ગુજરાત

gujarat

ETV Bharat / state

16 જુલાઈ, વિશ્વ સર્પ દિવસ : ખેડૂતના મિત્ર સાપની જાણી-અજાણી વાતો - World Snake Day - WORLD SNAKE DAY

વિશ્વ સર્પ દિવસ 16 જુલાઈના રોજ ઉજવવામાં આવે છે, જેથી મનુષ્યો દ્વારા ભાગ્યે જ પ્રેમ કરાતા સરિસૃપ વિશે જાગૃતિ આવે. નકારાત્મક ધારણા અને પૌરાણિક કથાઓથી વિપરીત, જીવ વિજ્ઞાનીઓનું માનવું છે કે, પૃથ્વી પર ઉંદરોની વસ્તીને અંકુશમાં રાખી પર્યાવરણીય સંતુલન જાળવવામાં સાપ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

વિશ્વ સર્પ દિવસ
વિશ્વ સર્પ દિવસ (ETV Bharat Reporter)

By ETV Bharat Gujarati Team

Published : Jul 16, 2024, 8:14 AM IST

પોરબંદર :16 જુલાઈને વિશ્વ સર્પ દિવસ તરીકે મનાવવામાં આવે છે. સાપ એ સૌથી પ્રાચીન જીવ પૈકી એક છે અને વિશ્વની દરેક સભ્યતામાં સાપનો ઉલ્લેખ જોવા મળે છે. વિશ્વભરમાં સાપની લગભગ 3,500 થી વધુ પ્રજાતિઓ છે. સાપ જમીન અને પાણી બંનેમાં જોવા મળે છે. સાપ શિકારી જીવ છે, સાથે જ પર્યાવરણમાં સંતુલન રાખવા મહત્વની ભૂમિકા ભજવે છે. સાપ પાકને નુકસાન કરનાર જીવજંતુ અને અનાજના સૌથી મોટા દુશ્મન ઉંદરને ભોજન બનાવે છે, આથી તે ખેડૂતોનો સૌથી મોટો મિત્ર છે.

ખેડૂતના મિત્ર સાપની જાણી-અજાણી વાતો (ETV Bharat Reporter)

ભારતમાં સાપની પ્રજાતિ :ભારતમાં મોટાભાગના સર્પદંશના કેસ બને છે. સર્પદંશથી મૃત્યુની સંખ્યા પણ ભારતમાં વધુ છે. આપણે ઝેરી સાપની પ્રજાતિની વાત કરીએ તો ભારતમાં કોબ્રા, કોમન ક્રેટ, રસેલ વાઇપર અને સો સ્કેલ વાઈપર એમ કુલ ચાર પ્રકારના ઝેરી સાપ છે. આ ઉપરાંત બિનઝેરી સાપ પણ હોય છે, જે કરડે છે પરંતુ તેનાથી માણસનું મૃત્યુ થતું નથી. મોટાભાગે સાફ કરડવાના કેસ ગ્રામ્ય વિસ્તારમાં બને છે. મજૂરો અને ખેડૂતો સૌથી વધુ સર્પદંશનો શિકાર બને છે.

ગુજરાતમાં ઝેરી સાપની પ્રજાતિ (ETV Bharat Reporter)

સર્પદંશના કેસ અને મોત :મુખ્યત્વે ચોમાસાની ઋતુમાં સૌથી વધુ પ્રમાણ સર્પદંશની ઘટનાઓ બને છે. જેમાં મોટાભાગના ખેડૂતો અને ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા લોકો સાથે બનાવ બને છે. ગુજરાતના પોરબંદર જિલ્લાના સરકારી ચોપડેથી મળતી વિગત અનુસાર પોરબંદર જિલ્લામાં વર્ષ 2021-22માં સર્પદંશના 131 કેસ નોંધાયા હતા, જેમાં 1 મૃત્યુ થયું હતું. વર્ષ 2022- 23 માં 144 સર્પદંશના કેસ નોંધાયા હતા, તેમાં પણ 1 મોત થયું હતું. જ્યારે 2023-24 માં 154 સર્પદંશના કેસ નોંધાયા છે, જેમાં 4 મોત થયા છે. આમ માત્ર પોરબંદર જિલ્લામાં જ છેલ્લા ત્રણ વર્ષમાં 430 સર્પદંશ થયા છે, જેમાં કુલ 6 લોકોના મોત નિપજ્યા છે.

ગુજરાતમાં સાપની મુખ્ય પ્રજાતિ :છેલ્લા 14 વર્ષથી સર્પ પકડનાર પ્રકૃતિ ધ યુથ સોસાયટીના પ્રમુખ ડૉ. સિદ્ધાર્થ ખાંડેકરના જણાવ્યા અનુસાર ગુજરાતના પોરબંદર જિલ્લાના વિસ્તારમાં ચાર પ્રજાતિના ઝેરી સાપ જોવા મળે છે. જેમાં કોબ્રા, રસેલ વાઇપર, સો સ્કેલ વાઇપર અને કોમન ક્રેટ છે. આ ઉપરાંત બિનજરી સાપોમાં રૂપસુંદરી, વરુદંતી, ડેંડુ તથા ધામણ અને કેટ સ્નેક, ઇન્ડિયન રોક પાયથન જેવા અનેક બિનઝેરી સાપ જોવા મળે છે.

ગુજરાતના સર્પ (ETV Bharat Reporter)

સાપ અંગે માન્યતા અને હકીકત :

  • સાપ ઉડે છે ?

ડો. સિદ્ધાર્થ ખાંડેકરના જણાવ્યા અનુસાર લોકોમાં સાપને લઈને અનેક પ્રકારની માન્યતા છે. જેમાં ઘણા લોકો એવું માને છે કે સાપ ઉડે છે, પરંતુ ખરેખર સાપ ઊડતા નથી, પણ એક ઝાડ પરથી કૂદકો મારી બીજા ઝાડ પર જતા હોય છે, તેને લોકો ઉડતો સાપ હોય તેવું માને છે.

  • નાગણ બદલો લે છે ?

આ ઉપરાંત ઘણા લોકોમાં એવી માન્યતાઓ છે કે, નાગને મારવામાં આવે તો નાગણી બદલો લે છે. આ માન્યતા પણ ખોટી છે. સાપ એ સોશિયલ એનિમલ હોતું નથી, આથી તેનામાં કોઈ લાગણીનો ભાવ હોતો નથી. આ ઉપરાંત ગાયના આચાર પરથી સાપ નીકળે તો દૂધ બંધ થઈ જાય છે, તેવી પણ માન્યતા લોકો ધરાવે છે. પરંતુ આ ખોટી માન્યતા છે.

  • બે મોં વાળો સાપ હોય છે ?

આ ઉપરાંત સાપને બે મોઢા હોય છે, તે પણ ખોટી માન્યતા છે. આ સાપ ચાલવામાં ખૂબ જ આળસુ અને ધીરો હોય છે, જેને કોમન બોઆ અથવા આંધડી ચાકડ તરીકે ઓળખાય છે. પરંતુ કુદરતે તેની પૂંછ મોઢા જેવી બનાવી છે, આથી કોઈ તેનો શિકાર કરે તો પૂંછના ભાગને મોં સમજીને શિકાર કરતા અટકે, આથી તેને નાસવાનો ટાઈમ મળે છે.

બિનઝેરી સર્પ (ETV Bharat Reporter)

સાપ કરડે ત્યારે શું કરવું ?

  • 14 વર્ષથી સાપ પકડવાના અનુભવી પ્રકૃતિ ધ યુથ ક્લબના સિદ્ધાર્થ ખાડેકરના જણાવ્યા અનુસાર સાપ કરડે તો તે જગ્યા પરથી અન્ય વ્યક્તિએ મોઢાથી ચૂસવું નહીં, સાપનું ઝેર રક્તસ્ત્રાવમાં ભળી જાય છે. આથી જે તે વ્યક્તિના મોઢામાં ચાંદા હશે તો તેના રક્તમાં પણ ઝેર ભળી શકે છે.
  • આ ઉપરાંત ઘણા લોકો જ્યાં સાપ કરડ્યો હોય તે અંગને કાપી નાખે છે. પરંતુ જો આ સાપ બિનઝેરી હોય તો ઝેર ફેલાતું નથી, આથી ખોટી રીતે કોઈ અંગ ગુમાવી પણ બેસે છે.
  • ધાર્મિક ક્રિયાઓમાં સમય વેડફવાને બદલે પ્રથમ દર્દીને તાત્કાલિક 108 માં કોલ કરી દવાખાને ખસેડવો યોગ્ય છે. સરકારી દવાખાના પર એન્ટી વેનમ ડોઝ (AVT) આપવો જરૂરી છે.
  • દર્દીને દિલાસો આપવો જોઈએ અને ડરાવો નહી. આ ઉપરાંત જ્યાં દંશ થયો હોય તે જગ્યાએ કપડાના કટકાથી બાધવું, પરંતુ રક્તભ્રમણ થાય એટલું થોડું ટાકણી જેટલો ભાગ ખુલ્લો રાખવો.
  • જો શક્ય હોય તો કરડેલ સાપનો ફોટો સાથે રાખો અથવા સાપ મરી ગયો હોય તો દવાખાને સાથે લઈ જવો. જેથી સાપ ઝેરી છે કે બિનજરી તેની તબીબને ખબર પડે.
    રુપસુંદરી સર્પ (ETV Bharat Reporter)

સર્પદંશથી બચવા માટે શું કરવું ?

સર્પદંશથી બચવા માટે ઘરની આજુબાજુ જાડી-જાખરા કે ભંગાર જેવી વસ્તુઓનો સંગ્રહ ન કરવો, રાત્રિના સમયે અંધારામાં ન ચાલવું અથવા જરૂરી હોય તો જીન્સ અથવા જાડા કપડાનું પેન્ટ પહેરવું. સાથે જ પગમાં શુઝ પહેરવા. ખેતરમાં જતા લોકોએ જાડી જાખરામાં ખુલ્લા હાથ ન નાખવા તથા ઘરની આસપાસના વિસ્તારમાં નિંદામણ ન રાખવું.

સાપના ઝેરની માનવ શરીર પર અસર :

રસેલ્સ વાઈપર (ખડચિત્રો )અને સો સ્કેલ વાઇપર (ફુરસો) હિમો ટોક્સિક ઝેર ધરાવે છે, જે રક્તસ્રાવમાં ફેલાવે છે અને રક્તસ્ત્રાવને અસર કરે છે. જેનાથી લોહી ગંઠાવાની ક્રિયા થાય છે અને લોહી શરીરમાંથી વહે એટલે વ્યક્તિનું મૃત્યુ થાય છે.

જ્યારે કોબ્રા અને કોમન ક્રેટ પ્રકારના સાપમાં ન્યુરો ટોક્સિક ઝેર હોય છે, જે શરીરના ચેતાતંતુ ઉપર અસર કરે છે અને વ્યક્તિને પેરાલિસિસ કરે છે.

આ ઉપરાંત સી સ્નેકમાં માયોક્સિક ઝેર વધુ જોવા મળે છે. તે વ્યક્તિના શરીરના સ્નાયુઓને કામ કરતા બંધ કરે છે.

  1. બિહારમાં ટેબલ નીચે 24 કોબ્રાએ પડાવ નાખ્યો, 60 ઈંડા મળી આવ્યા, લોકોના હોશ ઉડ્યા
  2. આવો સાપ નહીં જોયો હોય... વાપીમાં મળ્યો સફેદ કલર અને લાલ આંખો વાળો દુર્લભ સાપ

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details