હલ્દી કંકુનો કાર્યક્રમ યોજાયો નવસારી:લોકસભા ચુંટણી નજીક છે ત્યારે નવા વર્ષમાં મહારાષ્ટ્રીયન મહિલાઓ વચ્ચે યોજાતો હલ્દી કંકૂનો કાર્યક્રમ ભાજપના મોદી સમર્થક મહિલા મંડળ દ્વારા દર વર્ષે યોજાય છે. મહારાષ્ટ્રીયન સમાજમાં મહિલાઓ હલ્દી કંકુ ઉજવીને પોતાના પતિના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરતી હોય છે. નવસારીમાં કાર્યરત મોદી સમર્થક મહિલા મંડળ થકી દર વર્ષે નવસારીના વિજલપોર અને બીલીમોરા શહેરમાં હલ્દી કંકુનો કાર્યક્રમ યોજાય છે, પરંતુ આ વર્ષે લોકસભા ચુંટણીને ધ્યાને રાખી હલ્દી કંકુ કાર્યક્રમ નવસારીના કેન્દ્ર સમા ચીખલીમાં યોજવામાં આવ્યો હતો.
સી આર પાટીલની ઉપસ્થિતિમાં હલ્દી કંકુનો કાર્યક્રમ યોજાયો
ચીખલી ક્રિકેટ મેદાનમાં અંદાજે 3 હજારથી વધુ મહિલાઓ વચ્ચે યોજાયેલા આ કાર્યક્રમમાં નવસારીના સાંસદ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ તેમના ધર્મપત્ની ગંગાબેન પાટીલ સાથે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં લિંબાયત વિધાનસભાના ધારાસભ્ય સંગીતા પાટીલ સહિત નવસારી ભાજપના આગેવાનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સભામાં સંબોધનની શરૂઆતમાં સી. આર. પાટીલ હળવા મૂડમાં જોવા મળ્યા હતા.
અયોધ્યામાં ભગવાન શ્રી રામલલ્લાનાં દર્શને લઇ જવાની ખાતરી આપી
મંચસ્થ મહાનુભાવોનું નામ સંબોધતા સમયે તેમના પત્નીનું નામ લીધા બાદ, નામ તો લેવું જ પડે નહીં, તો શું થાય સમજો તો ખરા... ની રમૂજ કરતા સભામાં મહિલાઓ હસી પડી હતી. સાથે જ તેમણે દેશમાં મોદી સરકારે મહિલાઓને સક્ષમ બનાવી છે અને અનેક ક્ષેત્રોમાં મહિલાઓ હવે અગ્રેસર રહે છે. ત્યારે ઉપસ્થિત મહિલાઓને હરિદ્વાર બાદ હવે અયોધ્યામાં ભગવાન શ્રી રામલલ્લાનાં દર્શને લઇ જવાની ખાતરી આપી હતી.
- PM Modi In Jhabua: પીએમ મોદી એમપીના ઝાબુઆ પહોંચ્યા, 7550 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ
- Lok Sabha Election 2024: કોંગ્રેસ સાથે ગઠબંધનમાં મુશ્કેલી, કેજરીવાલે દિલ્હીની તમામ લોકસભા બેઠકો પર ચૂંટણી લડવાની કરી જાહેરાત