અમરેલી:આજના સમયમાં યુવાઓ નોકરી મેળવવા માટે દિનરાત તેની પાછળ પડ્યા રહે છે. ત્યારે અમરેલી સહિત સૌરાષ્ટ્રના મોટા ભાગના યુવાનો નોકરી કરવાને બદલે પોતાનો વ્યવસાય કરી રહ્યા છે. આજે આપણે વાત કરીશું, અમરેલી જિલ્લાના 30 વર્ષીય યુવાન અભી દુધાત કે, જેઓ ડિપ્લોમાં સુધીનો અભ્યાસ કરેલો છે. જે બાદ તેઓ સામાન્ય નોકરી કરતા હતા. આ સિવાય અભી દુધાતને પશુ પાલન વ્યવસાયનો પણ શોખ હતો. જેથી તેમણે 2 ભેંસથી પશુ પાલનનો વ્યવસાય શરુ કર્યો હતો. આજે તેમની પાસે 13 ભેંસ છે. જેના થકી તેઓ દૂધ ઉત્પાદન કરી લાખોની આવક મેળવી રહ્યા છે.
પશુ પાલક પાસે 13 જાફરાબાદી ભેંસ
યુવા પશુ પાલક અભી દુધાતે જણાવ્યું કે, તેમના પિતા ઘરે પરિવાર દૂઘનો ઉપયોગ કરે માટે 2 ભેંસ રાખતા હતા. ત્યારબાદ તેમને આ પશુ પાલનના વ્યવસાયમાં આગળ વધવું હોય માટે તેઓએ નોકરી છોડીને પશુ પાલનના વ્યવસાયની શરુઆત કરી હતી. હાલ તેમની પાસે 13 જાફરાબાદી ભેંસ છે. આ ભેંસ રોજનું અંદાજિત 110થી 115 લીટર જેટલું દૂધ આપે છે. એક ભેંસનું અંદાજિત 8 થી 16 લીટર દૂધ ઉત્પાદન રોજનું મળી રહે છે અને 70 રૂપિયા પ્રતિ લિટરનો ભાવ મળી રહે છે. જેથી રોજનું 7,000 રૂપિયા સુધીનું દૂધ ઉત્પાદન થાય છે અને વાર્ષિક ₹2,10,000 થી ₹2,40,000 સુધીનું દૂધ ઉત્પાદન થાય છે. દૂધનો વ્યવસાય 40% નફા કારક રહેતો હોય છે.