જામનગર: જામનગરમાં પવનચક્કી થી લાલપુર બાયપાસ માર્ગ જાહેર રોડ ઉપર ટ્રાફિકને નડતરરૂપ થાય તેમ અનેક રેકડીઓ ઊભી રાખી દેવામાં આવી છે. તે માટે જામનગર મહાનગરપાલિકા દ્વારા દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી અને સાતથી આઠ રેકડીઓ અને ત્રણથી ચાર કાઉન્ટર કબ્જે કરવામાં આવી હતી.
જોકે, અન્ય રેકડી ધારકોને પોતાની રેકડીઓ તાત્કાલિક હટાવી લેવાની સૂચના આપવામાં આવી છે. જો સૂચનાનું પાલન કરવામાં નહીં આવે તો તમામ રેકડીઓ કબ્જે કરવામાં આવશે. જામનગરનો લાલપુર બાયપાસ રોડ અતિવ્યસ્ત છે. અહીંથી મહાકાય રિફાઇનરીઓના સાધનો નીકળતા હોય છે, જેના કારણે કલાકો સુધી અહીં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા હોય છે.