખાડાના સંરક્ષક હરીગીરી મહારાજ પર અંબાજી મંદિર પર તેમને કબજો કરવો છે તેવા આક્ષેપ કરી રહ્યા છે. તો બીજી તરફ અંબાજી મંદિરના ગાદીપતિ અખાડાની પરંપરા અનુસાર થશે તેવો મત હરીગીરી મહારાજ આપે છે.
તનસુખગીરી બાપુનો દેહ વિલય :ગિરનાર પર્વત પર આવેલા અંબાજી શક્તિપીઠ મંદિરના વર્તમાન ગાદીપતિ તનસુખગીરી બાપુનો દેહ વિલય થયો છે. બાપુના દેહવિલયને 24 કલાક જેટલો સમય પણ નહોતો થયો અને ભવનાથના બે સંન્યાસી જૂથો વચ્ચે અંબાજી મંદિરની ગાદીને લઈને વિવાદ શરૂ થયો છે.
અંબાજી મંદિરની ગાદીનો વિવાદ (ETV Bharat Gujarat) અને ગાદીપતિ વિવાદનો જન્મ :અંબાજી મંદિરના મોટા પીર બાબા તનસુખગીરી બાપુએ તેમની હયાતીમાં તેમના શિષ્ય તરીકે કોઈની નિમણૂક કરી ન હતી. જેથી જૂના અખાડાની પરંપરા અનુસાર અંબાજી મંદિરના મહંત અને ગાદીપતિ તરીકે અખાડાની પરંપરા અને અખાડા પંચ દ્વારા જે સંન્યાસીની નિમણૂક થાય તેને તનસુખગીરી બાપુના ઉતરાધિકારી મહંત તરીકે શક્તિપીઠ અંબાજી મંદિરમાં ગાદીપતિ તરીકે જાહેર કરાશે.
તનસુખગીરી બાપુનો દેહ વિલય (ETV Bharat Gujarat) હરીગીરી અને મહેશગીરી વચ્ચે ખટરાગ :
હરિદ્વાર જૂના અખાડાના સંરક્ષક અને ભવનાથ મંદિરના મહંત હરીગીરી મહારાજ અને ભુતનાથ મંદિરના વર્તમાન ગાદીપતિ મહેશગીરી વચ્ચે પાછલા ત્રણ-ચાર વર્ષથી ભવનાથની ધાર્મિક જગ્યાઓ અને આધિપત્યને લઈને મન મોટાવ ચાલી રહ્યા હતા. જે હવે ખુલીને સામે આવ્યા છે.
અત્યાર સુધી મહેશગીરી બાપુએ એક પણ જગ્યા પર જૂના અખાડાના સંરક્ષક અને ભવનાથના મહંત હરીગીરી મહારાજનું નામ લઈને ક્યારેય આક્ષેપો કર્યા ન હતા. આજે પહેલી વખત મહેશગીરી બાપુએ હરીગીરી મહારાજનું નામ લઈને ભવનાથની ધાર્મિક સંસ્થા પર કબજો કરીને તેમના અનુયાયીઓને પ્રસ્થાપિત કરવાનો ગંભીર આક્ષેપ કર્યો છે.
જેને લઇને હરીગીરી મહારાજે પ્રત્યુત્તર આપવાનું ટાળ્યું હતું. હવે તનસુખગીરી બાપુની સન્યાસી પરંપરા અનુસાર લોટ વિધિ પૂર્ણ થયા બાદ ગિરનાર પર્વત પર આવેલા શક્તિપીઠ અંબાજી મંદિરના નવા મહંતની વિધિ અખાડાની પરંપરા અનુસાર હરીગીરીની હાજરીમાં થવાની શક્યતા છે.
તનસુખગીરી બાપુના ઉત્તરાધિકારી કોણ ?અંબાજી મંદિરના મોટા પીર બાવા તનસુખગીરી બાપુએ તેમની હયાતીમાં તેમના શિષ્ય તરીકે કોઈ પણ સન્યાસીની વિધિ કરી ન હતી. જેને કારણે હવે તેમના દેહ વિલય બાદ વિવાદ શરૂ થયો છે. મહેશગીરી બાપુએ પ્રતિજ્ઞા લીધી છે કે જ્યાં સુધી હું ભવનાથમાંથી જૂના અખાડાના સંરક્ષક અને ભવનાથના મહંત હરીગીરી મહારાજને બહાર નહીં કાઢું ત્યાં સુધી તનસુખગીરી બાપુની સમાધિએ દર્શન માટે પણ નહીં જાઉં. આ પ્રકારનો હઠાગ્રહ ધાર્મિક સંસ્થા અને ખાસ કરીને ગિરનાર જેવી પાવન ભૂમિમાં શરૂ થયો છે, જે ક્યાં જઈને અટકશે તે આજે કહેવું ખૂબ મુશ્કેલ છે.
મહાશિવરાત્રીનો મેળો અને ગીરનારની પાવનકારી પરિક્રમા દરમિયાન પણ હરીગીરી અને મહેશ ગીરીના સન્યાસીઓના બે જૂથ વચ્ચે મેળાના આયોજન અને મેળાના પ્રારૂપને લઈને વિરોધ સામે આવ્યો હતો. વિવાદના સમગ્ર મામલામાં મહેશ ગીરી બાપુનું નિવેદન માધ્યમ સમક્ષ આપ્યું છે. પરંતુ હરિગિરી મહારાજે જણાવ્યું કે, તનસુખગીરી બાપુના દેહ વિલય બાદ તેમણે સન્યાસી પરંપરા અનુસાર સમાધિ આપવામાં આવી છે. હવે પછીની ધાર્મિકવિધિ અખાડાની પરંપરા અનુસાર પૂર્ણ કરવામાં આવશે.
- જૂનાગઢના ઉપરકોટમાં જૂનાગઢ મુક્તિ દિવસની ઉજવણી, શું છે ઇતિહાસ જાણો?
- જૂના અખાડાએ અંડરવર્લ્ડ ડોનને જેલમાં દીક્ષા આપવાની બાબતનો કર્યો વિરોધ