મહીસાગર, બાલાસિનોર: બાલાસિનોર નગરમાં પશ્ચિમ બંગાળના કલકત્તા જેવી ઘટના ઘટતા રહી ગઈ હતી. મેડિકલમાં અભ્યાસ કરતી એક યુવતીની સતર્કતાને લઈ બાલાસિનોર પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી બંને રોમિયોને ઝડપી પાડ્યા. આવી સતર્કતા અંગે આપણે જાણતા તો હોઈએ છીએ પરંતુ જે તે પરિસ્થિતિ વખતે તેને યાદ કરી તેના પર અમલ કરવા જાણે દરેક ક્યાંક ઉણાં ઉતરી જતા હોય છે. આ ઘટનાથી ફરી મહિલાઓને તેમની હિંમતને જગાડવાની તક મળશે.
ઘટનાની ટુંકી વિગતઃદિવસે'ને દિવસે રાજ્યમાં શાળા, કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ પર છેડતી તેમજ બળાત્કારની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે થોડાક દિવસો પહેલા દેશના પશ્ચિમ બંગાળના કલકત્તા ખાતે મેડિકલ સ્ટુડન્ટ પર તકનો લાભ ઉઠાવી બળાત્કાર કરી યુવતી ને મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ ઘટના સામે આવતા જ દેશ ભરમાં તેનો ખૂબ વિરોધ થયો હતો અને ડોક્ટરોએ રેલી તેમજ કામગીરી ન કરી તેનો વિરોધ નોંધાવ્યો હતો ત્યારે આવી જ એક ઘટના મહીસાગર જિલ્લાના બાલાસિનોર નગરમાં ઘટતા ઘટતા રહી ગઈ હતી. તેનું મુખ્ય કારણ વિદ્યાર્થિનીની સતર્કતા હતી. વિદ્યાર્થિનીએ પોતાની સમય સૂચકતા અને બુદ્ધિનો ઉપયોગ કરી બાલાસિનોર પોલીસને જાણ કરતા આ બંને રોમિયો પકડાયા હતા.
કેવી રીતે બની સમગ્ર ઘટનાઃ મહીસાગર જિલ્લાના બાલાસિનોર બસ સ્ટેન્ડ ખાતે રાત્રિના નવ કલાકની આસ પાસ એક વિદ્યાર્થિની બાલાસિનોર બસ સ્ટેશન ખાતે રિક્ષાની રાહ જોઈ રહી હતી. રાત્રીનો સમય હતો અને વિદ્યાર્થિની એકલી હતી. તે સમયે બે યુવકોએ તેને ક્યાં જવું છે મુકી જઈએ તેવું કહ્યું, બાદમાં તેની એકલતાનો લાભ લઈ તેની સાથે અભદ્ર વર્તન કરવાનું શરૂ કર્યું હતું. તેમણે છેડતી કરી અને અપ શબ્દો ઉચ્ચારી લાજ લેવાના ઇરાદે તેને બોલાવવા લાગ્યા હતા. તે યુવતીએ તે બંને યુવકોને પહેલા તો જવાબ આપવાનું નક્કી કર્યું. તે બંને યુવકો મહિલાને ઘેરી જાણે લાજ લેવાના ઇરાદે આવ્યા હોય તેમ છેડતી કરવા લાગ્યા હતા. યુવતીને ડર લાગ્યો અને જોખમ જોતા યુવતી ત્યાંથી ચાલવા માંડી. પણ આ બંને યુવકો તો જાણે એકલી યુવતી એટલે આપણે મન ફાવે તેમ કરી શકીએ તેવું મનમાં ભરીને યુવતીનો બંને યુવકોએ પીછો કર્યો હતો. ત્યાં જ તે સમયે તેણીના પિતા આવી જતા તેને હુંફ મળી પણ અહીંથી બધું અટક્યું નહીં. યુવતીના પિતાએ યુવકોને ખખડાવ્યા પણ આ બંનેને તો જાણે કાયદાનો કોઈ ભય જ ન્હોતો બંનેએ યુવતી તેમજ તેના પિતાને અપ શબ્દો આપ્યા.