ETV Bharat Gujarat

ગુજરાત

gujarat

ETV Bharat / state

A Historic Resolution: ગુજરાત વિધાનસભામાં ઐતિહાસિક સંકલ્પ પ્રસ્તાવ પસાર, વડા પ્રધાન મોદીને ગૃહે પાઠવ્યા અભિનંદન - Ayodhya Ram Mandir

મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે પ્રભુ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા કરાવીને કરોડો હિન્દુઓની આસ્થા અને શ્રદ્ધાને વધુ બળવત્તર કરવા બદલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવતો સંકલ્પ પ્રસ્તાવ વિધાનસભા ગૃહમાં રજૂ કર્યો હતો. અયોધ્યામાં રામ મંદિર અને પ્રભુ શ્રી રામની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠાના સાક્ષી બનવાનું સૌભાગ્ય વડાપ્રધાન મોદીએ અપાવ્યું છે. વિધાનસભા ગૃહમાં આ સંકલ્પ સર્વાનુમતે પસાર થયો હતો. Gujatar Legislative Assembly A Historic Resolution Thanking PM Modi

ગુજરાત વિધાનસભામાં ઐતિહાસિક સંકલ્પ પ્રસ્તાવ પસાર
ગુજરાત વિધાનસભામાં ઐતિહાસિક સંકલ્પ પ્રસ્તાવ પસાર
author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 5, 2024, 9:32 PM IST

ગાંધીનગરઃ આજે ગુજરાત વિધાનસભા ગૃહમાં ઐતિહાસિક સંકલ્પ પ્રસ્તાવ પસાર થયો. આ સંકલ્પ પ્રસ્તાવમાં વડા પ્રધાન મોદીને ખાસ અભિનંદ પાઠવવામાં આવ્યા. જેમાં અયોધ્યામાં રામ મંદિરમાં ભગવાન રામચંદ્રજીની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠાને એક સહસ્ત્રાબ્દી સુધી યાદ રહે એવું ઐતિહાસિક સાંસ્કૃતિક દાયિત્વ ગણાવી મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલે સંકલ્પ પ્રસ્તાવ રજૂ કર્યો. ગૃહમાં આ સંકલ્પ સર્વાનુમતે પસાર થયો હતો.

હોલિસ્ટિક ડેવલપમેન્ટને નવી દિશાઃ મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલે 22મી જાન્યુઆરીના રોજ થયેલ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરીને વડા પ્રધાને દેશના અન્ય મહત્વપૂર્ણ યાત્રાધામોના હોલિસ્ટિક ડેવલપમેન્ટની નવી દિશા આપી હોવાનું જણાવ્યું હતું. એક ભારત - શ્રેષ્ઠ ભારતના મંત્ર સાથે દેશભરમાં સાંસ્કૃતિક અને ધાર્મિક નવજાગરણની સંસ્કૃતિ વડા પ્રધાને વિકસાવી છે. સર્વાંગી વિકાસ જેમાં દરેક પરિવારને પાકી છત, પોષણ અને આરોગ્ય સુખાકારી, હર ઘર જલ અને ઘર ઘર વીજળીની સમૃદ્ધિની વડા પ્રધાનની ગેરંટી એ રામરાજ્યની નિશાની છે. મુખ્ય પ્રધાને આનંદ અને ગૌરવની લાગણી સાથે ઐતિહાસિક ઠરાવ રજૂ કરતા કહ્યું હતું કે, ૫૦૦થી વધુ વર્ષથી પ્રતીક્ષા કરનાર ભક્તિમય હિન્દુ સમાજ વડા પ્રધાનને કારણે પ્રભુ શ્રી રામને અયોધ્યામાં ભવ્ય મંદિરમાં પ્રતિષ્ઠિત કરી શક્યો છે. ૨૨મી એ અભિજીત મુહૂર્તમાં ગુજરાતના જ સુપુત્ર અને આ સભાગૃહના સન્માનનીય ભૂતપૂર્વ નેતા નરેન્દ્ર મોદીએ રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી ત્યારે ગુજરાતની પ્રજા એ ક્ષણે ભાવવિભોર બની ગઈ હતી તેમજ ગુજરાતીઓ માટે ગૌરવ અને સન્માન વધારનારી ક્ષણ હતી.

વડા પ્રધાને 11 દિવસના અનુષ્ઠાન કર્યાઃ સદીઓથી લાખો સંસ્કૃતિ ભક્તોએ બલિદાનો આપ્યા તેના પરિણામે બંધારણીય માર્ગે અયોધ્યામાં રામમંદિરનું પુનર્નિમાણ કરી શક્યા છીએ. જે એક સુદીર્ઘ ચાલેલા જનજાગૃતિના મહાઅભિયાનનું પરિણામ છે. આ સમગ્ર કાળખંડમાં ત્યાગ અને બલિદાનની પરંપરા રચનારા સૌ રામભક્તોનું આ વેળાએ આદરપૂર્વક સ્મરણ કરવામાં આવ્યું હતું. મુખ્ય પ્રધાને જણાવ્યું કે, નરેન્દ્ર મોદી ૧૪૦ કરોડ ભારતવાસીઓના શ્રદ્ધાકેન્દ્ર એવા રામલલ્લાના પરમ ભક્ત છે, ભારતની શાશ્વત અને શ્રેષ્ઠ ભારતીય સંસ્કૃતિના મોદી એક મનીષિ કહી શકાય એવા પ્રતિનિધિ છે. જ્યારે અયોધ્યા તીર્થધામમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવા માટે આવશ્યક એવી તપશ્ચર્યા કરવાની હતી અને વ્રત રાખવાનું હતું ત્યારે વડા પ્રધાન મોદીએ ૧૧ દિવસ અનુષ્ઠાન કર્યુ હતું. તેમની આ સંસ્કૃતિભક્તિ અને ભક્તિપરાયણતાથી ભારતના કરોડો લોકો શ્રધ્ધા અને ભક્તિથી ગૌરવ અનુભવે છે.

ઐતિહાસિક સાંસ્કૃતિક દાયિત્વઃ ગુજરાત વિધાનસભાએ નરેન્દ્ર મોદીને આ સહસ્રાબ્દીઓ સુધી યાદ રહે તેવું ઐતિહાસિક સાંસ્કૃતિક દાયિત્વ નિભાવવા બદલ અભિનંદન પાઠવ્યા. મુખ્ય પ્રધાને જણાવ્યું કે, અયોધ્યામાં રામ મંદિર અને રામચંદ્ર ભગવાનની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠાના સાક્ષી બનવાનું સૌભાગ્ય વિશ્વનેતા આદરણીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અપાવ્યું છે. તેમણે ભગવાન રામચંદ્રજી અને અયોધ્યા નગરીની પુરાતન ભવ્યતા અને ઇતિહાસનો અંદાજ વર્તમાન અને આવનારી પેઢીને આવે તે માટે ગૃહમાં ઐતિહાસિક અયોધ્યાનગરીના ઇતિહાસનો ઉલ્લેખ કર્યો હતો. આ અંગે તેમણે કહ્યું કે, ઇક્ષ્વાકુ વંશના ૬૫માં વંશજ પ્રભુ શ્રીરામના જીવનની કથા ભારતભૂમિના પ્રત્યેક ઘરમાં જાણીતી છે. રામચંદ્રજીની આ અયોધ્યા નગરી મૂળ રૂપે મંદિરોની નગરી હતી.

in article image
વડા પ્રધાન મોદીને ગૃહે પાઠવ્યા અભિનંદન

અપાર સંઘર્ષઃ રામ મંદિરના નિર્માણ પાછળ થયેલા અપાર સંઘર્ષને મુખ્ય પ્રધાને યાદ કર્યો હતો. તેમણે કહ્યું કે, આ જ રામ મંદિરના નિર્માણ માટે ત્રણ-ત્રણ ધર્મ પરિષદ યોજાઈ, શિલા પૂજન કાર્યક્રમ અને કારસેવાનું આહવાન થયું હતું. જનજાગરણ માટે રામજાનકી રથમાં મહંત અવૈદ્યનાથની આગેવાનીમાં સીતામઢીથી અયોધ્યા માટે ધર્મયાત્રા નીકળી હતી. આઝાદ ભારતમાં રામ મંદિર માટેનું આંદોલન કરનારી સૌ પ્રથમ રાજકીય પાર્ટી ભારતીય જનતા પાર્ટી છે. અયોધ્યામાં અરણી મંથનથી અગ્નિ પ્રગટાવ્યો તેને રામ જ્યોતિ નામ આપીને આ જ્યોતિ ભારતના પ્રત્યેક ગામડા સુધી લઈ જવાઈ હતી. તેમજ ૧૯૯૦માં પ્રથમ કાર સેવા થઈ, તે સમયે કારસેવકોએ ગુંબજ ઉપર ભગવો ધ્વજ લહેરાવ્યો હતો અને ૧૯૯૨માં ‘ગીતા જયંતી’ના દિવસે કારસેવાનો પુનઃ આરંભ થયો, જેમાં બાબરી ધ્વંશ થયો હતો. રામભક્તોએ પાંચ ફિટ ઊંચી અને પચ્ચીસ ફિટ લાંબી દીવાલો ચણી, જેમાં અસ્થાયીરૂપે પ્રભુ શ્રી રામ બિરાજ્યા હતા. અત્યાર સુધી સૌ શ્રદ્ધાળુઓએ જે તંબુમાં રામલલ્લાના દર્શન કર્યા તે સ્થાન ૧૯૯૨માં અસ્તિત્વમાં આવ્યું હતું.

મહાનુભાવોનું માર્ગદર્શનઃ મુખ્ય પ્રધાને રામ મંદિર સંઘર્ષમાં મહાનુભાવોએ આપેલા માર્ગદર્શનને યાદ કર્યુ હતું. જેમાં દેવરહા બાવાજી, અભિરામદાસજી મહારાજ, રામચંદ્રજી મહારાજ, કે. કે. નાયર, ઠાકુર ગુરુદત્ત સિંહ, ગોપાલસિંહ વિશારદ, મહંત અવૈદ્યનાથ મહારાજ, શ્રી ઔકાર ભાવે, દેવકીનંદન અગ્રવાલ, શિવરામ આચાર્યજી, સ્વામી શતાનંદ સરસ્વતીજી, જગતગુરુ માધવાચાર્યજી, વિષ્ણુહરી દાલમીયા, સ્વામી રામદેવજી, પૂજ્ય શ્રી સત્યમિત્રાનંદજી, સંઘના તૃતીય સરસંઘચાલક શ્રી બાલા સાહેબ દેવરસજી, શ્રી મોરાપંત પીંગળે-સંઘ પ્રચારક, સંઘના ચોથા સરસંઘચાલક શ્રી રજ્જુ ભૈયાજી, આચાર્ય ગિરિરાજ કિશોરજી, રાજમાતા વિજયારાજે સિંધિયા, શ્રી અશોક સિંઘલનો સમાવેશ થાય છે. આ મહાનુભાવોએ માર્ગદર્શન ઉપરાંત પ્રાણોની આહૂતિ કે વૈચારિક યોગદાન, સમયનું યોગદાન, આર્થિક યોગદાન આપ્યું હતું.

વડા પ્રધાન મોદીનું યોગદાનઃ સોમનાથ મહાદેવના આશિષ લઈને ૧૯૯૦ની ૨૫મી સપ્ટેમ્બરે ભારતીય જનતા પાર્ટીના તત્કાલીન રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી નરેન્દ્ર મોદીએ સોમનાથથી અયોધ્યા સુધી રથયાત્રાનો પ્રારંભ કર્યો હતો. ૧૦ હજાર કિલોમીટરના પ્રવાસ બાદ આ યાત્રા અયોધ્યા પહોંચવાની હતી.૨૦૧૪માં આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના સુદીર્ઘ નેતૃત્વમાં કેન્દ્રમાં ભાજપાની સરકાર બની, દેશમાં કાયદો અને વ્યવસ્થાનો માહોલ સુનિશ્ચિત થયો. ૯ નવેમ્બર ૨૦૧૯માં આદરણીય સુપ્રીમ કોર્ટ દ્વારા રામ જન્મભૂમિનો ઐતિહાસિક ચુકાદો આવ્યો હતો. ઓગષ્ટ-૨૦૨૦માં રામ મંદિરનું ભૂમિ પૂજન તેમના હસ્તે થયું અને તેના માટે ૧૫૦૦થી વધુ સ્થળોની માટી, ૧૦થી વધુ પ્રવિત્ર નદીઓના જળથી આ રામ મંદિરનો પાયો સિંચવાની પ્રેરણા તેમણે આપી હતી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ૧૪ જાન્યુઆરી ૨૦૨૧થી ૧૭ ફેબ્રુઆરી ૨૦૨૧ સુધી સમગ્ર દેશમાં નિધિ સમર્પણ અભિયાન યોજાયું હતું. ૪૦ લાખ સમર્પિત કાર્યકર્તાઓના માધ્યમથી ૪૪ દિવસના અભિયાનમાં રૂપિયા ૨૧૦૦ કરોડ એકત્રિત થયા અને પ્રતિષ્ઠાની તારીખ નક્કી કર્યા બાદ સમગ્ર દેશમાં ૧ જાન્યુઆરી ૨૦૨૪ થી ૧૫ જાન્યુઆરી ૨૦૨૪ સુધી ઘર ઘર સંપર્ક દ્વારા અક્ષત અને કળશના કાર્યક્રમો થયા હતા તેનો પણ ઉલ્લેખ કર્યો હતો. રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વે તેમણે શાસ્ત્રોક્ત વિધિ-વિધાન રૂપે તપ-સાધનાની આરાધના અને અનુષ્ઠાન કર્યાં. ૧૧ દિવસ અનશન, ભોંય પર સૂઈ જવું, પ્રભુ શ્રીરામ દક્ષિણના જે સ્થાનોને પોતાના પદચિન્હોથી પાવન કર્યા તે તમામ સ્થાન ઉપર દર્શન કરી ધન્ય થયા. તેઓએ ગુરુવાયુર, શ્રીરંગમ, રામેશ્વર જેવા તીર્થોનું પરિભ્રમણ કર્યું હતું. ત્યારબાદ ૨૨ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ ૫૦૦ વર્ષના સંઘર્ષ પછી અભિજાત નક્ષત્રમાં પ્રભુ શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે સંપન્ન થઈ.

અન્ય યાત્રાધામોઃ દેશના અન્ય યાત્રાધામોનો પણ વિકાસ થઈ રહ્યો હોવાનું મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલે જણાવ્યું. જેમાં કાશી વિશ્વનાથ કોરિડોર, મહાકાલેશ્વર મંદિર પરિસરનો વિકાસ કે બાબા કેદારનાથ ધામમાં અનેક યાત્રી સુવિધાઓ, આદ્યશક્તિ અંબાજી શક્તિપીઠનો સર્વાંગી વિકાસ અને મહાકાલી ધામ પાવાગઢમાં સૈકાઓ પછી થયેલું ધ્વજારોહણનો સમાવેશ થાય છે.

રામ મંદિર અને ગુજરાત કનેકશનઃ મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલે રામ મંદિરની અનેક ચીજ વસ્તુઓ ગુજરાતમાં નિર્માણ પામ્યાનું ગૌરવ પણ લીધું હતું. જેમાં અયોધ્યાના રામ મંદિર માટેનો સાડા પાંચ હજાર કિલોનો ધ્વજ સ્તંભ તેમના મતવિસ્તારમાં બન્યો છે. મંદિરના કપાટ માટેના બે કિલોથી લઇને ૩૬ કિલોના કડા પણ ગુજરાતમાં બન્યા છે. અયોધ્યા રામમંદિરમાં જે નિત્ય દિવ્ય નાદ ગજવશે એ નગારું ગુજરાતના ડબગર સમાજે તૈયાર કર્યું છે. પ્રભુ શ્રી રામને જે બાણ અર્પણ થયું છે તે પણ ગુજરાતમાં બન્યું છે. શ્રી રામચંદ્રજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે દેશભરમાં દિવાળી જેવો માહોલ રચાયેલો અને દીપમાળાના અજવાળા રેલાયાં હતા તેનો વિશેષ ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીશ્રીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની કાવ્યપંક્તિઓ ટાંકી હતી.

પ્રજા વત્સલ વડા પ્રધાનઃ મુખ્ય પ્રધાને વડા પ્રધાન મોદીએ દેશની જનતાની કઈ રીતે સેવા કરી છે તે જણાવતા કહ્યું કે, ૨૦૧૯માં બીજી વખત દેશના વડા પ્રધાનનો પદભાર નરેન્દ્ર મોદીએ સંભાળ્યા પછી કોરોનાની ભયંકર મહામારી વખતે વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન તેમના નેતૃત્વમાં ચાલ્યું. દુનિયાની સૌથી મોટી હેલ્થ ઇન્સ્યોરન્સ સ્કીમ- આયુષ્માન ભારત યોજના તેમણે આપી છે. દેશના કરોડો ખેડૂતોને કિસાન સન્માન નિધિ આપીને જગતના તાતને ગૌરવ આપ્યું છે. ભારતમાં મોટા પાયે રોડ-રસ્તા-બ્રીજ બની રહ્યા છે, રેલવે અને એર-વે સહિત કનેક્ટીવિટીના કામ થઇ રહ્યા છે તે વડા પ્રધાનના વિઝનને આભારી છે. વડાપ્રધાનના દિશાદર્શનમાં ભારતે જી-ટ્વેન્ટીની પ્રેસિડેન્સીથી ભારતની ક્ષમતા, ભારતનું ગૌરવ વિશ્વ સમક્ષ ઉજાગર કર્યું છે. ચંદ્રયાન-થ્રી અને આદિત્ય એલ-૧ની ભવ્ય સફળતાથી ભારતના સ્પેસ પ્રોગ્રામને નવું બળ મળ્યું છે. આવાં અનેક પગલાંઓને પરિણામે વડા પ્રધાન મોદીના સુશાસનને લોકોએ જનકલ્યાણ અને વિકાસની ગેરંટી તરીકે અને રામરાજ્યના પગરણ તરીકે નવાજ્યું છે. કેન્દ્ર સરકારે તાજેતરમાં ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિના ઉત્કર્ષને લક્ષ્યમાં રાખીને ઇન્ટરીમ બજેટ રજુ કર્યું છે તે સંદર્ભમાં નારી શક્તિ અંગેના વડાપ્રધાનના પ્રયાસોને બિરદાવ્યાં હતા.

સ્વ. હીરાબાને યાદ કરાયાઃ મુખ્ય પ્રધાને જેમની કૂખે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મ થયો, એવા સ્વર્ગસ્થ પૂજ્ય હીરાબાને પણ આ પ્રસ્તાવ દરમિયાન વિધાનસભા ગૃહમાં પ્રસ્તુત કરતાં યાદ કર્યા હતા. તેમણે પૂજ્ય હીરાબાને વંદન કરતા કહ્યું હતું કે, ઈશ્વરે મહાન પ્રતાપી પુરુષના જન્મ માટે કૃપાપાત્ર બનાવી ધન્ય કર્યા છે તેમજ પ્રભુ શ્રી રામે નરેન્દ્ર મોદીને પ્રાણ પ્રતિષ્ઠાની ઐતિહાસિક અને અનમોલ ભેટ દેશને આપવા નિમિત્ત બનાવ્યા છે.

સર્વાનુમતે સંકલ્પ પ્રસ્તાવ પસારઃ ગૃહના નેતા અને મુખ્ય પ્રધાન ભૂપેન્‍દ્ર પટેલના આ પ્રસ્તાવને વિપક્ષના વરિષ્ઠ ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા, ભાજપાના ધારાસભ્યો અમિત ઠાકર, અનિરુદ્ધ દવે, મહેશ કસવાલા, સંગીતા પાટીલ, મનિષા વકીલ સહિત અન્ય સભ્યઓએ સમર્થન કર્યું હતું. વિધાનસભા ગૃહમાં આ સંકલ્પ સર્વાનુમતે પસાર થયો હતો.

  1. Gandhinagar News : ગુજરાત વિધાનસભામાં 14 સમિતિઓની રચના કરાઈ, 6 સમિતિઓમાં એક એક સભ્યની નિમણૂક બાકી રાખી
  2. Gujarat Assembly Budget Session: મોઢવાડિયાએ કુદરતી-અકુદરતી રીતે મૃત્યુ પામેલ વન્ય પ્રાણીઓનો માંગ્યો રિપોર્ટ

ABOUT THE AUTHOR

...view details