ગાંધીનગર: ગાંધીનગરમાં આજે કુટીર ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે ‘નવી કુટીર અને ગ્રામોદ્યોગ નીતિ-2024’ની જાહેરાત કરવામાં આવી છે. આ પ્રસંગે મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર હંમેશા છેવાડાના સામાન્ય માનવીને કેન્દ્રસ્થાને રાખીને નવી નીતિ બનાવે છે. નવી નીતિમાં સામાન્ય વ્યક્તિને વધુમાં વધુ ફાયદો થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે.
5 વર્ષમાં 8.75 લાખ નવી રોજગારીનું સર્જન
નવી કુટીર અને ગ્રામોદ્યોગ નીતિની વિગતો આપતા મંત્રી બળવંત રાજપૂતે કહ્યું કે, છેલ્લાં 5 વર્ષમાં આ ક્ષેત્રે 8.75 લાખ જેટલી નવી રોજગારીનું સર્જન થયું, જેને આગામી સમયમાં 12 લાખ સુધી પહોંચાડવાનું લક્ષ્યાંક છે. મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં વાજપાઈ બેંકેબલ યોજના હેઠળ લોનની મર્યાદા રૂ.8 લાખથી વધારીને રૂ.25 લાખ અને સબસિડીની મર્યાદા રૂ.1.25 લાખથી વધારીને રૂ. 3.75 લાખ કરાઈ છે.
રાજકોટ-વડોદરામાં યુનિટી મોલ શરૂ કરાશે
તેમણે ઉમેર્યું હતું કે, PM મોદીએ મોટા સાથે નાના ઉદ્યોગોના કારીગરોને ફાયદો થાય તેવી વ્યવસ્થા શરૂ કરી છે. આ વર્ષે અંદાજિત 150 જેટલાં મેળાઓ મારફતે કારીગરો દ્વારા ઉત્પાદિત ચીજોના વેચાણમાં વધારો થાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રાજ્યમાં સુરતમાં શરૂ કરાયેલ 'યુનિટી મોલ'ની જેમ રાજકોટ અને વડોદરા જેવા વિવિધ શહેરોમાં કારીગરો પોતાની પ્રોડક્ટ્સનું એક જ જગ્યાએથી વેચાણ કરી શકે એવી
લુપ્ત થતી કળાને બચાવવા સહાય અપાશે
વ્યવસ્થા કરવામાં આવશે. રાજ્ય સરકાર લુપ્ત થતી કળાઓ માટે રૂ.70,000ની સહાય અને પ્રોટોટાઈપ માટે મહતમ રૂ.20,000 સહાય આપશે. રાજ્ય સરકાર દ્વારા “વન ડીસ્ટ્રીક્ટ, વન પ્રોડક્ટ” ઉત્પાદન માટે નવા કારીગરોને જોડવાનું, ઈકોમર્સ પ્લેટફોર્મ પર વેચાણ માટે સહાય તથા ઉત્પાદનને વૈશ્વિક બજાર મળી રહે તે માટે પ્રોત્સાહન આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
તો રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, આ કારીગરોની ઉચ્ચ ગુણવત્તાયુક્ત પ્રોડક્ટ્સ ઝડપથી અને સહેલાઈથી મળી રહે તે માટે ઓનલાઈન નોંધણી કરવામાં આવે છે. ઓનલાઈન પ્લેટફોર્મ પર પાંચ હજાર કરતા વધારે રજીસ્ટ્રેશન થઈ ચૂક્યા છે તથા હજુ વધુ રજીસ્ટ્રેશન થાય તે માટે સતત પ્રયત્નો થઈ રહ્યા છે. ઓનલાઈન રજીસ્ટ્રેશનથી કારીગરો તેમની પ્રોડક્ટ્સનું ઘરે બેઠા દેશ-વિદેશમાં વેચાણ કરી શકાશે. રાજ્ય સરકારના સહયોગથી NID અને NIFT જેવી સંસ્થાઓ દ્વારા કારીગરોને તાલીમ પણ આપવામાં આવે છે, જેથી તેમની પ્રોડક્ટ્સ ઉચ્ચ ગુણવક્તાયુક્ત બનશે અને આ પ્રોડક્ટ્સ ખરીદવા પર ગ્રાહકોનો વિશ્વાસ વધશે. ‘લોકલ ફોર વોકલ’ને પ્રોત્સાહન આપવા આવનાર સમયમાં કોર્પોરેટ કંપનીઓને કારીગરો દ્વારા બનવવામાં આવતી વિવિધ પ્રોડક્ટ્સની વિસ્તૃત માહિતી સાથેનું કેટેલોગ બનાવવામાં આવશે, જેથી વધુમાં વધુ પ્રોડક્ટ્સ વહેંચી શકાય જેથી કારીગરોને સારો ફાયદો થઈ શકે તેમ.
હાથશાળ-હસ્તકલા ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કરનાર 11 કારીગરોને અપાયા ઈનામ
આ પ્રસંગે વર્ષ 2023ના હાથશાળ-હસ્તકલા ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કરનાર વિવિધ 11 કારીગરોને પુરસ્કાર-રોકડ ઈનામ આપીને સન્માનિત કર્યા હતા. આ ઉપરાંત નવીન પહેલના ભાગરૂપે ‘યુનિટી બેન્ડ’નું વિમોચન કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રીના ‘વોકલ ફોર લોકલ’ના મંત્રને અનુસરીને સુરત ખાતે તૈયાર કરાયેલ પી.એમ. એકતા મોલની વિગતો દર્શાવતી ફિલ્મ રજૂ કરવામાં આવી હતી. હાથશાળ-હસ્તકલા ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કરનાર કારીગરો દ્વારા તૈયાર કરાયેલા વિવિધ ઉત્પાદનોની પ્રદર્શની યોજવામાં આવી હતી.
આ પણ વાંચો:
- સૌરાષ્ટ્ર-કચ્છમાં PGVCLની ટીમનું વીજ ચેકિંગ, 1742 વીજ જોડાણો વિરુદ્ધ કાર્યવાહી કરી 5.74 કરોડના બીલ ફટકાર્યા
- અમદાવાદઃ હડપ્પા સંસ્કૃતિના કેન્દ્ર ગણાતા લોથલમાં ભેખડ ધસતા દિલ્હી IITની વિદ્યાર્થિનીનું મોત, બે મહિલા અધિકારી પૈકી એકનો બચાવ