ગુજરાત

gujarat

ETV Bharat / state

કચ્છડો બારે માસ: રણોત્સવની કમાણી કરોડોમાં પહોંચી, મહિનામાં 1 લાખથી વધુ લોકોની મુલાકાત - KUTCH RUNOTSAV

અગાઉ 3 દિવસ માટે યોજાતો રણોત્સવ હવે 125 દિવસ માટે યોજાય છે. આ વર્ષે રણોત્સવ 11 નવેમ્બરથી 15 માર્ચ દરમિયાન યોજાઈ રહ્યો છે.

રણોત્સવમાં ઉમટ્યા પ્રવાસીઓ
રણોત્સવમાં ઉમટ્યા પ્રવાસીઓ (ETV Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Dec 17, 2024, 10:03 PM IST

Updated : Dec 21, 2024, 7:13 PM IST

કચ્છ: કચ્છના વિશ્વ વિખ્યાત સફેદ રણમાં યોજાતા રણોત્સવમાં દર વર્ષે દેશ વિદેશના લાખો પ્રવાસીઓ મુલાકાતે આવતા હોય છે અને 4 માસ માટે યોજાતા આ રણોત્સવમાં કચ્છની સંસ્કૃતિ, કચ્છી ખમીર, કચ્છના ઇતિહાસ અને કચ્છની મહેમાનગતીને માણે છે.

દર વર્ષે કચ્છની મુલાકાતે આવતા પ્રવાસીઓની સંખ્યા પણ વધી રહી છે ત્યારે ગત વર્ષે રણોત્સવના 4 માસ દરમિયાન 4.24 લાખ લોકોએ મુલાકાત લીધી હતી જ્યારે ચાલુ વર્ષે 1.06 લાખ જેટલા પ્રવાસીઓએ માત્ર એક મહિનાની અંદર મુલાકાત લીધી છે.

રણોત્સવમાં ઉમટ્યા પ્રવાસીઓ (ETV Bharat Gujarat)

125 દિવસ માટે યોજાઈ રહ્યો છે રણોત્સવ
અગાઉ 3 દિવસ માટે યોજાતો રણોત્સવ હવે 125 દિવસ માટે યોજાય છે. આ વર્ષે રણોત્સવ 11 નવેમ્બરથી 15 માર્ચ એટલે કે 125 દિવસ સુધી યોજાઈ રહ્યો છે.

આ વખતે રણોત્સવ અંતર્ગત નિર્માણ પામેલ ટેન્ટસિટીના રિસેપ્શનથી લઈને ટેન્ટ સહિતમાં આ વખતે કચ્છની કળા કારીગરીને પ્રદર્શિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.દેશ વિદેશના પ્રવાસીઓ સફેદ રણની ચમક, રોડ ટુ હેવન, હડપ્પન સંસ્કૃતિના નગર ધોળાવીરા, કચ્છની કલાઓથી આકર્ષાઈને મુલાકાતે આવી રહ્યા છે.

રણોત્સવમાં ઉમટ્યા પ્રવાસીઓ (ETV Bharat Gujarat)

વર્ષ 2023-24માં 4.24 લાખ પ્રવાસીઓ આવ્યા હતા
ઉલ્લેખનીય છે કે વર્ષ 2023-24માં યોજાયેલ રણોત્સવમાં 945 વિદેશી સહિત 4.24 લાખ પ્રવાસી આવ્યા હતા અને સરકારને 3.67 કરોડની આવક થઈ હતી.આ ઉપરાંત જ્યારે જ્યારે રણોત્સવમાં ટેન્ટ સિટીનું આયોજન કરતી કંપની અને સરકાર દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, તહેવારો જેવા કે દિવાળી, નાતાલ, 31st, ન્યુ યર, મકરસંક્રાંતિ, પોંગલ, ગણતંત્ર દિવસ, હોળી વગેરે જેવા તહેવારોની ઉજવણી પણ પ્રવાસીઓ સાથે મળીને કરવામાં આવતી હોય છે ત્યારે આવા સમયે પણ મોટી માત્રામાં પ્રવાસીઓ ઉમટે છે.

રણોત્સવમાં ઉમટ્યા પ્રવાસીઓ (ETV Bharat Gujarat)

ચાલુ વર્ષે 1 માસમાં 1.06 લાખ પ્રવાસીઓ થકી 1.19 કરોડની આવક
ભુજ પ્રાંત કચેરીમાંથી મળતી માહિતી મુજબ ચાલુ વર્ષે એટલે કે વર્ષ 2024-2025ના રણોત્સવના 1 મહિનામાં 1,06,632 જેટલા પ્રવાસીઓએ કચ્છના સફેદ રણની મુલાકાત લીધી છે.ત્યારે આ વર્ષે ઓછામાં ઓછા 5 લાખ જેટલા મુસાફરો કચ્છના સફેદ રણની મુલાકાત લેશે તેવું લાગી રહ્યું છે.તો અત્યાર સુધીમાં એટલે કે 11 નવેમ્બરથી 15 ડિસેમ્બર સુધીમાં કુલ 237 જેટલા વિદેશી પ્રવાસીઓએ મુલાકાત લીધી છે તો તંત્રને 1.19 કરોડની આવક થઈ છે.

20 એસ.ટી બસનો 1.5 લાખ મુસાફરોએ લાભ લીધો
આ ઉપરાંત ક્લેક્ટરના જાહેરનામા મુજબ રણ ખાતેના સબરસ પાર્કિંગ સુધી જ ખાનગી વાહનો લઈ જવામાં આવી રહ્યા છે. એસટી વિભાગના નિયામક યોગેશ પટેલે જણાવ્યું હતું કે, એસટી વિભાગ દ્વારા જે નિઃશુલ્ક પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે.

રણોત્સવમાં ઉમટ્યા પ્રવાસીઓ (ETV Bharat Gujarat)

ત્યારથી એટલે કે રણના સબરસ બસ સ્ટેશનથી વોચ ટાવર સુધી 1લી ડિસેમ્બરથી એસટીની હોપ ઓન અને હોપ ઓફ બસ સેવા શરૂ કરવામાં લીધી છે અને તેનો લાભ 1.5 લાખ જેટલા મુસાફરોએ લીધો છે. તો એસટી વિભાગ દ્વારા 20 જેટલી બસો આ રૂટ પર દોડાવવામાં આવી રહી છે.

આ પણ વાંચો:

  1. ETV Bharat Exclusive: ગીરમાં જંગલી પ્રાણીઓના માનવો પર હિંસક હુમલાના બનાવો કેમ વધી રહ્યા છે?
  2. વડોદરામાં ઘર જમાઈએ આડા સંબંધની શંકાએ પત્નીની હત્યા કરી! પોલીસે આરોપી પતિને દબોચ્યો
Last Updated : Dec 21, 2024, 7:13 PM IST

ABOUT THE AUTHOR

...view details