નવસારી : ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈ વોલ્ટેજ મેચ રમાઈ હતી, જેમાં ભારતીય ક્રિકેટ ટીમે પાકિસ્તાન ટીમ સામે શાનદાર જીત મેળવતા દેશભરમાં ઉજવણીનો માહોલ જામ્યો હતો. નવસારીમાં પણ લોકોએ ભારતની જીતને વધવતા મોડી રાત સુધી ફટાકડા ફોડી ઉજવણી કરી હતી.
પાકિસ્તાન સામે ભારતની ભવ્ય જીત :આ મેચમાં પાકિસ્તાને ટોસ જીતીને બેટિંગ પસંદ કરી 241 રન કર્યા હતા. જે બાદ ભારતે શાનદાર રીતે શરૂઆત કરી કમબેક કર્યું છે. ટીમ ઇન્ડિયાએ 42.3 ઓવરમાં પાકિસ્તાનના 242 રનના લક્ષ્યાંકને ચેઝ કરી છ વિકેટે જીત મેળવી હતી. ભારત સામે હાર બાદ પાકિસ્તાન ટુર્નામેન્ટમાંથી લગભગ હવે બહાર થઈ ગયું છે, જ્યારે ભારત સેમિ ફાઇનલમાં પહોંચ્યું છે.
નવસારીમાં લોકોએ ફટાકડા ફોડી ભારતની જીતને વધાવી (ETV Bharat Gujarat) નવસારીમાં ઉત્સવનો માહોલ :ઇન્ડિયા મેચ જીતવાની સાથે જ દેશમાં ઉત્સવનો માહોલ છવાયો હતો, જેમાં નવસારી પણ બાદ રહ્યું નથી. નવસારીના મધ્યમાં આવેલા ટાવર રોડ પર ભારતની જીતની ખુશીમાં ઉજવણી કરવામાં આવી હતી. યુવાનોએ તિરંગા સાથે "ભારત માતા કી જય" નારાનો જય જયકાર કરી ફટાકડા ફોડી ભારતની જીતને વધાવી હતી. આ તકે શહેરીજનો મન મૂકીને ઝુમ્યા હતા, જેમાં નાનાથી મોટા તમામ ઉંમરના લોકો હાજર રહ્યા હતા.
ભારત-પાકનો હાઈ વોલ્ટેજ મુકાબલો :ભારત તરફથી વિરાટ કોહલીએ અણનમ 100, શ્રેયસ અય્યરે 56 અને શુભમન ગિલે 46 રન બનાવ્યા. બીજી તરફ કુલદીપ યાદવે 3 અને હાર્દિક પંડ્યાએ 2 વિકેટ લીધી હતી. પાકિસ્તાન તરફથી સઈદ શકીલે 62 અને મોહમ્મદ રિઝવાને 46 રન બનાવ્યા. શાહીન શાહ આફ્રિદીએ 2 વિકેટ લીધી તથા અબરાર અહેમદ અને ખુશદિલ શાહે 1-1 વિકેટ લીધી.
લોકોએ ફટાકડા ફોડી જીતને વધાવી :ભારતની જીતની ઉજવણી કરવા આવેલા હર્ષલ સીમ્પીએ જણાવ્યું કે, ભારત પાકિસ્તાનની મેચ જોવાનો અનોખો રોમાંચ હોય છે, જેમાં પણ ભારતની જીત થતા ઘણી ખુશી અનુભવાય છે. આજે પણ ચેમ્પિયન્સ ટ્રોફીની મેચમાં ભારતે પાકિસ્તાન સામે ભવ્ય જીત હાંસલ કરી છે. જેને લઇને નવસારીના ટાવર ખાતે અમે સૌ મિત્રો ભેગા થઈ ફટાકડા ફોડી ભારતની જીતને વધાવી રહ્યા છીએ.