ગાંધીનગરઃ લોકસભાના પરિણામ બાદ ભાજપમાં નવા જૂનીના એંધાણ જોવા મળી રહ્યા હતા. એવામાં હાલ રાજકારણનાં સૌથી મોટા સમાચાર જૂનાગઢથી સામે આવી રહ્યા છે. લોકસભા ચૂંટણીના પરિણામો આવી જતા ગુજરાતના રાજકારણમાં હલચલ તેજ થઈ છે. ચૂંટણીના હિસાબ કિતાબ પતાવવા માટે નેતાઓ સામ સામે આક્ષેપો કરી રહ્યા છે. વિરોધી નેતાનો હિસાબ કિતાબ જોઈ લેવા માટે પડકાર ફેંકી રહ્યા છે. જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાએ ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધ કામ કરનાર નેતાઓને "હિસાબ" કરી લેવાની ચીમકી આપી હતી. તેવી જ રીતે ભાજપના પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડાએ પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાને ખુલ્લી ચેલેન્જ આપી છે.
જવાહર ચાવડાનો વિડીયોઃ જવાહર ચાવડાએ પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમને પોતાની પાછળ વ્હાઇટ બોર્ડમાં ચોંટાડેલું ભારતીય જનતા પાર્ટીનું પોસ્ટર ઉતારીને જણાવ્યું કે, નમસ્કાર મનસુખભાઈ માંડવીયા આપને નહીં ધ્યાનમાં હોય કે મારી ઓળખ આ હતી. તેમણે પોસ્ટરની પાછળ મશાલા લઈને ઉભેલો યુવાનનું ચિત્ર તરફ ઈશારો કરી જણાવ્યું કે દસ વર્ષ દરમિયાન માણાવદર અને વંથલીના ખેડૂતો ખાતર પ્રશ્ન હોય, બિયારણના પ્રશ્નો હોય, ધોવાણના પ્રશ્ન હોય, પાક વીમાના પ્રશ્ન હોય, તમામ પ્રશ્ન મેં ઉઠાવ્યા છે. અમારા વિસ્તારનો સૌથી મોટો ખેડૂતનો પ્રશ્ન ડાર્ક ઝોનનો હતો. ડાર્ક ઝોન વિરુદ્ધ મુવમેન્ટ મેં 3 વર્ષ ઉઠાવી હતી. તેથી સરકારે ડાર્ક ઝોન પાછો ઉઠાવ્યો હતો. 600 કરોડનું જૂનાગઢમાં પાછા લાવવાનું અભિયાન મેં ચલાવ્યું હતું. જૂનાગઢમાં લોકશાહી બચાવો અભિયાન મેં ચલાવ્યું હતું. જૂનાગઢના ગરીબો વંચિતો માટે બીપીએલ સહાયતા અભિયાન ચલાવ્યું હતું. સોમનાથ, જુનાગઢ, પોરબંદર, રાજકોટમાં પાંચ થી છ જિલ્લામાં 21 તાલુકામાં આ અભિયાન ચલાવ્યું હતું. તે હેઠળ 75 હજારથી વધુ ગરીબોને બીપીએલના કાર્ડ આપ્યા હતા. આ મારું કામ હતું. આ મારી ઓળખ હતી. તેની ઉપર ભાજપે પોતાની ઓળખ લગાડે છે. આટલી હિંમત, તાકાત અને તેવડ તમારામાં હોત તો ચૂંટણી પહેલા કે ચૂંટણી દરમિયાન બોલવાની જરૂર હતી. જવાહર ચાવડા નો આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો જોઈને લોકોએ કોમેન્ટ્સનો મારો કર્યો છે.
મનસુખ માંડવીએ શું કીધું હતું?: થોડા દિવસ પહેલા જૂનાગઢના માણાવદર વિધાનસભા અને પોરબંદર લોકસભા વિસ્તારમાં આવતા વંથલીમાં ભાજપનો ઋણ સ્વીકાર કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ આડતરી રીતે જવાહર ચાવડા પર નિશાન ટાંક્યું હતું. તેમણે ઈશારા ઈશારામાં જવાહર ચાવડા પર કટાક્ષ કરી જણાવ્યું કે, જે નેતાઓ પોતાના નામ પાછળ ભાજપ લગાડતા હોય તેમણે ભાજપનું કામ કરવું જોઈએ. કેટલાક રિસાયા તો મેં આગેવાનોને કહ્યું કે શું કરીશું? આગેવાનોએ એકી અવાજે કહ્યું કે "લડી લઈશું" તમે બધાએ લડી લીધું છે દોસ્તો.....
હવનમાં હાડકા નાખ્યાઃ આ કાર્યક્રમમાં સાવજ ડેરીના ચેરમેન દિનેશ ખાટરીયાએ જણાવ્યું કે, આ વિધાનસભા ચૂંટણીમાં અસુરી શક્તિઓએ હવનમાં હાડકા નાખવાનો પ્રયાસ કર્યો છે. જેને લોભ અને લાલચ પણ આપવામાં આવી છતાં પણ એક કાર્યકર્તા ડગ્યો નથી. ત્યારે કાર્યકર્તાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. સાહેબના નેચરના વિરોધમાં જઈને પણ અમે શામ, દામ, દંડ, ભેદની નીતિ અપનાવીને દરેક કાર્યકર્તા અને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે.
જવાહર ચાવડા કોંગ્રેસમાં ઘર વાપસી કરશે કે નહીં ?: ભાજપના પૂર્વ ધારાસભ્ય જવાહર ચાવડા નવા જુની કરે તેવી સંભાવના છે. તેમણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી ભાજપનો સીમ્બોલ હટાવ્યો છે અને ભાજપની તમામ પોસ્ટ હટાવી દીધી છે. જવાહર ચાવડા છેલ્લા ઘણા સમયથી ભાજપથી નારાજ હતા. ગત લોકસભા અને માણાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં પણ તેઓ નીષ્ક્રીય રહ્યા હતા. ભાજપના પૂર્વ મંત્રી જવાહર ચાવડાના કારણે રાજકારણમાં અનેક ચર્ચાઓ શરૂ થઈ છે.
સમગ્ર ચૂંટણી દરમિયાન ગેરહાજર: જવાહર ચાવડાનું અચાનક આ પ્રકારનું વર્તન કોઈ નવી વાત નથી કારણ કે, લોકસભાની ચૂંટણી સમયે જ તેઓ ભાજપના એકપણ કાર્યક્રમમાં દેખાયા ન હતા. માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા એ દિવસે વંથલી ખાતે સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં પણ જવાહર ચાવડાની સૂચક ગેરહાજરી જોવા મળી હતી. જે બાદ જવાહર ચાવડા ફરી કોંગ્રેસમાં ઘરવાપસી કરશે તેવી અટકળો ચાલી રહી હતી. આ સિવાય જવાહર ચાવડાએ પોતાનાં પત્ની અને પુત્ર મારફતે ભાજપના વિધાનસભા બેઠકની પેટાચૂંટણીના ઉમેદવાર અરવિંદ લાડાણીને હરાવવા કામ કર્યુ હોવાની સત્તાવાર ફરિયાદ અરવિંદ લાડાણી દ્વારા કરવામાં આવી હતી.
સી આર પાટીલને કરાઈ હતી ફરિયાદઃ માણાવદરની વિધાનસભા પેટા ચૂંટણી અને લોકસભા ચૂંટણી દરમિયાન ભાજપના ઉમેદવાર અરવિંદ લાડાણીએ જવાહર ચાવડા અને તેમના પરિવાર વિરુદ્ધ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલને લેખિતમાં ફરિયાદ કરી હતી. માણાવદરથી ધારાસભ્ય અરવિંદ લાડાણીએ પોતાની લેખિત ફરિયાદમાં લખ્યું કે 11 પોરબંદર લોકસભા ચૂંટણી અને 85 માણાવદર વિધાનસભા ચૂંટણીમાં છેલ્લા દિવસોમાં માજી કેબિનેટ મંત્રી જવાહર ચાવડા દ્વારા તેમના દીકરા તથા પત્નીને આગળ રાખી માણાવદર શહેરમાં તારીખ 4- 5-2024ના રોજ તેમની નૂતન જિનિંગ મિલ ફેક્ટરીમાં 700 થી 800 કાર્યકર્તાઓ સાથે મિટિંગ બોલાવી ભાજપના ઉમેદવાર મનસુખ માંડવીયા અને ધારાસભાના ઉમેદવાર મારા નામ જોગ ઉપયોગ કરી અમારી વિરોધ કોંગ્રેસ તરફેણમાં મતદાન કરવાની હાંકલ જવાહર ચાવડાના દીકરા રાજ ચાવડાએ કરી હતી. તારીખ 6-5-2024ના રોજ નૂતન જિનિંગ ફેક્ટરીમાં વેપારી સંમેલન બોલાવી જમણવાર કરી કોંગ્રેસના ઉમેદવારને ટેકો જાહેર કર્યો હતો. આ ઉપરાંત 7-5-2024 ના રોજ રાજ ચાવડાએ માણાવદર વંથલી મેંદરડા તાલુકાના ગામડામાં પ્રવાસ કરી કોંગ્રેસની તરફેણમાં મતદાન કરવા અપીલ કરી હતી. મેંદરડા તાલુકા કોંગ્રેસ પ્રમુખ ધીરુ કુંભાણી સાથે પ્રચાર કર્યો હતો. આ ઉપરાંત માણાવદર તાલુકા ભાજપ પ્રમુખ ગોવિંદ સવસાણી, ભાજપ મહામંત્રી જગદીશ મારુ, જૂનાગઢ જિલ્લા પંચાયત બાળ વિકાસ સમિતિના અધ્યક્ષ રીના હર્ષદ મારડિયાના સસરા જીવા કરશન મારડિયા તથા માણાવદર શહેર ભાજપ મહામંત્રી વિક્રમસિંહ મનુભા ચાવડાએ ખુલ્લેઆમ ભાજપ વિરુદ્ધ કામ કરી પક્ષને નુકસાન થાય તેવી પ્રવૃત્તિ કરી છે.
કોણ છે જવાહર પેથલજી ચાવડા?: જવાહર ચાવડાની વાત કરવામાં આવે તો તેઓ જૂનાગઢ જિલ્લામાં આહીર સમાજનું મોટું માથું ગણાય છે. તેમના પિતા પેથલજી ચાવડા પણ શિક્ષણ અને સહકારી ક્ષેત્રમાં અનેક સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલા છે. જવાહર ચાવડા વર્ષોથી કોંગ્રેસમાં જોડાયેલા હતા. તેમનો જન્મ 20 જુલાઈ 1964ના રોજ રાજકોટ જિલ્લાના, ધોરાજી તાલુકાના ભાડજલિયા ગામમાં પેથલજી ચાવડાના ઘરે થયો હતો. કોમર્સ ગ્રૅજ્યુએટ એવા જવાહર ચાવડા 1990, 2007, 2012 અને 2017થી ગુજરાત વિધાનસભામાં કૉંગ્રેસમાંથી ધારાસભ્ય પદે ચૂંટાતા આવ્યા છે. ઉપરાંત તેઓ સ્થાનિક રાજકારણમાં 1988થી સક્રિય છે અને તેમનો મુખ્ય વ્યવસાય કપાસ જિનિંગ મિલનો છે.