રાજકોટ:સરદાર ધામ સૌરાષ્ટ્રના ઉપપ્રમુખ પર રાત્રિના અરસામાં કણકોટ મહુડી રોડ પર આવેલા શ્યામ પાર્ટી પ્લોટ ખાતે PI સંજય પાદરીયા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે જુનાગઢ ટ્રેનિંગ સેન્ટર ખાતે PI તરીકે ફરજ બજાવનારા સંજય પાદરીયા વિરુદ્ધ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જયંતી સરધારા દ્વારા ગુનો નોંધવવામાં આવ્યો હતો. સંજય પાદરીયા દ્વારા જયંતિ સરધારાને 'સરદારધામના ઉપપ્રમુખ બનીને સમાજ સાથે ગદ્દારી કરી છે' તેમ કહી ગાળો આપવામાં આવી હતી. તેમજ જયંતિ સરધારાને માથાના ભાગે પિસ્તોલ જેવા કોઈ હથિયાર વડે ઘા મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું સામે આવ્યું હતું.
આ ઘટનામાં શહેરના તાલુકા પોલીસ ખાતે જે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. તે ફરિયાદ હત્યાના પ્રયાસ સહિતની કલમ અંતર્ગત નોંધવામાં આવી હતી. ત્યારે પોલીસના પ્રાથમિક તપાસમાં પીઆઈ સંજય પાદરીયા પાસે બનાવ સમયે કોઈ પણ જાતનું હથિયાર ન હોવાનું ખુલ્યું છે. ત્યારે રાજકોટ શહેર પોલીસ દ્વારા કોર્ટમાં BNSની કલમ 109(1) રદ્દ કરવા માટે તેમજ મેડિકલ રિપોર્ટના આધારે BNSની કલમ 117 (2)નો ઉમેરો કરવા માટે રિપોર્ટ કરવામાં આવ્યો છે. હવે સમગ્ર મામલે કોર્ટ દ્વારા બંને કલમો બાબતે પોતાનો નિર્ણય સંભળાવવામાં આવશે.