ગાંધીનગર :ગુજરાત રાજ્યમાં આજે 6 ઓગસ્ટ, મંગળવાર સવારે 6 વાગ્યા સુધીમાં કુલ એકંદરે 602.12 mm વરસાદ નોંધાયો છે. જે સરેરાશ વરસાદની સામે 68.19 ટકા જેટલો થાય છે. રાજ્યના 39 તાલુકામાં સિઝનનો 1000mm થી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે 39 તાલુકામાં સિઝનનો 126-250 mm, 108 તાલુકામાં સિઝનનો 251-500 mm, 65 તાલુકામાં સિઝનનો 501-1000 mm વરસાદ નોંધાયો છે.
રાજ્ય સાર્વત્રિક વરસાદ :ગુજરાતમાં વિસ્તાર મુજબ જોઈએ તો છેલ્લા 24 કલાકમાં કચ્છમાં સરેરાશ 0.40 mm, ઉત્તર ગુજરાતમાં 4.63 mm, મધ્ય ગુજરાતમાં સરેરાશ 5.52 mm, સૌરાષ્ટ્રમાં સરેરાશ 1.85 mm અને દક્ષિણ ગુજરાતમાં સરેરાશ 7.33 mm વરસાદ નોંધાયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 32 જિલ્લામાં 168 તાલુકામાં સરેરાશ 4.29 mm વરસાદ પડ્યો છે.
ચેતવણી નકશો (ગુજરાત હવામાન વિભાગ) આણંદમાં સૌથી વધુ વરસાદ :છેલ્લા 24 કલાકમાં રાજ્યના 168 તાલુકામાં 1-50 mm વરસાદ નોંધાયો છે. જ્યારે 83 તાલુકા કોરા રહ્યા હતા. જેમાં આણંદ તાલુકામાં સૌથી વધુ 37 mm વરસાદ નોંધાયો છે. ત્યારબાદ કપરાડામાં 31 mm, કરજણ અન બોરસદમાં 21 mm અને ડાંગ-આહવા તાલુકામાં 19 mm વરસાદ નોંધાયો છે.
રાજ્યના ડેમોની સ્થિતિ :સરદાર સરોવર નર્મદા નિગમમાં હાલ સંગ્રહ 2,10,403 mcft છે, જે કુલ સંગ્રહ ક્ષમતાની 62.98 ટકા જેટલી છે. નર્મદા ડેમ 412.53 ફૂટ PWL ભરેલો છે. આ સિવાય રાજયના અન્ય 206 જળાશયોમાં સંગ્રહ 3,33,736 mcft છે. જે કુલ સંગ્રહ ક્ષમતાના 59.57 ટકા છે. રાજ્યના 47 ડેમો પૂર્ણ સંગ્રહ ક્ષમતાએ ભરેલા છે. જ્યારે 39 ડેમો 70 ટકાથી વધુ, 20 ડેમો 50-70 ટકા, 43 ડેમ 25-50 ટકા અને 57 ડેમો 25 ટકાથી ઓછા ભરેલા છે. હાલ રાજ્યના કુલ 59 ડેમ હાઈએલર્ટ પર છે.
ચેતવણી નકશો (ગુજરાત હવામાન વિભાગ) રાજ્યની નદીઓની સ્થિત :ગુજરાતની કુલ નદીઓમાંથી જામનગરની રણજીતસાગર અને વલસાડની સ્વર્ગવાહીની નદી ઓવર ફ્લોઈંગ સ્થિતિમાં છે. નદીઓની ગંભીર સ્થિતિના કારણે રાજ્યમાં કુલ 17,435 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. જેમાં સૌથી વધુ સુરતમાં 3,707 લોકોને સ્થળાંતરિત કર્યા છે. ત્યારબાદ નવસારીમાં 5340, વડોદરામાં 2241, પોરબંદરમાં 1567 અને જૂનાગઢમાં 1364 લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે.
જનતા જોગ સૂચના :રાજ્ય સરકાર દ્વારા લોકોને સાવચેત રહેવા નિર્દેશ અને સૂચનો આપવામાં આવ્યા છે. જેમાં માછીમારોને 6 ઓગસ્ટથી 9 ઓગસ્ટ સુધી દરિયો નહીં ખેડવા સૂચના આપવામાં આવી છે. બીજી તરફ ગતરોજ ડાંગ જિલ્લામાં વઘઈ તાલુકાના માછળી ગામે પાણીના પ્રવાહમાં તણાઈ જવાથી એક વ્યક્તિનું મૃત્યુ થયું છે.
- ઉકાઈ ડેમમાં સતત પાણી આવક, બે હાઈડ્રો ખોલી તાપી નદીમાં પાણી છોડાયું
- સુરતમાં મીઠી ખાડીના પૂરથી બચવા ખાડીની ડિઝાઇન બદલવા પાલીકાની કવાયત