દાહોદ : લોકસભા ચૂંટણી 2024 માટે ગુજરાતમાં 7 મેના રોજ મતદાન યોજાયું હતું. જેમાં દાહોદ લોકસભા મતવિસ્તારમાં 59.31 ટકા મતદાન થયું હતું. સુરત બેઠક બિનહરીફ સાબિત થયા બાદ આજે 4 જૂને ગુજરાતની 25 લોકસભા બેઠક પર મતગણતરી યોજાઈ હતી. આજરોજ દાહોદ એન્જિનિયરિંગ કોલેજ ખાતે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ભાજપના ઉમેદવાર જસવંતસિંહ ભાભોરને 3,35,563 લીડ સાથે વિજયી બન્યા હતા. જસવંતસિંહ ભાભોરે દાહોદની જનતાનો આભાર માન્યો હતો.
દાહોદ લોકસભા બેઠક પર જશવંતસિંહ ભાભોર ભાજપને ફળ્યા, ત્રીજીવાર ભગવો લહેરાવ્યો - Lok Sabha Election Result 2024 - LOK SABHA ELECTION RESULT 2024
લોકશાહીના મહાપર્વની ઉજવણીના ત્રીજા તબક્કામાં ગુજરાતમાં મતદાન યોજાયું હતું. આજે 4 જૂને જાહેર થયેલા પરિણામ બાદ દાહોદ લોકસભા બેઠક પર ભાજપના જસવંતસિંહ ભાભોરનો ભવ્ય વિજય થયો છે.
Published : Jun 4, 2024, 8:30 PM IST
જસવંતસિંહ ભાભોર વિજેતા :દાહોદ લોકસભા બેઠક પર કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધો જંગ જામ્યો હતો. પરંતુ બપોર બાદ મતદારોનો મિજાજ સ્પષ્ટપણે ભાજપ તરફ રહેતા ભાજપના કાર્યકર્તાઓમાં ખુશીની લાગણી ફેલાઈ હતી. દાહોદના લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર જસવંતસિંહ ભાભોરને 6,88,715 મત મળ્યા હતા. જ્યારે તેમના હરીફ એવા કોંગ્રેસના ઉમેદવારના તાવિયાડ પ્રભાબેનને 3,55,038 મત મળ્યા હતા.
અપક્ષ ઉમેદવારો :આ ઉપરાંત બહુજન સમાજવાદી પાર્ટીના ઉમેદવાર ભાભોર ધુળાભાઈ દિતાભાઈને 8,631 મત, ભારતીય નેશનલ જનતા દળના ઉમેદવાર મેડા જગદીશભાઈ મણીલાલને 3063 મત, સહકાર વિકાસ પાર્ટીના ઉમેદવાર પસાયા નવલસિંહ મુલાભાઈને 2673 મત મળ્યા હતા. જ્યારે અપક્ષ ઉમેદવાર ડામોર મનાભાઈ ભાવસિંહ 3173 મત, અપક્ષ ઉમેદવાર ડામોર વેસ્તા જોખનાભાઈ 4400, અપક્ષ ઉમેદવાર બારીયા મણિલાલ હીરાભાઈ 6588, અપક્ષ ઉમેદવાર મેડા દેવેન્દ્ર લક્ષમણભાઈને 11,075 મત મળ્યા હતા. જ્યારે 34,938 મત નોટામાં પડ્યા હતા. કોંગ્રેસ ઉમેદવાર એટલે કે ડો. પ્રભાબેન તાવિયાડને 3 લાખ કરતાં વધુ મતોથી હારનો સામનો કરવો પડ્યો હતો, ઉપરાંત તેમણે મીડિયા સાથે વાત કરવાનું ટાળ્યું હતું.