અમદાવાદ:અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા મુખ્યમંત્રી આવાસ યોજના અને પ્રધાનમંત્રી આવાસ યોજના જેવી વિવિધ યોજનાઓ અંતર્ગત ગરીબ લોકોને પોતાનું પાકું મકાન મળી રહે તે માટે આવાસ બનાવવામાં આવે છે. ત્યારે આ બનાવાયેલા આવાસોમાં કેટલાક આવાસો ખાલી છે છતાં પણ કોઈને ફાળવવામાં આવ્યા નથી.
EWSના 1000થી વધુ આવાસ ખાલી
અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા વિવિધ સાત ફેઝની અંદર 28,315 જેટલા EWS આવાસ બનાવવામાં આવેલા છે. જેમાંથી અત્યારે ખાતાકીય માહિતી પ્રમાણે 1027 જેટલા આવાસો ખાલી છે, તેની સામે 5475 જેટલું વેઇટિંગ લિસ્ટ છે. ત્યારે કોર્પોરેશન દ્વારા બે ફેઝની અંદર 7,486 જેટલા LIG આવાસો બનાવવામાં આવેલા છે. તેમાંથી 512 જેટલા આવાસો ખાલી છે તેની સામે 231નું વેઇટિંગ લિસ્ટ છે.
આવાસ માટે 5 હજારથી વધુનું વેઇટિંગ લિસ્ટ
આમ જ અમદાવાદના વિવિધ વોર્ડમાં 6,095 જેટલા સ્લમ રીડેવલોપમેન્ટ આવાસો કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવ્યા છે. જેમાં 162 જેટલા આવાસો ખાલી હોવાની ખાતાકીય માહિતી મળે છે. આમ EWS આવાસ, LIG આવાસ અને સ્લમ રીડેવલોપમેન્ટ આવાસો કુલ મળીને 41,896 જેટલા આવાસો બનાવવામાં આવ્યા છે. જેમાંથી 1,701 જેટલા આવાસો હજુ સુધી કોઈને પણ ફાળવવામાં આવ્યા નથી અને ખાલી છે, જેની સામે 5,706 નું વેઇટિંગ લિસ્ટ છે.
મકાન કેમ નથી ફાળવેલા તેનો અધિકારી પાસે જવાબ નથી
આ મામલે જ્યારે હાઉસિંગ ઇમ્પ્રુવમેન્ટ એન્ડ EWS આવાસ યોજના કમિટીના ચેરમેન મુકેશ પટેલને પૂછવામાં આવ્યું કે, આ આવાસો કેમ ફાળવવામાં નથી આવ્યા? ત્યારે તેમના દ્વારા જવાબ અપાયો કે "ઘણા બધા મકાનો પ્રોસેસમાં હોય બનવાના હોય અને જે મકાનો તૈયાર થઈ ગયા હોય છે, તેમની અમે ફાળવણી કરેલી જ હોય છે. વખતોવખત ડ્રો દ્વારા તે લોકોને ફાળવણી કરતા હોઈએ છીએ અને જે મકાનો ફાળવવામાં નથી આવ્યા તે કોઈક અલગ અલગ કારણોસર ફાળવવાના બાકી હશે. બાકી મોટા ભાગના આવાસો ડ્રો કરીને ફાળવી દેવામાં આવ્યા છે."
આ પણ વાંચો:
- પોરબંદરના કુખ્યાત ભીમા દુલાના પુત્ર અને પુત્ર વધુ સામે પણ ફરિયાદ, જાણો શું છે મામલો
- હેલ્મેટ નહીં તો એન્ટ્રી નહીં! રાજ્યમાં સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ પહેરવું ફરજિયાત કરાયું, પાછળ બેસનારે પણ...