અમદાવાદ:થોડો સમય તો બધા માધ્યમોમાં અને લોકોમાં વાહ-વાહી જોવા મળતી હતી કે સેલિબ્રિટી પરિવારની દીકરી છે, તો પણ પોતાના જ દેશની અંદર ભણવા ઈચ્છે છે, ત્યારે બીજી બાજુ સમયની સાથે કેટલાક સવાલો પણ ઉઠયા છે. જેમકે નવ્યા નવેલી નંદાએ જે ઓનલાઇન BPGP MBA પ્રોગ્રામમાં એડમિશન લીધું છે, તેના માટે આપવામાં આવતી પરીક્ષા કે પછી જે બીજી પ્રોસેસ હોય છે તે કરવામાં આવી છે કે કેમ ? સાથે IIM અમદાવાદની એડમિશન પદ્ધતિ પર પણ સવાલો ઉભા થઈ રહ્યાં છે.
ઈટીવી ભારતની ટીમને અંદર પ્રવેશ ન અપાયો: જ્યારે ઈટીવી ભારતે આ બાબતે સ્પષ્ટતા કરવા માટે IIM અમદાવાદ પહોંચ્યું તો ત્યારે ઈટીવીની ટીમને ગેટ પર જ રોકી દેવામાં આવી હતી. સિક્યુરિટી દ્વારા અંદર કમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટના શિવાંગીબેન સાથે ટેલીફોન દ્વારા વાત કરાવી. ઈટીવી ભારત દ્વારા જ્યારે તેમનેપ્રશ્ન કરવામાં આવ્યો કે જે નવ્યા નવેલી નંદાનું એડમિશન IIM અમદાવાદ ખાતે થયું છે તે અંગે સ્પષ્ટતા માટે વાત કરવી છે તે માટે અમને અંદર આવવાની પરવાનગી આપો અને 2 મિનિટનો સમય આપો તો તેમણે ના પાડી અને કહ્યું કે હું મિટિંગમાં છું, હું નહીં મળી શકું અમે કહ્યું કે આજના દિવસમાં બીજો કોઈ સમય આપો ત્યારે અમે આવ્યે, તો તેમના દ્વારા તે અંગે પણ ના પાડવામાં આવી અને કહેવામાં આવ્યું કે એડમિશન માટે જે પ્રોસેસ ફોલો થવી જોઈએ તે બધી પ્રોસેસ ફોલો થઈ છે. અમે કહ્યું કે કઈ કઈ પ્રોસેસ ફોલો થવી જોઈએ તો તેમને કહ્યું એ બધું વેબસાઈટ પર છે તમે જાતે જ જોઈ શકો છો. અમે તે પણ પ્રશ્ન કર્યો કે તમારા નામ સાથે આ વસ્તુ લખી શકાય તો તેમણે તે બાબતે પણ ના પાડી અને કહ્યું કે આતો તમે પૂછો છો તો હું જવાબ આપુ છું બાકી મારા નામ સાથે ન લખવું.