પોરબંદર: પોરબંદરમાં ગુજરાત ATS, NCB અને ભારતીય નેવીએ સંયુક્ત ઓપરેશન કરી સમુદ્રમાંથી 700 કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ સાથે સમુદ્રી માર્ગે ડ્રગ્સની ડિલિવરી કરવા આવેલા 8 ઇરાની શખ્સોની પણ ધરપકડ કરવામાં આવી છે. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે X પર ટ્વીટ કરીને ATS, NCB અને નેવીની કામગીરીને બિરદાવી હતી.
બાતમીના આધારે દરિયામાંથી જહાજ પકડાયું
NCBના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ, IPS જ્ઞાનેશ્વર સિંહે આપેલી માહિતી મુજબ, બાતમીના આધારે માહિતી મળી હતી કે AIS વિનાનું બિન-રજિસ્ટર્ડ જહાજ ભારતીય જળ સીમામાં નાર્કોટિક ડ્રગ્સ અથવા માદક પદાર્થો સાથે પ્રવેશ કરી રહ્યું છે. જે બાદ ઓપરેશન 'સાગર મંથન-4' કોડનેમ હેઠળ મિશન લોન્ચ કરાયું હતું. 15 નવેમ્બરના રોજ ઉપરોક્ત બાતમીના આધારે ભારતીય નૌકાદળ દ્વારા દરિયાઇ પેટ્રોલિંગ દરમિયાન એક જહાજને અટકાવવામાં આવ્યું હતું.
700 કિલો મેથેમ્ફેટામાઇન મળ્યું
NCB, ભારતીય નેવી અને ગુજરાત ATSના સંયુક્ત ઓપરેશનમાં જહાજમાંથી અંદાજે 700 કિલો મેથ/મેથેમ્ફેટામાઇન મળી આવ્યું હતું. આ સાથે જ કોઈ ઓળખ દસ્તાવેજ વિનાના 8 જેટલા વિદેશીઓ જહાજમાંથી મળ્યા હતા, જેમણે ઈરાનના નાગરિક હોવાનો દાવો કર્યો હતો.
અગાઉ પણ ગુજરાતના દરિયામાંથી ડ્રગ્સ પકડાયું
ખાસ છે કે, છેલ્લા કેટલાક સમયથી ગુજરાતના દરિયામાંથી ઘણીવાર કરોડોની કિંમતનું ડ્રગ્સ પકડી પાડવામાં આવ્યું છે. આ અગાઉ પોરબંદરના દરિયા કિનારા પર 18 જૂન 2024 ડ્રગ્સના પેકેટ મળ્યા હતા. પોલીસને સત્તાવાર રીતે સાત પેકેટમાં 8 કિલો 192 ગ્રામ ડ્રગ્સ મળી આવ્યા, જેની કિંમત અંદાજે 12 લાખ રૂપિયા જેટલી હતી. તો આ ઉપરાંત પોરબંદરના ઓડદર ગામે પણ 17 જુનના રોજ સવારે ડ્રગ્સના બે થી ત્રણ પેકેટ મળ્યા હતા. પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું તેમાં પણ બે થી ત્રણ પેકેટ મળી આવ્યા હતા.
આ અગાઉ 29 એપ્રિલ 2024 ના રોજ ગુજરાત ATS, NCB અને કોસ્ટ ગાર્ડ દ્વારા દરિયામાંથી 2 આરોપીઓને 173 કિલોથી વધુના હેરોઈન સાથે પકડી લેવામાં આવ્યા હતા. જેની કિંમત 1200 કરોડ રૂપિયા જેટલી હોવાનું મનાય છે.
ઉલ્લેખનિય છે કે આગામી 19, 20, અને 21 નવેમ્બરના રોજ દેશભરની સુરક્ષા એજન્સીઓ દ્વારા એક જોઈન્ટ તાલીમનું આયોજન પોરબંદર ખાતે દરિયામાં થવા જઈ રહ્યું છે. જેમાં રક્ષા મંત્રી અને મુખ્યમંત્રી પણ ઉપસ્થિત રહેવાની શક્યતાઓ છે. ત્યારે એ અગાઉ જ આ ડ્રગ્સનો જથ્થો પકડાયો છે.
આ પણ વાંચો:
- અમરેલીનું સ્માર્ટ ગામ, મહિલાઓ કરે છે સંપૂર્ણ સંચાલન, સુવિધા એવી કે શહેરો પણ ઝાંખા પડે
- રસ્તા અને જાહેર સ્થળો પર થૂંકતા લોકો પર AMC ની લાલ આંખ, હવે મેમો સીધો ઘરે આવશે