કચ્છ: જિલ્લાના લખપત તાલુકાના મુધાન ક્રિક વિસ્તારમાં વોટર લેવલ સર્વે માટે ગયેલા ભારે વાહન પલટી ગયું હતું. પરિણામે ખાનગી કંપનીના ત્રણ કર્મચારીઓ મોડી રાત્રે સંપર્ક વિહોણા બનતા ચિંતા ફેલાઈ હતી. બીએસએફ (BSF), પોલીસ અને અન્ય એજન્સી દ્વારા ત્રણ કર્મચારીઓની તાત્કાલિક શોધખોળ શરૂ કરવામાં આવી હતી. આમ, લાપતા કર્મચારીઓ 16 કલાક બાદ આંતરરાષ્ટ્રીય બોર્ડર પિલર નંબર 1170 પાસે હેમખેમ મળી આવ્યા હતા. BSF અને પોલીસની ઝડપી કાર્યવાહીથી કર્મચારીઓ મળી આવતા GHCL કંપનીના અધિકારીઓ અને સુરક્ષા એજન્સીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.
પાણીના સ્તર માપવા ત્રણ લોકો ઝારા વિસ્તારમાં ગયા: સરહદી જિલ્લા કચ્છના ભયંકર એવા ભૌગોલિક વિસ્તારમાં અને કચ્છના રણમાં મીઠાના અગરના માધ્યમથી બ્રોમિન બનાવવા ઘણી કંપનીઓને જમીન સોંપવામાં આવી છે. ગુજરાત હેવી કેમિકલ્સ લિમિટેડ (Gujarat Heavy Chemicals Limited) એટલે કે GHCL કંપની પાસે પણ આવી જ એક જમીન છે. આ જમીનમાં પાણીના સ્તર માપવા માટે કંપનીના ત્રણ લોકો ખાસ ભારે વાહન દ્વારા ઝારા વિસ્તારમાં ગયા હતા.
રાત્રે 12 વાગે ટીમ લાપતા થઈ હોવાની જાણ થઈ: કચ્છ કલેકટર અમિત અરોરાએ જણાવ્યું હતું કે, ખાનગી કંપનીના વોટર લેવલ સર્વે માટે ગયેલા રવિન્દ્રકુમાર ખારેટિયા, આદર્શ કુમાર લાલપ્રસાદ અને કરણસિંહ જાડેજાની ટીમનું વાહન ગોઠણથી પણ ઊંડાં પાણીમાં પલટી ગયું હતું. ચોમેર પાણી અને મોબાઈલના સિગ્નલના અભાવમાં આ ટીમ સાથેનો સંપર્ક પણ થઈ શક્યો ન હતો. તો રાત્રે 12 વાગ્યાના સમયગાળામાં કંપનીની ટીમ લાપતા થઈ હોવાની જાણ કંપનીના સત્તાવાળાઓને થઈ હતી.
![કર્મચારીઓ આધુનિક ટેક્નોલોજીથી રેક્સ્યું કરાયા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/02-02-2025/23457759_t2.jpeg)
આધુનિક ડ્રોન અને જીપીએસ સાધનોની મદદથી થઈ તપાસ: ખાનગી કંપનીના અધિકારીઓએ સીમા સુરક્ષા દળ અને જિલ્લા વહીવટીતંત્રનો સંપર્ક સાધતા દોડધામ મચી ગઈ હતી. BSF ના ડીઆઈજી અનંતસિંહે આ વિસ્તાર ભારે જોખમી હોવાની જાણ હોવાથી પરિસ્થિતિની ગંભીરતા સમજીને હરામીનાળામાં તૈનાત BSF ની બોટમાં રેસ્ક્યુ ટીમ રવાના કરવામાં આવી હતી. આ ટીમ દ્વારા આધુનિક ડ્રોન અને જીપીએસ (GPS) સાધનોની મદદથી તપાસ હાથ ધરાઈ હતી.
ડ્રોનમાં મદદની રાહ જોતા કર્મચારીઓ દેખાયા: કંપનીના અધિકારીઓએ કલેક્ટર પાસે પણ સ્થિતિની ગંભીરતા સમજીને લશ્કર અને એરફોર્સની મદદ માંગવામાં આવી હતી. એરફોર્સ પાસેથી હેલિકોપ્ટર પણ જિલ્લા કલેક્ટરે બચાવ કાર્ય માટે માગ્યું હતું. જેને જામનગરથી મોકલાવાની તજવીજ હાથ ધરાઈ હતી. આ દરમિયાન BSF ની રેસ્ક્યુ ટીમ તેના ડ્રોનમાં પાણીમાં આડા પડી ગયેલાં હેવી વાહનના ટાયર પર રાહ જોઈ રહેલા કંપનીના 3 લોકો દેખાઈ આવતાં બોટને તે તરફ લઈ જવામાં આવી હતી.
![કર્મચારીઓ આધુનિક ટેક્નોલોજીથી રેક્સ્યું કરાયા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/02-02-2025/23457759_t.jpeg)
વહીવટીતંત્ર, BSF અને એરફોર્સના સંકલનથી સફળ રેસ્ક્યું: BSF ની ટીમે ત્રણેય લોકોને બચાવી લીધા હતા અને રેસ્ક્યુની સફળતાની માહિતી મળતા જ સૌના શ્વાસ હેઠા બેઠા હતા. સાંજે ત્રણેય લોકોને હરામીનાળાની જેટી પર લઈ જવામાં આવ્યા હતા. સમગ્ર ઓપરેશનમાં જિલ્લા વહીવટીતંત્ર, એરફોર્સ અને BSF સહિતની એજન્સીઓએ માનવ જીવન બચાવવા માટે મહેનત કરી હતી.
![સંપર્ક વિહોણા પાણીમાં ફસાયેલા કર્મચારીઓ આધુનિક ટેક્નોલોજીથી રેક્સ્યું કરાયા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/02-02-2025/gj-kutch-02-rescue-video-story-7209751_02022025132833_0202f_1738483113_231.jpg)
આ પણ વાંચો: