અમદાવાદ:ભારતીય રેલવે આ વર્ષે 1 ઓક્ટોબરથી 30 નવેમ્બર, 2024 સુધી દુર્ગા પૂજા, દિવાળી અને છઠ પૂજા દરમિયાન મુસાફરોની સરળ મુસાફરીની સુવિધા માટે 6556 સ્પેશિયલ ટ્રેનો ચલાવવા માટે તૈયાર છે. તહેવારો દરમિયાન દર વર્ષે સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવે છે અને આ વર્ષે મુસાફરોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને ટ્રેનોની સંખ્યામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. તેમાંથી પશ્ચિમ રેલ્વે 106 ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો સાથે 2315 ટ્રીપ ચલાવી રહી છે, જે હજુ પણ સમગ્ર ભારતીય રેલવેમાં સૌથી વધુ છે.
ગત વર્ષે રેલવેએ 4429 સ્પેશ્યલ ટ્રેનો દોડાવી હતી:નોંધનીય છે કે દુર્ગા પૂજા, દિવાળી અને છઠના તહેવારો દરમિયાન દેશભરમાં લાખો પ્રવાસીઓ પ્રવાસ કરે છે. તેમને સરળ અને આરામદાયક મુસાફરી પ્રદાન કરવા માટે, ભારતીય રેલવે આ વર્ષે ફરીથી આ સ્પેશિયલ ટ્રેનો ચલાવવાની તૈયારી કરી છે. આગામી બે મહિનામાં આ સ્પેશિયલ ટ્રેનો મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાનો સુધી પહોંચાડશે. ગયા વર્ષે, ભારતીય રેલ્વેએ કુલ 4429 ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો દોડાવી હતી, જેમાં લાખો મુસાફરોને આરામદાયક મુસાફરીનો અનુભવ મળ્યો હતો.
તહેવારની સીઝનમાં રેલવેમાં 2-3 મહિના લાંબું વેઇટિંગ: દર વર્ષે મોટી સંખ્યામાં લોકો દુર્ગા પૂજા, દિવાળી અને છઠ પૂજા માટે પોતાના વતન ઉત્તર પ્રદેશ અને બિહાર જાય છે. આ તહેવારો ઉત્તર પ્રદેશ અને બિહારના લોકો માટે માત્ર ધાર્મિક મહત્વ ધરાવતા નથી, પરંતુ તેમના પરિવારોને મળવાની એક મહત્વપૂર્ણ તક પણ પૂરી પાડે છે. તહેવારોની સિઝનમાં મુસાફરોના ભારે ધસારાને કારણે મોટાભાગની ટ્રેનોમાં ટિકિટ બે-ત્રણ મહિના અગાઉથી વેઇટિંગ લિસ્ટમાં આવી જાય છે. આ સમસ્યાનો સામનો કરવા માટે, ભારતીય રેલ્વે આ વર્ષે તહેવારોની સિઝનમાં ફરી એકવાર સ્પેશિયલ ટ્રેનો ચલાવી રહી છે.