લોકસભા ચૂંટણી ટાણે સામાજિક ઉથલપાથલ વચ્ચે ગુજરાતનું રાજકારણ ભાવનગર :ભાવનગર સહિત ગુજરાતભરમાં છેલ્લા એક દાયકાથી વધુ મતદારો ધરાવતા સમાજના જ્ઞાતિગત સમીકરણના આધારે ચૂંટણી પરિણામ નક્કી થયા છે. 2024 લોકસભા ચૂંટણી ટાણે મતદારોની સંખ્યામાં અગ્રેસર રહેલા સમાજમાં ઉભી થયેલી ઉથલપાથલ અને રાજકીય વાતાવરણ વચ્ચે તમામ રાજકીય પક્ષોની નજર અન્ય જ્ઞાતિ-સમાજના કુલ મત પર રહેશે. ગુજરાતમાં જ્ઞાતિગત રાજકારણ અંગે ETV Bharat નો રાજકીય અહેવાલ
- ગુજરાતમાં સમાજ અને જ્ઞાતિનું ગણિત
ભાવનગરના પીઢ પત્રકાર અરવિંદ સ્વામીએ જણાવ્યું કે, છેલ્લી બે-ત્રણ ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ સહિતનો કોઈપણ પક્ષ જ્ઞાતિવાદ પર લડ્યો છે. ઉદાહરણ તરીકે સુરેન્દ્રનગર બેઠક પર કોળી સમાજનું પ્રભુત્વ છે, પરંતુ તેમાં તળપદા કોળી સમાજ અને ચુવાળીયા કોળી સમાજ એમ બે ભાગ છે, જે આમને સામને લડે છે. આવી પરિસ્થિતિ સૌરાષ્ટ્રની ઘણી બેઠક પર છે. જેમ કે કડવા પાટીદાર ઉમેદવાર હોય અને સામે લેઉવા પાટીદાર ઉમેદવાર હોય છે, તો મતનું વિભાજન થાય છે.
આ પરિસ્થિતિનો ફાયદો કોઈને નથી. કારણ કે આ સમાજ સિવાય પણ બાકીનો એક બહુ મોટો વર્ગ છે, જેની કુલ સંખ્યા બહુ મોટી છે, જે નિર્ણાયક હોય છે. તે બધા સમાજ કઈ તરફી મતદાન કરે છે તેના પર પરિણામનો બધો આધાર છે. બાકીના અન્ય સમાજની બહુમતી અને ટકાવારી પણ વધારે છે. જ્યારે એક સમાજ બે ભાગમાં વહેંચાઈ જાય ત્યારે મતોનું વિભાજન થાય છે. આ સમયે અન્ય જ્ઞાતિઓ નિર્ણાયક સાબિત થતી હોય છે. આ ચૂંટણીમાં પણ અન્ય જ્ઞાતિઓનું મતદાન જે પાર્ટી તરફ થશે એને વધારે ફાયદો થશે.
- રાજકારણની સમાજ પર થતી અસર
અરવિંદ સ્વામીએ વધુમાં જણાવ્યું કે, રાજકારણમાં ભાગલા પાડો અને રાજ કરો એવી નીતિ થઈ ગઈ છે. એક સમાજની મોટી જ્ઞાતિ તરીકે ઓળખાણ હતી, ત્યાં જુદા જુદા જૂથ પડી ગયા છે. રાજકારણીઓએ જ એનું વિભાજન જ કરી નાખ્યું છે. એ સમાજની બહુમતી તૂટી ગઈ અને નબળી થઈ છે. એટલે એક જ સમાજના ત્રણ-ચાર જૂથ કરી નાખ્યા છે. ધીમે ધીમે અંદરો અંદર તેમના ઇગો અથવા રાજકારણના લીધે જે તે સમાજની સંખ્યા હોવા છતાં એકતા અને સંગઠનના અભાવે તેમની તાકાતમાં ઘટાડો થયો છે.
- ગુજરાતનું રાજકારણ પ્રવાહી બન્યું
ભાવનગરના અરવિંદ સ્વામીએ જણાવ્યું કે, આજે ગુજરાતનું અને ખાસ કરીને સૌરાષ્ટ્રનું રાજકારણ પ્રવાહી રાજકારણ બની ગયું છે. કલાકે-કલાકે, સમય-સમયે બધું અપડેટ થતું રહે છે. ક્યાંકને ક્યાંક નવી ઉથલ પાથલ થતી રહે છે. પણ હાલની સ્થિતિ અને વાતાવરણની દ્રષ્ટિએ જોઈએ તો અત્યાર સુધી 26 માંથી 26 બેઠક જીતનાર ભાજપને કદાચ બે-ચાર બેઠકનું ગાબડું પડે તો આશ્ચર્ય નહીં કહેવાય.
- ભાવનગર લોકસભા બેઠકનું રાજકારણ
ભાવનગરના પીઢ પત્રકાર મહેન્દ્ર ઝવેરીએ જણાવ્યું કે, સામાજિક સમીકરણની વાત આવો તે જે મતદારોની સંખ્યા વધુ હોય, તેના પર આખું ગણિત મંડાતું હોય છે. ભાવનગર જિલ્લામાં કોળી સમાજના મતદારોનું વિશેષ મહત્વ છે.બીજા નંબરે પટેલ સમાજ, ત્રીજા નંબર પર ક્ષત્રિયો અને ચોથા નંબર પર અન્ય જ્ઞાતિ આવે છે. ભાવનગરમાં પણ ક્ષત્રિય સમાજના આંદોલનના પડઘા પડ્યા છે. હવે આ ચૂંટણી દરમિયાન ભાવનગરમાં ક્ષત્રિય સમાજનો રોષ કેટલાક અંશે મતદારોને ફેરવી શકે છે. બીજા નંબરે કોળી સમાજના મતદારમાં બે ભાગ પડશે. કારણ કે ભાવનગરમાં બંને પક્ષના સક્ષમ ઉમેદવાર કોળી સમાજના છે. ત્રીજી વાત કરીએ તો હાલની પરિસ્થિતિ જોતા સામાન્ય માણસ અસંખ્ય સરકારી પગલાથી ગળે આવી ગયો છે. જો તે લોકો મતદાન કરવા નીકળશે તો પરિણામ ભાજપની કલ્પના બહારનું પણ હોઈ શકે.
- ક્ષત્રિય આંદોલનની પરિણામ પર અસર
મહેન્દ્ર ઝવેરીએ જણાવ્યું હતું કે, બીજી તરફ રાજ્યની 26 લોકસભા બેઠકમાંથી ક્ષત્રિય આંદોલન કેટલીક બેઠકોને સ્પર્શી શકે છે અથવા ક્ષત્રિયોના આંદોલનને તે કેટલા અંશે પાળી શકે છે તેના પર પણ પરિણામનો મદાર રહેશે. ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છની બેઠકોમાં રાજા રજવાડાઓનું વિશેષ મહત્વ રહેલું છે. રજવાડાનું આ અપમાન લોકો કેટલા અંશે સહન કરશે તેની પણ અસર મતદાનમાં દેખાય આવશે.
- ભાવનગર લોકસભા બેઠક પર ખરાખરીનો જંગ જામશે, જુઓ જ્ઞાતીનું રાજકારણ અને ડમી ઉમેદવારની ચાલ
- ભાવનગરમાં ભાજપ માટે પ્રવેશબંધીના પોસ્ટર લાગ્યાં, એક જ વાત ' રુપાલાની ટિકીટ રદ કરો '