અમદાવાદ: વર્ષ 2024 નું વર્ષ પૂર્ણ થવાને આરે છે. ત્યારે આ વર્ષે ઘણી બધી સારી ખરાબ ઘટનાઓ બની છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ 2024માં આ 10 ઘટનાઓને લઈને વિવાદમાં રહી હતી. જેમાં AMC પર અનેક આક્ષેપો પણ થયા, કેટલાક નિર્ણયોની નિંદા પણ થઇ છે, કઇ હતી એ ઘટના એ જાણો.
AMC ની સામાન્ય સભામાં વિપક્ષ દ્વારા વોક આઉટ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણ દ્વારા પ્રિ-મોન્સુન કામગીરીને લઈ મ્યુનિસિપલ કોર્પોરેશન પર સીધા આક્ષેપો લગાડવામાં આવ્યા હતા. વિપક્ષ દ્વારા કહેવામાં આવ્યું કે, AMC દ્વારા ચોમાસા પહેલા કરોડોના ખર્ચે પ્રિ-મોન્સુન એક્ટિવિટી કરવામાં આવે છે. પરંતુ કમનસીબે શહેરમા પાણી ન ભરાય તે માટે કોર્પોરેશન દ્વારા વપરાતા કરોડો રુપિયા ચોમાસા બાદ ભરાયેલા પાણીના લીધે પાણીમાં જ જતા હોય તેવું લાગી રહ્યું છે. આમ કૉર્પોરેશન દ્વારા કરાયેલ પ્રિ-મોન્સુન એક્ટિવિટી વિશે વાત કરવામાં આવી. ત્યારે સત્તા પક્ષના સભ્યો દ્વારા આ ચર્ચામાં ભાગ ન લેતા કોંગ્રેસ પક્ષ દ્વારા સામાન્ય સભામાંથી વોકઆઉટ કરી વિરોધ નોંધાવવામાં આવ્યો.
હાટકેશ્વર બ્રિજ વિવાદ: લાંબા સમયથી વિવાદોના ઘેરામાં રહેલા હાટકેશ્વર બ્રિજ તોડી નવો બનાવવા માટે સતત 3 વખત ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા. જોકે આ ત્રણેય પ્રયાસોમાં નિષ્ફળતા મળ્યા બાદ ચોથી વખત ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. ત્યારે છેવટે તેમાં સફળતા મળી હતી. બ્રિજને તોડી નવો બનાવવા માટે ચોથી વખત ટેન્ડર બહાર પાડવામાં આવેલું હતું. રાજસ્થાનની કંપની રૂપિયા 52 કરોડનો વર્ક ઓર્ડર લઈને જર્જરિત પુલને તોડી પાડવાની તૈયારી કરી રહી છે.
વટવાના EWS આવાસોની ફાળવણી વગર તોડી નાખવાનો નિર્ણય: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરોડોના ખર્ચે 15 વર્ષ પહેલા તૈયાર થયેલા આવાસો સુધી કોઈને ફાળવ્યા વગર જ તોડી નાખવા પડે તેવી પરિસ્થિતિ સર્જાઇ હતી. મકાન તૈયાર થયાના 15 વર્ષ સુધી કોઈને ફાળવવામાં આવ્યા નહોતા. તેથી તે જર્જરિત થઈ ગયા હતા. જ્યારે આવાસોનું સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ કરાવવામાં આવ્યો. ત્યારે તે નેગેટિવ આવતા તમામ આવાસોને તોડી નાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
NHL મેડિકલ કોલેજ ખરાબ હાલતમાં, લાખોનો સામાન એક્સપાયર:અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં આવેલ NHL મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ માટે વર્ષ 2007માં હોસ્ટેલ બનાવવામાં આવી હતી. પરંતુ અગમ્ય કારણોથી 2019માં આ હોસ્ટેલ કોર્પોરેશન દ્વારા બંધ કરી દેવામાં આવી હતી. હોસ્ટેલ બંધ કર્યાના 5 વર્ષમાં હોસ્ટેલની સ્થિતિ ખંડેર જેવી થઈ ગઈ હતી. જ્યારે ETV BHARAT ની ટીમ દ્વારા સ્થળની રૂબરૂ મુલાકાત લેવામાં આવી ત્યારે લાખો રૂપિયાનો સમાન જેમાં ઇન્જેક્શન, દવાઓ, PPE કીટ અને અન્ય હોસ્પિટલમાં ઉપયોગમાં લેવાતી લાખો રૂપિયાની વસ્તુઓ એક્સપાયર થઇ હોવાનું જણાતા અને સામાન ખરાબ હાલતમાં જોવા મળતા ઘટસ્ફોટ થયો હતો.
AMCનું જર્જરિત સાઈન બોર્ડ પડતા 3 લોકો ઇજાગ્રસ્ત: અમદાવાદ શહેરના કાંકરિયા વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું સાઇન બોર્ડ જર્જરિત હોવાથી તૂટી પડ્યું હતું. ત્યારે ત્યાંથી પસાર થઈ રહેલા 3 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. તેથી આ 3 લોકોને સારવાર માટે શહેરની એ.જી. હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. આ ઘટનાની વાત બહાર આવતા જ કૉર્પોરેશન પ્રશ્નોના ઘેરામાં આવી હતી કે, તેમના દ્વારા લગાડવામાં આવતા સાઇનબોર્ડ લોકોનો જીવ પણ લઈ શકે છે. ત્યારે કોર્પોરેશન દ્વારા તાત્કાલિક જર્જરિત સાઇન બોર્ડની તપાસ કરી ઠીક કરાવ્યા હતા.