ગાંધીનગર :રાજ્યમાં 24 કલાક દરમિયાન મોરબીના ટંકારા તાલુકામાં સૌથી વધુ 14 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. ચરોતર વિસ્તારમાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. સમગ્ર આણંદ જિલ્લામાં ગત 24 કલાકમાં રાજ્યનો સૌથી વધુ 10 ઇંચ તથા ખેડામાં 8 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન મોરબીના ટંકારા તાલુકામાં સૌથી વધુ 14 ઇંચ, જ્યારે પંચમહાલના મોરવા (હડફ) તેમજ ખેડાના નડિયાદ તાલુકામાં 13 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે.
ચરોતરમાં ચારેકોર પાણી:રાજ્યના ચરોતર વિસ્તાર એટલે કે, સમગ્ર આણંદ જિલ્લામાં પણ ગત 24 કલાકમાં રાજ્યનો સૌથી વધુ 10 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. સાથે જ પંચમહાલ જિલ્લામાં 9 ઇંચ, જ્યારે ખેડા અને મોરબી જિલ્લામાં 8 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત સવારે 6:00 થી 10:00 કલાક સુધીમાં રાજકોટના લોધિકા અને રાજકોટ તાલુકામાં સૌથી વધુ 5 ઇંચ વરસાદ વરસ્યો છે.
વાંકાનેરમાં સૌથી વધુ વરસાદ:સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગર તરફથી મળેલા અહેવાલ અનુસાર છેલ્લા 24 કલાકમાં આણંદના બોરસદ, ખંભાત, તારાપુર અને આણંદ તાલુકા તથા વડોદરાના પાદરા અને વડોદરા તાલુકા તથા પંચમહાલના ગોધરામાં અને મોરબીના વાંકાનેર તાલુકામાં 12 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. સાથે જ આણંદના સોજીત્રા અને પેટલાદ, કચ્છના માંડવી અને નખત્રાણા, ખેડાના વાસો, મહીસાગરના બાલાસિનોર તેમજ દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા તાલુકા ઉપરાંત મોરબી અને રાજકોટ તાલુકામાં 9 ઈંચથી વધુ વરસાદ થયો છે.