તાપીઃ દક્ષિણ ગુજરાતના ગાઢ જંગલોમાં અનેક ઔષધીય મૂલ્યો ધરાવતા ફૂલ, છોડ,વેલા અને વૃક્ષો જોવા મળે છે. આમાનુજ એક બહેડાનું વૃક્ષ તાપી જિલ્લાના ઉનાઈ રેન્જના ઘાડ઼ જંગલમાં વસેલ ડોલવણ તાલુકાના ચૂનાવાળી ગામે આવેલ છે. આમ તો બહેડો જેને સંસ્કૃતમાં વીભીદક, હિન્દીમાં હલ્લા બહેડા, જ્યારે અંગ્રેજીમાં બેડડા નટ્સ તરીકે ઓળખવામાં આવે છે. જે સામાન્ય રીતે ભારતભરમાં જોવા મળે છે, પરંતુ તાપી જિલ્લાના ચૂનાવાળી ગામે આવેલા બહેડાના વૃક્ષની વિશેષતા એ છે કે આ વૃક્ષ દાયકાઓ જૂનું છે, કેટલાક રિપોર્ટ્સનું માનીએ તો વૃક્ષ 500 કરતા વધારે વર્ષ જુનુ છે. મતલબ કે તે ઘણા ઉતાર ચઢાવનું સાક્ષી બન્યું છે. આ વૃક્ષના થડને બાથમાં લેવા માટે એક બે નહીં પરંતુ ઓછામાં ઓછા આઠ માણસોની ફોજ જોઈએ છે.
બહેડાના વૃક્ષના ફૂલ, ફળ અને છાલનો ઔષધીઓ બનાવવામાં ઉપયોગ થાય છે. આ મહાકાય વૃક્ષમાં સ્થાનિકોની શ્રદ્ધા છે. તેઓ વૃક્ષની પૂજા કરે છે અને તેમાંથી મળતા ફળ, ફૂલ અને છાલનો ઔષધીય ઉપયોગ કરે છે. બહેડાના તોતિંગા વૃક્ષને જોવા પદમડુંગરી ઇકો ટુરિઝમ ખાતે આવતા સહેલાણીઓ દોડી આવતા હોય છે. સ્થાનિકો અને વન કર્મીઓનું માનવું છે કે, અહીં સ્થિત બહેડાનું આ મહાકાય વૃક્ષ આશરે 500 વર્ષ જૂનું છે. જેની ઊંચાઈ આશરે 90 ફૂટ જ્યારે તેનું થડ 8 મીટર 10 ઇંચ જેટલું જાડું છે.

એક અંદાજ મુજબ કોઈપણ વૃક્ષ સો વર્ષની આવરદા પુરી કરે તો તેના થડનો ઘેરાવો એક મિટર જેટલો વધતો હોય છે, એ મુજબ અહીં સ્થિત બહેડાના ઝાડના થડનો ઘેરાવો 8 મીટર 10 ઇંચનો હોય, જેથી તે એક અંદાજ મુજબ 500 વર્ષ કરતા પણ જૂનું ઝાડ હોવાની શક્યતા છે. લોકોની માન્યતા પ્રમાણે બહેડાના ઔષધીય ગુણોની વાત કરીએ તો વાત, પીત્ત અને કફના રોગોમાં તે ફાયદાકારક છે. બહેડાના ફળનું તેલ વાળ માટે ગુણકારી છે. આંખો માટે અને લોહીની ઉણપ દૂર કરવામાં, ડાયાબિટીસ, ડાયેરિયા, ટાઇફોઇડ, નપુંસકતા અને ચામડી સંબંધી રોગો માટે આ ઝાડ જડીબુટ્ટી પ્રદાન કરે છે.

તાપી જિલ્લાના વન અધિક્ષક પુનિત નૈયરએ માહિતી આપતા જણાવ્યું હતું કે, જંગલ વિસ્તારની પાસે એક બહેડાનું બહુ જૂનું વૃક્ષ આવેલું છે. જેની અંદાજિત જાડાઈ 8 મીટર છે. અને તેની હાઇટ 80 થી 90 ફૂટ હશે. તો અત્રેનું માનવું છે કે લગભગ વૃક્ષની 300 થી 350 વર્ષની ઉંમર હશે. આ વિસ્તારમાં બહેડાનું આટલું મોટું વૃક્ષ બહુ રેર છે અને બહેડાની વાત કરીએ તો તે આયુર્વેદિક મેડિસીનમાં તેનો બહુ ઉપયોગ થાય છે. હૃદય રોગ હોય, ડાયજેસનને સબંધીત હોય કે પછી ઈમ્યુનીટી વધારવા માટે બહેડાનો ઉપયોગ થાય છે. બીજી ઘણી બધી આયુર્વેદિક મેડિસનમાં તેનો ઉપયોગ થતો હોય છે.

