ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદની 147 મી રથયાત્રા વિધિવત પરંપરા અને ઇતિહાસ, જાણો - Jagannath Rath Yatra 2024

અમદાવાદ સ્થિત ભગવાન જગન્નાથ મંદિરનો એક આગવો ઇતિહાસ છે, જે તેની ભવ્યતા દર્શાવે છે. મદિરમાં ઉપસ્થિત દરેક લોકો વર્ષમાં આવતી આ નગરયાત્રાની અને ભગવાન જગન્નાથના દર્શનની આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય છે. 147મી રથયાત્રા દરમિયાન ભાવિ ભક્તો છેલ્લા 15 દિવસથી બધી જ તૈયારીઓમાં લાગેલા છે. તો આવો આપણે સૌ માણીએ ભગવાન જગન્નાથની આ ભવ્ય રથયાત્રા. Jagannath Rath Yatra 2024

By ETV Bharat Gujarati Team

Published : Jul 7, 2024, 7:06 AM IST

Updated : Jul 7, 2024, 10:32 AM IST

અમદાવાદ સ્થિત ભગવાન જગન્નાથ મંદિરનો એક આગવો ઇતિહાસ છે, જે તેની ભવ્યતા દર્શાવે છે
અમદાવાદ સ્થિત ભગવાન જગન્નાથ મંદિરનો એક આગવો ઇતિહાસ છે, જે તેની ભવ્યતા દર્શાવે છે (Etv Bharat Gujarat)

અમદાવાદ:આજ રોજ એટલે કે તારીખ 7 જુલાઇએ ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળવાની છે. ભરતભારની સૌથી મોટી જગન્નાથ ભગવાનની રથયાત્રા પૂરીમાં થાય છે અને ત્યારબાદ અમદાવાદમાં થાય છે. હિન્દુઓ આ દિવસને મહાપર્વ તરીકે પણ ઉજવે છે. આ દરમિયાન ચાલો જાણીએ ભગવાન જનગન્નાથની ભાવય રથયાત્રાનો ઇતિહાસ અને તેની મહત્વપૂર્ણ બાબતો.

અમદાવાદ જગન્નાથ મંદિર (Etv Bharat Gujarat)
  • 500 વર્ષ પહેલાં સ્થાપવામાં આવી ભગવાન જગન્નાથની મૂર્તિ:

લગભગ પાંચસો વર્ષ પહેલાં હનુમાનદાસજી નામના સાધુ અહીં આવ્યા હતા અને તેમણે શહેરની ભીડભાડથી દૂર સાબરમતી નદી પાસે ગાઢ જંગલોની વચ્ચે હનુમાનજીની મૂર્તીની સ્થાપના કરી હતી. ધીરે ધીરે લોકોની શ્રદ્ધા વધતા સામાન્ય પ્રકારનું મંદિર તૈયાર કરવામાં આવ્યું હતું.

તેમના અનુગામી સારંગદાસજી ભગવાન જગન્નાથના ભક્ત હતા. તેમને ઓડિશાના પુરી ખાતે દર્શને જવાની ઇચ્છા થઈ હતી. માટે તેઓ અનેક સ્થાનિક ભક્તો સાથે યાત્રામાં જોડાયા હતા. કહેવાય છે કે, તેઓ પુરીની ધર્મશાળામાં સૂઈ રહ્યા હતા, ત્યારે ભગવાને તેમને સપનામાં દર્શન દીધા અને ત્યાં ત્રણેયની મૂર્તી સ્થાપિત કરવાની પ્રેરણા આપી. આમ મારૂતિ મંદિર એ જગન્નાથ મંદિર બન્યું.

147 મી જગન્નાથ રથયાત્રા (Etv Bharat Gujarat)

વર્ષ 1996થી 2000 દરમિયાન મંદિરમાં વ્યાપક સમારકામ હાથ ધરવામાં આવ્યું અને ત્રણેય હિંદુ દેવી-દેવતાની પ્રતિમાઓને રત્નવેદી ઉપર પ્રસ્થાપિત કરવામાં આવી. તેની સામે આરસની મહામંડલેશ્વર નરસિંહદાસની પ્રતિમા પણ સ્થાપિત કરવામાં આવી હતી.

અત્યાર સુધી જગન્નાથ મંદિરના 13 ગાદીપતિ થયા છે, જેમાંથી વર્તમાન મહંત દિલીપદાસજી અને નરસિંહદાસજી સિવાયના તમામ પરપ્રાંતીય હિંદીભાષી હતા. દિલીપદાસજી અમદાવાદમાં જ જન્મયા અને મોટા થયા છે, તેમના દાદાની મંદિરપરિસરમાં ચાની કિટલી હતી.

  • નાળિયેરના થડમાંથી બનાવાયો હતો રથ:

સામાન્ય રીતે ભક્તો મંદિરે જઈને ભગવાનના આરાધ્યની પૂજાઅર્ચના કરતા હોય છે, પરંતુ રથયાત્રાના દિવસે ખુદ ભગવાન પોતે નગરચર્યા કરવા નીકળે છે અને ભક્તોને દર્શન આપે છે, એવી માન્યતા છે.

લગભગ અઢીસો વર્ષ પહેલાં ગુજરાતમાં પહેલી રથયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં સૌ પહેલાં ભરૂચના "ભોઈ સમાજે" રથયાત્રા કાઢી હતી અને આ પરંપરા આજે પણ જળવાય રહી છે.

અમદાવાદના જગન્નાથ મંદિરની સત્તાવાર વેબસાઇટની પ્રાપ્ત માહિતી અનુસાર વર્ષ 1878માં તત્કાલીન મહંત નરસિંહદાસજી મહારાજ દ્વારા રથયાત્રાની શરૂઆત કરાવવામાં આવી હતી.

પહેલાના સમય દરમિયાન બળદગાડામાં રથયાત્રા કાઢવામાં આવતી હતી. જેની માટે ભરૂચના ખલાસીઓ અમદાવાદ આવ્યા અને રથયાત્રા માટે રથ બનાવી આપ્યા હતા. જેનું નિર્માણ નાળિયેરના ઝાડના થડમાંથી કરવામાં આવ્યું હતું. નાળિયેરનું થડ પ્રમાણમાં હળવું હોય છે, છતાં તે 300 કિલો રથનું વજન ઊચકી શકે છે. જોકે, આ લાક઼ડું ટકાઉ ન હોવાથી દર વર્ષે નવા રથ બનાવવાની જરૂર ઊભી થાય છે. 20મી સદીની શરૂઆતના વર્ષોમાં સાગના વૃક્ષમાંથી બનેલા રથ તૈયાર કરવામાં આવ્યા, જે વજનમાં હળવા અને વધુ ટકાઉ હતા.

આ રથ માટેનું લાકડું વઘઈથી મંગાવવામાં આવ્યું (જગન્નાથ મંદિરની વેબસાઇટ પરથી)

વર્ષ 1950માં ફરી એક વખત રથ બનાવવામાં આવ્યા, ત્યારે પૈડાંની સંખ્યા ઘટાડીને 6 કરવામાં આવી હતી, જોકે તેમનું કદ વધ્યુ અને લગભગ 300 કિલોગ્રામ જેટલું કરવામાં આવ્યું.

થોડા વર્ષો બાદ બાવળના લાકડાંના પૈડાંની ઉપર લોખંડની પ્લૅટ પણ બેસાડવામાં આવી. વર્ષ 1992માં તેમાં સ્ટિયરિંગ પ્રકારની વ્યવસ્થા બેસાડવામાં આવી. દર વર્ષે અષાઢી બીજના લગભગ દોઢેક મહિના અગાઉ જ મંદિર પરિસરમાં રથના સમારકામ અને રંગરોગાન સહિતની કામગીરી શરૂ થઈ જાય છે.

145મી રથયાત્રા સમયે થયેલી સમીક્ષા મુજબ, હજુ અમુક વર્ષો સુધી જૂના રથ ચાલી શકે તેમ હતું, છતાં નવા રથ બનાવવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, જૂના રથને સમારકામ કરીને મ્યુઝિયમમાં મૂકવામાં આવશે. નવા રથ માટે લગભગ રૂ. 80 લાખ કરતાં વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે અને તે લગભગ આઠ દાયકા સુધી ટકશે એવું અનુમાન મૂકવામાં આવ્યું છે.

નવા રથની ડિઝાઇન એ રીતે તૈયાર કરવામાં આવી છે કે તે પોળોના સાંકડા રસ્તાઓ પરથી પણ સહેલાઈથી નીકળી શકે. આ રથ માટેનું લાકડું વઘઈથી મંગાવવામાં આવ્યું છે. રથોનાં પૈડાં સીસમના તથા રથ સાગના લાકડાંમાંથી બનાવવામાં આવ્યાં છે અને તેના નિર્માણમાં લગભગ ચાર વર્ષ જેટલો સમય લાગ્યો હતો.

ભગવાન જગન્નાથનો રથ સફેદ કલરમાં છે અને તેની ઉપર દેવી-દેવતાની કોતરણી કરવામાં આવી છે. આ રથની થીમ સુદર્શનની છે. અશ્વિની થીમ પરનો ભાઈ બળભદ્રનો રથ લાલ તથા લીલા રંગથી રંગવામાં આવ્યો છે. આ સિવાય બહેન સુભદ્રાનો રથ નવદુર્ગા થીમ પર આધારિત છે, જેને લાલ તથા કાળા રંગથી રંગવામાં આવ્યો છે.

  • રથયાત્રાના રંગમાં ભંગ:

1946માં રથયાત્રા પહેલાં જ કોમી શાંતિનું વાતાવરણ ડહોળાઈ ગયું હતું.રથયાત્રા દરમિયાન હિંસાનો આ પ્રથમ બનાવ હતો. વસંતરાવ હેગિષ્ટે અને રજબઅલી લાખાણીએ તોફાનોને અટકાવવા પ્રયાસ કર્યા, પરંતુ હિંસક ભીડે આ બંનેની હત્યા કરી નાખી. તેઓ કોમી એખલાસ અને મૈત્રીના પ્રતીક બની ગયા.

વર્ષ 1969માં રથયાત્રાના થોડા સમય પહેલાં કોમી રમખાણો ફાટી નીકળ્યા હતા. આ સમયે 'સરહદના ગાંધી' તરીકે ઓળખાતા ખાન અબ્દુલ ગફારખાને અમદાવાદની મુલાકાત લીધી હતી અને તોફાનો શાંત થઈ જાય તે માટે પ્રયાસ કર્યા હતા.

રથયાત્રાના રંગમાં ભંગ (જગન્નાથ મંદિરની વેબસાઇટ પરથી)

વર્ષ 1985માં રથયાત્રા પહેલા ભયંકર હિંસા થઈ હતી અને તેમાં ઘણા લોકોના મૃત્યુ પણ થયા હતા, એટલે સરકાર દ્વારા કરફ્યુ લાદી દેવામાં આવ્યો હતો અને રથયાત્રા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, જોકે સરકારી આદેશનો ભંગ કરીને શંભુજી મહારાજે રથયાત્રા કાઢી હતી.

તે સમયે સરજુપ્રસાદ નામના હાથીએ પોલીસ દ્વારા આડશ તરીકે ગોઠવવામાં આવેલી વાનને સૂંઢથી હઠાવી દીધી હતી. આ ઘટનાને ભગવાન નગરચર્યાએ નીકળવા માંગે છે એવા દૈવી સંકેત તરીકે માનીને ભક્તોએ કર્ફ્યુ હોવા છતાં રથયાત્રા કાઢી હતી.

વર્ષ 1989 દરમિયાન રથયાત્રા નીકળવા સમયે હૅલિકૉપ્ટરમાંથી નજર રાખવામાં આવી હતી.

વર્ષ 1988માં તત્કાલીન મુખ્ય મંત્રી અમરસિંહને સૂચન કરવામાં આવ્યું હતું કે રથયાત્રા ન કાઢવા દેવામાં આવે. પણ પોલીસની હડતાલ થઈ હતી એટલે તેને વ્યવહારુ સૂચન માનવામાં આવ્યું હતું. અને રથયાત્રા નિકળવામાં આવી હતી.

વર્ષ 2001 પછીથી રથયાત્રા દરમિયાન કોઈ મોટી અનિચ્છનિય ઘટના સર્જી નથી. 1993માં રથો ઉપર બંદૂકથી ગોળીબાર ન થાય તે માટે તેની ફરતે બુલેટપ્રૂફ કાચ ગોઠવવામાં આવ્યા હતા. હિંસક ભીડ દ્વારા રથને ખેંચી જવામાં આવ્યા હતા. આ ઘટનાને પગલે ફાટી નીકળેલાં તોફાનો મહિનાઓ સુધી ચાલ્યા હતા.

ત્યારબાદ 2001 પછીથી રથયાત્રા દરમિયાન કોઈ મોટો અનિચ્છનિય બનાવ નથી બન્યો. દરવર્ષે આ રેકર્ડ જળવાય રહે તે જોવાની ફરજ માત્ર સરકાર કે પોલીસતંત્રની નથી હોતી તેની સાથે નાગરિકોની પણ એટલી જ જવાબદારી બને છે.

  • શું છે ભગવાન જગન્નાથની વિધિવત પ્રવૃતિઓ:

શહેરનાં સુપ્રસિદ્ધ શ્રી જગન્નાથજી મંદિરની પૌરાણિક, ઐતિહાસિક તથા પારંપરિક દિવ્ય ૧૪૭મી રથયાત્રા તા.૦૭/૦૭/૨૦૨૪ને રવિવારે નીકળશે. રથયાત્રાની પરંપરા મુજબ બધા જ શ્રધાળુ લોકો એમાં હર્ષોલ્લાસથી ભાગ લઈ પ્રેમ ભકિત, સદભાવના, ભાઈચારાથી લોકોત્સવ તરીકે ઉજવે છે.

દર વર્ષે રથયાત્રાના પારંપરિક આકર્ષણો (જગન્નાથ મંદિરની વેબસાઇટ પરથી)

અષાઢી બીજના દિવસે અમદાવાદ સ્થિત ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળતી હોય છે. ત્યારે રથયાત્રાના ત્રણ દિવલ પહેલા જગ્નનાથ મંદિરમાં અલગ અલગ વિધિઓ કરવામાં આવે છે. જેમાં અમાસના દિવસથી વિધિઓ શરુ કરી દેવામાં આવે છે. અમાસના દિવસે સવારે ભગવાન શ્રી જગન્નાથજી, સુભદ્રાજી અને બળદેવજીનું ગર્ભ ગૃહમાં રત્નવેદી ઉપર પતિષ્ઠા તથા નેત્રોત્સવ પૂજા વિધિ પછી વૈદિક મંત્રોચ્ચાર કરી ભગવાનના આંખે પાટા બાંધવાની વિધિ કરવામાં આવે છે. ત્યારબાદ ધ્વજારોહણવિધિ કરવામાં આવે છે.

  • શું છે નેત્રોત્સવ વિધિ:

રથયાત્રા પહેલા ભગવાન જગન્નાથ 15 દિવસ પહેલા પોતાના મોસાળમાં જતા હોય છે, અને ત્યારબાદ ત્યાંથી નિજ મંદિરે પરત ફરે છે. મોસાળમાં ભાણેજોની ભારે આગતા-સ્વાગતા કરવામાં આવે છે. તેમણે અનેક મિષ્ટાનો અને જાંબુ ખવડાવવામાં આવે છે. જેના કારણે તેમની આંખો આવી ગઇ હોય છે, આ ધાર્મિક માન્યતા અનુસાર ભગવાનને મંદિરમાં પ્રવેશ પછી તેમની આંખો પર પાટા બાંધી દેવામાં આવે છે. આ આખી વિધિને નેત્રોત્સવ વિધિ કહેવામાં આવે છે.

ત્યારબાદ એકમના દિવસે સોનાવેષના દર્શન અને ગજરાજપુજન, મંદિર પ્રાંગણમાં ત્રણેય રથોની પ્રતિષ્ઠા વિધિ અને પુજન વિધિ, મહાઆરતી કરવામાં આવે છે. અને અષાઢી બીજના દિવસે રથ નીકળ્યા પહેલા પરમ પુનિત, સાંસ્કૃતિક એવું ઐતિહાસિક રથયાત્રા પ્રારંભની "પહિંદ" કરવામાં આવે છે. અને અષાઢી બીજના દિવસે અલગ અલગ કાર્યક્રમો પણ રાખવામાં આવે છે. અને ભગવાન જગ્ન્નાથને વિશિષ્ટ ભોગ (ખિચડી) ધરાવામાં આવે છે. જેમાં ભગવાન શ્રી જગન્નાથજીનો અતિપ્રિય આદિવાસી નૃત્ય કરવામાં આવે છે. અને ત્યારબાદ રથમાં ભગવાનનો પ્રવેશ કરાવવામાં આવે છે. રથમાં ભગવાનને બેસાડ્યા પછી ભગવાનને ઓખે બાંધેલા પાટા ખોલવાની વિધિ કરવામાં આવે છે. અને રથયાત્રાનો શુભારંભ કરવામાં આવે છે.

આ એક જનપર્વ છે, દરેક લોકો પોતાની અલગ અલગ પ્રવૃતિઓ થકી સામાજિક, સાંસ્કૃતિક, ધાર્મિક, રીતે આ રથયાત્રામાં જોડાય છે. લોકોમાં રહેલી અલગ અલગ કળા દર્શાવતો આ પર્વ છે.

  • દર વર્ષે રથયાત્રાના પારંપરિક આકર્ષણો:
    દેશભરમાંથી 2000 જેટલા સાધુ-સંતો હરિદ્વાર, અયોધ્યા, નાશિક, ઉજજૈન, જગન્નાથપુરી, સૌરાષ્ટ્રમાંથી ભાગ લેવા આવે (Etv Bharat Gujarat)
  • રથયાત્રામાં ચાંદીનો રથ આપવાની પરંપરા:

વર્ષોથી ચાલતી પરંપરા પ્રમાણે રઉફ શેખ બંગાળીની આગેવાની હેઠળ મુસ્લિમ સંપ્રદાયનાં લોકોએ મહંત દિલીપદાસજીને ચાંદીનો રથ આપીને કોમી એકતા અને ભાઇચારાનો સંદેશ આપ્યો છે. મુસ્લિમ સમાજ તરફથી સતત 25મો ચાંદીનો રથ અર્પણ કરીને સિલ્વર જ્યુબલી રેકોર્ડ બનાવવામાં આવ્યો છે.

રથયાત્રામાં ચાંદીનો રથ આપવાની પરંપરા (Etv Bharat Gujarat)

રથયાત્રાના થોડા દિવસ અગાઉ છેલ્લા 24 વર્ષથી મુસ્લિમ સમાજ દ્વારા ચાંદીનો રથ જગન્નાથ મંદિરમાં ભેટ આપવામાં આવે છે. બીજી તરફ રમજાનના દિવસોમાં મહંત દિલીપદાસજી મુસ્લિમ સમાજના લોકો વચ્ચે ઇફતારીમાં ભાગ લેવા જાય છે. રઉફ બંગાળીએ આ રથ આપતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદીના શાસન દરમિયાન છેલ્લા 30 વર્ષોમાં ગુજરાત અને અમદાવાદમાં જે સુખ-શાંતિ રહી છે તે આગલળ પણ ચાલતી રહે. મુસ્લિમ સમાજ છેલ્લા 24 વર્ષથી આ પરંપરા નિભાવી રહયા છે, જેનું મુખ્ય કારણ લોકોમાં ભાઈચારો અને કોમી એકતા બની રહે તેવો સંદેશ આપવાનું છે. લોકોન શાંતિથી આ 147મી રથયાત્રાની ઉજવણી કરે અને હેમખેમ રથ મંદિરમાં પાછો આવે તેવી અપીલ કરી છે. 150થી વધુ સર્વ ધર્મના અગ્રણીઓ વાજતે ગાજતે હાથમાં ભગવાનનો રથ લઇને જમાલપુરથી નિજમંદિર પહોંચ્યા હતા.

  • અમદાવાદમાં જગન્નાથ યાત્રાનો રુટ:
    અમદાવાદમાં જગન્નાથ યાત્રાનો રુટ (Etv Bharat Gujarat)
  • રથયાત્રા દરમિયાન કેવો હોય છે પોલીસ બંદોબસ્ત:

સુરક્ષા વ્યવસ્થામાં 12 હજાર પોલીસ કર્મીઓ અને લગભગ 6 હજાર હોમગાર્ડના જવાનો જોડાવવાના છે. અને એસ.આર.પીની 20 કંપનીઓ બહારથી આવીને સુરક્ષામાં જોડાશે.જેમાંથી 15 કંપની ઓલરેડી આપણી પાસે છે. તેમજ આ રથયાત્રા માટે BSF,RAF,CISF ના જવાનો પણ જોડાય છે. સમગ્ર રૂટ પર 1400 થી વધુ CCTV કેમરા ગોઠવવામાં આવ્યા છે. સાથે તમામ CCTVનું લાઇવ સ્ક્રીનિંગ કન્ટ્રોલ રૂમ, સર્કિટ હાઉસ અને DG ઓફિસમાં કરવામાં આવશે. રથયાત્રાના સ્ટાર્ટિંગ પોઈન્ટ અને સરસપુરમાં ભીડ હોય છે, તેથી હાથરસ જેવી ઘટના ન સર્જાય તે માટે પબ્લિક ઉપર થોડી રસ્ટ્રિક્શન રાખવામાં આવશે.

પોલીસ જનરલ, અધિક પોલીસ મહાનિર્દેશક, પોલીસ ઇન્સ્પેક્ટર જનરલ અને ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ સંવર્ગના અમદાવાદ શહેરમાં ફરજ બજાવતા 9 અધિકારી સુરક્ષા બંદોબસ્તમાં જોડાશે. ઉપરાંત, 16 નાયબ પોલીસ કમિશનર અને પોલીસ અધિક્ષક સહિતના કુલ 28 અધિકારી રથયાત્રાના બંદોબસ્તમાં જોડાશે.

દર વર્ષે દેશભરમાંથી હજારો સાધુ સંતો જગન્નાથ મંદિરે દર્શનાર્થે આવ્યા છે. ભંડારામાં આજે કાળી રોટી અને સફેદ દાળ (દૂધપાક-માલપુઆ) નું મહત્વ છે. આ વખતે પણ 20,000 સંતો અને ભાવિક ભક્તો માટે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે.

  • ભંડારમાં કેટલી સામગ્રી હોય છે:
    20,000 સંતો અને ભાવિક ભક્તો માટે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું (Etv Bharat Gujarat)

મામેરાના યજમાનના ઘરેથી ભગવાન મોસાળમાં પરત આવે તે પહેલા યજમાનના ઘરે ભવ્ય અન્નકૂટ યોજાયો હતો. જેમાં આ વખતે ભગવાનની 147મી રથયાત્રા યોજાઈ રહી છે ત્યારે તેમની સાથે ભક્તો દ્વારા તૈયાર કરાયેલ વિવિધ મિષ્ઠાન, નમકીન સહિત અન્ય વાનગીઓ મળી કુલ 147 વાનગી ભગવાન સમક્ષ શાસ્ત્રોક્ત વિધિ સાથે ધરાવવામાં આવી હતી. ત્યારબાદ અન્નકૂટની આરતી થઈ હતી.

  • અમદાવાદ સ્થિત ભગવાન જગન્નાથ મંદિરનો ભવ્ય ઇતિહાસ:
    કુલ 147 વાનગી ભગવાન સમક્ષ શાસ્ત્રોક્ત વિધિ સાથે ધરાવવામાં આવી (Etv Bharat Gujarat)

અમદાવાદ સ્થિત ભગવાન જગન્નાથ મંદિરનો એક આગવો ઇતિહાસ છે, જે તેની ભવ્યતા દર્શાવે છે. મદિરમાં ઉપસ્થિત દરેક લોકો વર્ષમાં આવતી આ નગરયાત્રાની અને ભગવાન જગન્નાથના દર્શનની આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય છે. 147 મી રથયાત્રા દરમિયાન ભાવિ ભક્તો છેલ્લા 15 દિવસથી બધી જ તૈયારીઓમાં લાગેલા છે. તો આવો આપણે સૌ માણીએ ભગવાન જગન્નાથની આ ભવ્ય રથયાત્રા.

  1. ગુજરાતમાં પ્રથમ રથયાત્રા ક્યારે નીકળી હતી ? જાણો ભરૂચ રથયાત્રાનો અનેરો ઇતિહાસ - Jagannath Rath Yatra 2024
  2. લાઈવઅમદાવાદમાં આવતીકાલે નગરચર્યાએ નીકળશે જગતના નાથ, જુઓ આજે કેવો છે મંદિરનો માહોલ ? - rath yatra 2024
Last Updated : Jul 7, 2024, 10:32 AM IST

ABOUT THE AUTHOR

...view details