ગાંધીનગર:સામાન્ય રીતે ભાદરવા મહિનામાં ચોમાસું વિદાય લેતું હોય છે. વરસાદનું જોર પણ ઓછું થતું જાય છે. પરંતુ આ વખતે પાંચ ઓક્ટોબર બાદ પણ વરસાદ ધોધમાર બેટિંગ કરી રહ્યો છે. તે ઉપરાંત હવામાન નિષ્ણાતો દ્વારા પણ ત્રણથી પાંચ ઓક્ટોબર દરમિયાન રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં ચોમાસાનો છેલ્લા રાઉન્ડનો વરસાદ પણ જામ્યો છે.
છેલ્લા બે દિવસથી અમદાવાદ, વડોદરા અને સુરતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આ વરસાદને કારણે ગરબા ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ ગયા છે. તે ઉપરાંત ગ્રાઉન્ડમાં મંડપ લાઇટિંગ ડેકોરેશન શણગાર સહિતની કામગીરીમાં વિક્ષેપ ઊભો થઈ રહ્યો છે. નવરાત્રિના આયોજકોના મનમાં વરસાદને લઈને અસમંજસની સ્થિતિ છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી (Etv Bharat Gujarat) ગ્રાઉન્ડમાં શોર્ટ સર્કિટની સંભાવના: નવરાત્રિ દરમિયાન જો વધુ વરસાદ પડે તો નવરાત્રિના મોટા આયોજનો રદ થાય તેવી પણ સંભાવના છે. કારણ કે નવરાત્રિના મોટાભાગના આયોજનો ખુલ્લા આકાશવાળા ગ્રાઉન્ડમાં થાય છે. ખૂબ ઓછા નવરાત્રિ આયોજનો ડોમમાં થાય છે. તેથી તે ખૂબ મોંઘા પડતા હોય છે. વરસાદને કારણે ગ્રાઉન્ડમાં શોર્ટ સર્કિટની પણ સંભાવના રહેલી છે. કારણ કે નવરાત્રિમાં ગ્રાઉન્ડમાં લાઈટીંગ અને સાઉન્ડમાં હાઈ વોલ્ટેજનો ઉપયોગ થાય છે.
ગરબા આયોજકોએ ઈમરજન્સીમાં બેઠક બોલાવી નવરાત્રિ દરમિયાન જો વરસાદ પડે તો શું વ્યવસ્થા કરી શકાય તે અંગે પણ ચર્ચા કરી હતી. જો વરસાદ પડે તો મેદાનમાંથી કેવી રીતે પાણી કાઢી શકાય અને ડ્રેનેજની વ્યવસ્થા કેવી રીતે ઊભી કરી શકાય તે પણ વિચાર્યું છે. પાણીને બહાર કાઢવા માટે સ્પંજ અને પંપની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
અંબાલાલ પટેલની આગાહી: હવામાનની આગાહી કરનાર અંબાલાલ પટેલનો અંદાજ છે કે હસ્ત નક્ષત્રના અલગ-અલગ ભાગોમાં 27 સપ્ટેમ્બર અને 5 ઓક્ટોબર વચ્ચે સામાન્ય વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે. નવરાત્રિ દરમિયાન હાથિયો અને ચિત્રા નક્ષત્રમાં ગાજવીજ સાથે ભારે વરસાદની સંભાવના છે. અંબાલાલ પટેલે એવી પણ આગાહી કરી છે કે ખાસ કરીને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોમાં ક્યારેક ક્યારેક વરસાદ પડી શકે છે. વડોદરા અને પંચમહાલ પર પણ તેની મોટી અસર જોવા મળી રહી છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં મહેસાણા અને બનાસકાંઠાનો પણ વારો આવી શકે છે.
આ પણ વાંચો:
- ચોમાસાની વિદાય વચ્ચે રાજ્યમાં વરસાદની આગાહી, આ દિવસે છે રાજ્યમાં રેડ અને ઓરેંજ એલર્ટ, જાણો... - Gujarat weather update
- ખેડામાં વરસાદી માહોલ, પાકને નુકસાન થવાની ભીતિથી ખેડૂતો ચિંતિત - RAIN IN KHEDA