મહેસાણા: જવાનીયાઓ નહિં પણ 5 સિનિયર સિટીઝન સાયકલ લઈને 4000 કિલોમીટરની ભારત યાત્રા કરવા નીકળ્યા છે. સાંભળીને જ નવાઈ લાગે કે નિવૃત્ત થઈ જવાની ઉંમરમાં 60 થી વધુ ઉંમરના 5 વડીલો કે જે પોતાને જવાન કહે છે, તેઓ પ્રદુષણ મુક્ત ભારતનો સંદેશ લઈને કાશ્મીરથી કન્યાકુમારી સાયકલ યાત્રાએ નીકળ્યા છે.
16 જાન્યુઆરી શ્રીનગરથી શરૂ કરી સફર
16 જાન્યુઆરીએ શ્રીનગરથી આ 5 સિનિયર સિટિઝન કન્યાકુમારી જવા માટે નીકળ્યા હતાં, 4048 કિલોમીટરની આ યાત્રા 20 ફેબ્રુઆરીએ પૂર્ણ થવાનું તેમણે જણાવ્યું હતું. શ્રીનગરથી જમ્મુ, કાશ્મીર, પંજાબ, રાજસ્થાન થઈને તેઓ ગુજરાતમાં પ્રવેશ્યા હતાં ત્યારે મહેસાણા ખાતે આ તમામ 5 સાયકલિસ્ટનું મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખે સ્વાગત કર્યુ હતું.
5 સાયકલિસ્ટનો હેતુ
સાયકલ યાત્રા પર નીકળેલા આ વડીલોનો નારો એક જ છે, પોલ્યુશન ફ્રી ભારત, આવનારી પેઢીને પ્રદૂષણથી બચાવવી. જેના માટે તેઓ 4 હજાર કિલોમીટરથી વધુની યાત્રા કરી લોકોને જાગૃત કરશે. તેમના જણાવ્યા મુજબ અત્યારે એટલું પ્રદૂષણ વધ્યું છે, કે માછલીના પેટમાંથી પણ પ્લાસ્ટિક નીકળે છે. અનેક જીવો લુપ્ત થતા જાય છે. માનવ જાત પણ લુપ્ત થશે, જો આપણ પર્યાવરણને નહિં બચાવીએ તો.
વડીલોનું કહેવું છે કે, સાશન-પ્રશાસન તો કરશે પણ આપણે પણ પર્યાવરણ બચાવવાનું કામ કરવાનું છે. સાયકલ ચલાવવાથી પોલ્યુશન થતું નથી અને હેલ્થ પણ સારી રહે છે.