ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદમાં દેશની સૌથી મોટી રોબોટિક્સ સ્પર્ધા, 100 રોબોટ મેકિંગ ટીમોના પ્રોટોટાઇપનું પ્રદર્શન - ROBOTICS COMPETITION

અમદાવાદમાં આવેલા સાયન્સ સીટી ખાતે રોબોફેસ્ટ ગુજરાત 4.0 નું આયોજન થઈ રહ્યું છે.

અમદાવાદમાં રોબોટિક્સ સ્પર્ધા
અમદાવાદમાં રોબોટિક્સ સ્પર્ધા (ETV Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Jan 21, 2025, 8:08 PM IST

અમદાવાદ:અમદાવાદ શહેરમાં સાયન્સ સીટી ખાતે દેશની સૌથી મોટી રોબોટિક્સ સ્પર્ધા એટલે કે રોબોફેસ્ટ ગુજરાત 4.0 ના ગ્રાન્ડ ફિનાલેનું આયોજન થઈ રહ્યું છે, જેમાં 21 થી 24 જાન્યુઆરી દરમિયાન 100 રોબોટ મેકિંગ ટીમો તેમના પ્રોટોટાઇપ પ્રદર્શિત કરશે, અને આ જોવા માટે રાજ્યભરમાંથી 5,000 જેટલા વિદ્યાર્થીઓ પણ પધારશે.

અમદાવાદમાં આવેલા સાયન્સ સીટી ખાતે રોબોફેસ્ટ ગુજરાત 4.0 નું આયોજન થઈ રહ્યું છે. અહીં રોબોટિક્સ ક્ષેત્રે અવનવા અત્યાધુનિક ઇનોવેશન્સ, એક્ઝિબિશન, રોબોટિક ગેલેરી, વોક થ્રુ અને ડેમોન્સ્ટ્રેશન જોવા રાજ્યભરમાંથી 5000 જેટલાં વિદ્યાર્થીઓ પણ આવશે.

રોબોફેસ્ટ ગુજરાત 4.0માં આ વખતે હશે આ નવું
રોબોફેસ્ટ ગુજરાત 4.0માં ગુજકોસ્ટ(GUJCOST) દ્વારા સ્ટેમ(STEM) સંસ્થાઓના વિદ્યાર્થીઓ દ્વારા વિકસાવવામાં આવનાર સાત પ્રકારના રોબોટ્સને વિવિધ કેટેગરીમાં સમાવવામાં આવ્યા છે. જેમાં ટુ વ્હીલ્ડ સેલ્ફ બેલેન્સિંગ રોબોટ, સબમરીન અથવા અંડર વોટર રોબોટ, રોવર્સ, હેક્સાપોડ રોબોટ કેટેગરી, સ્વાર્મ રોબોટ્સ, ફન રોબોટિક્સઃ મેઝ સોલ્વિંગ રોબોટ અને એપ્લિકેશન બેઈઝ્ડ રોબોટ કેટેગરીનો સમાવેશ થાય છે.

અમદાવાદમાં રોબોટિક્સ સ્પર્ધા (ETV Bharat Gujarat)

રોબો મેકિંગ કોમ્પિટિશનની અલગ અલગ સાત કેટેગરી
રોબોફેસ્ટ ગુજરાત 4.0માં સમગ્ર દેશમાંથી કુલ 1284 ટીમોએ ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. તેમાંથી 169 ટીમોને પ્રથમ સ્તરની સ્પર્ધાના વિજેતા તરીકે પસંદ કરવામાં આવી હતી. 169 ટીમોમાંથી રોબો મેકિંગ કોમ્પિટિશનની તમામ 7 કેટેગરીમાંથી કુલ 100 પ્રૂફ ઓફ કન્સેપ્ટની પસંદગી રોબોફેસ્ટ-ગુજરાત 4.0ના ગ્રાન્ડ ફિનાલે માટે કરવામાં આવી છે.

IIT, NIT સંસ્થાઓના રોબોટિક્સ એન્જિનિયરએ ભાગ લીધો
આ રોબોટ મેકિંગ સ્પર્ધામાં દેશભરની ખ્યાતનામ આઇઆઇટી સંસ્થાઓ, એનઆઈટી સંસ્થાઓ સહિત રોબોટિક્સ એન્જિનિયરિંગ અને ટેકનોલોજી ક્ષેત્રે શિક્ષણ પ્રદાન કરતી ખ્યાતનામ યુનિવર્સિટી અને વૈજ્ઞાનિક સંસ્થાઓએ ભાગ લીધો છે.

100 ટીમો તેમના પ્રોટોટાઇપ પ્રદર્શિત કરશે
રોબોફેસ્ટ-ગુજરાત 4.0ના ગ્રાન્ડ ફિનાલેમાં એક્ઝિબિશન, ઇન્ટરેક્શન વિથ ડોમેઈન એક્સપર્ટ, ડેમોન્સ્ટ્રેશન સહિત રોબોટિક ગેલેરી વોક થ્રુ સામેલ હશે. તમામ 100 ટીમો તેમના પ્રોટોટાઇપ પ્રદર્શિત કરશે, જે આ ક્ષેત્ર સાથે સંકળાયેલા યુવાનોમાં ઇનોવેશન અને ઉદ્યોગસાહસિકતાની ભાવનાને પ્રોત્સાહન આપશે.

5000 જેટલાં વિદ્યાર્થીઓ અત્યાધુનિક ઇનોવેશન્સ જોવા પધારશે
વધુમાં, 500 વિદ્યાર્થીઓ, માર્ગદર્શકો, નિષ્ણાતો અને ઉદ્યોગજગતના પ્રતિનિધિઓ ગ્રાન્ડ ફિનાલેમાં ભાગ લેશે. રોબોફેસ્ટ ગુજરાત 4.0 અંતર્ગત રાજ્યભરમાંથી 5000 જેટલાં વિદ્યાર્થીઓ રોબોટિક્સ ક્ષેત્રે અવનવા અત્યાધુનિક ઇનોવેશન્સ જોવા સાયન્સ સિટી પધારશે. સ્પર્ધાની સાથોસાથ રોબો-પ્રોટોટાઇપ્સનું એક અનોખું પ્રદર્શન પણ યોજવામાં આવશે.

આજરોજ રોબોફેસ્ટ ગુજરાત 4.0ના ગ્રાન્ડ ફિનાલેનો ઉદ્ઘાટન સમારોહ રાખવામાં આવ્યો હતો. જેમાં ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીના અગ્ર સચિવ મોના ખંધાર, GUJCOSTના એડવાઈઝર ડો. નરોત્તમ સાહુ, SAC-ISROના ડાયરેકટર નિલેશ દેસાઈ, જીટીયુના વાઇસ ચાન્સેલર ડો. રાજુલ ગજ્જર, રોબોફેસ્ટ ગુજરાત 4.0ના ટેકનિકલ એડવાઈઝરી કમિટીના ચેરમેન ડો. દેબાનિક રોય, ગુજરાત સાયન્સ સીટીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર મનીષ ગુરવાનીની ઉપસ્થિતિ રહ્યા હતા.

તમામ લોકોને ફ્રી એન્ટ્રી
આપને જણાવી દઇએ કે અમદાવાદમાં આવેલા ગુજરાત સાયન્સ સીટી ખાતે આ રોબોફેસ્ટ ગુજરાત 4.0 ના ગ્રાન્ડ ફિનાલેનું આયોજન થઈ રહ્યું છે. આમાં સામાન્ય લોકો કે જે સાયન્સ સીટીની મુલાકાતે આવતા હોય તેઓ પણ અહીંની મુલાકાત લઈ શકશે. તેમજ શાળાના વિદ્યાર્થીઓ માટે પણ અલગથી રજીસ્ટ્રેશન કરીને મુલાકાત લેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ રોબોફેસ્ટની મુલાકાત તદ્દન ફ્રી છે. માત્ર કોણ કોણ મુલાકાત માટે આવે તેની યાદ રહે તે માટે સ્થળે જ રજીસ્ટ્રેશનની વ્યવસ્થા કરવામાં આવેલી છે.

આ પણ વાંચો:

  1. ડાયમંડના ડોનાલ્ડ, સુરતના રત્ન કલાકારોએ ડાયમંડમાં બનાવ્યું ટ્રમ્પનું પોર્ટ્રેટ, ભેટ આપવાની તૈયારી
  2. કોલ્ડપ્લે માટે આ રહી પાર્કિંગની સુવિધા, બસ કરો આ કામ

ABOUT THE AUTHOR

...view details