અમદાવાદ :ગીર સોમનાથ જિલ્લાના યાત્રાધામ સોમનાથ મંદિર નજીક મોટાપાયે ડિમોલિશનની કામગીરી કરવામાં આવી હતી. જેમાં ધાર્મિક સ્થળોનું દબાણ પણ દૂર કરાયું હતું. જોકે, ડિમોલિશન મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં એક રિટ અરજી દાખલ કરાઈ હતી. આ મુદ્દે તમામ પક્ષકારોની સુનાવણી બાદ હાઇકોર્ટ દ્વારા ચુકાદો અનામત રાખવામાં આવ્યો છે, જે મુદ્દે 3 ઓક્ટોબર એટલે કે આજે ચુકાદો આપશે. હિયરીંગ દરમિયાન અરજદાર પક્ષે સ્થળ પર યથાવત સ્થિતિ જાળવી રાખવા માટે માંગ પણ કરી છે.
ગુજરાત હાઇકોર્ટમાં સતત બે દિવસ સોમનાથ ડિમોલિશન અંગે રાજ્ય સરકાર અને અરજદાર અસરગ્રસ્તો તરફથી લંબાણપૂર્વક દલીલ અને રજૂઆત કરવામાં આવી હતી. તે દરમિયાન હાઇકોર્ટના ધ્યાન પર કેટલીક હકીકતો અને પુરાવા દસ્તાવેજો પણ રજૂ કરવામાં આવ્યા હતા. ગુજરાત હાઇકોર્ટે આ કેસમાં આજે ગુરુવારે પોતાનો ચુકાદો સંભળાય તેવી શક્યતા છે.
અરજદારની દલીલ અને રજૂઆત :
આ મુદ્દે સુનાવણી દરમિયાન અરજદાર દ્વારા રજૂઆત કરાઈ હતી કે, તેમના કેસ સ્થાનિક સત્તાધીશો સમક્ષ ચાલી રહ્યા છે અને રજૂઆતની તક આપ્યા વગર સમગ્ર કાર્યવાહી 28 સપ્ટેમ્બરના રોજથી કરવામાં આવી હતી. અરજીમાં એમ પણ બતાવવામાં આવ્યું કે, આ જમીન પર વિવિધ ધાર્મિક સ્થળો આવેલા છે.
આ કિસ્સામાં નવમી મિલકતોને સ્થાનિક અધિકારીઓ દ્વારા ગત 12 સપ્ટેમ્બરના રોજ નોટિસ આપવામાં આવી હતી. તેમાં દાવો કરવામાં આવ્યો હતો કે કબ્રસ્તાન તરીકે ઉપયોગમાં લેવાતી આ જમીનને વર્ષ 1947 થી સરકારી જમીન તરીકે નોંધ કરવામાં આવી છે. કબજેદાર તરીકે હસનઅલી ઘાંચીનું નામ દૂર કરવામાં આવે તે માટે ખુલાસો કરવાનો આદેશ કરવામાં આવ્યો હતો.
સરકાર દ્વારા રજૂઆત અને જવાબ :
બીજી તરફ સરકાર દ્વારા રજૂઆત કરાઈ હતી કે, પ્રસ્તુત મિલકતો બાબત અલગ અલગ અદાલતો અને લીગલ ફોર્મમાં પાંચમી વખત કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી છે. નોટીસની વિગતો જોતા આ સરકારી જમીન પર દબાણ હતું, આ બાબતે ગયા વર્ષે પણ દબાણ દૂર કરવાની કાર્યવાહી કરાઈ હતી. સત્તાવાળાઓ દ્વારા કાયદાકીય પ્રક્રિયા અનુસરીને જ ડિમોલિશનની કામગીરી કરાઈ છે. તે અંગે અસરગ્રસ્તોને 12/9/2024 ના રોજ નોટિસ આપવામાં આવી હતી. જેમાં તારીખ 19 સપ્ટેમ્બરની સુનાવણી રાખવામાં આવી હતી. જોકે, તે દિવસે અસરગ્રસ્તો તરફથી મુદ્દત લેવાઇ હતી. ત્યારબાદ 27 સપ્ટેમ્બરે ફરી હિયરીંગ રખાયું અને હુકમ થયા મુજબ ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ હતી.
અરજદાર દ્વારા સરકાર પર આક્ષેપ :
આ મુદ્દે અરજદારે પક્ષે વાંધો લીધો હતો કે, તારીખ 27 સપ્ટેમ્બરે તેઓને સુનાવણીની તક અપાઈ જ નથી અને આવો કોઈ હુકમ પણ થયો નથી. સત્તાવાળાઓએ તેઓને વિશ્વાસમાં લીધા વિના કે હુકમથી જાણ કર્યા વિના જ બારોબાર ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરી હતી.
શું હતો મામલો ?
આ કેસની વિગત મુજબ સરકારના સ્થાનિક સત્તાવાળાઓ દ્વારા સોમનાથ પંથકમાં ડિમોલિશનની કામગીરી હાથ ધરી ધાર્મિક સ્થાનો સહિતના કેટલાક બાંધકામો તોડી નખાયા છે. એમ પણ કહેવામાં આવે છે કે સરકારે આ દબાણ કે બાંધકામ દૂર કરતાં પહેલાં સ્થાનિક લોકોને સાંભળ્યા જ નથી અને કોઈ અધિકૃત હુકમ વિના જ ડિમોલિશન કરાયું છે. આ મુદ્દે અરજદારોને કલેકટરનો ડિમોલેશન ઓર્ડર Rpad થી મોકલી આપ્યો હતો.
સર્વે નંબર 1851-1852 જમીન કોની ?ગુજરાત હાઇકોર્ટની ડબલ જજની બેન્ચ છે, પણ અરજદારોને કોઈ રાહત આપી નથી. કોર્ટને વધુ જણાવ્યું હતું કે, રેવન્યુ સર્વેમાં આ જગ્યા કબ્રસ્તાન છે. સિવિલ કોર્ટમાં આ મુદ્દે ચાલતા કેસને વકફ ટ્રીબ્યુનલમાં ટ્રાન્સફર કરવા અરજદારો માંગ કરી હતી, જેને કોર્ટે ગ્રાહ્ય રાખી હતી. અરજદારોને 7 ઓક્ટોબર, 2023 ના રોજ પ્રથમ નોટિસ દબાણ દૂર કરવા આપવામાં આવી હતી. જે તે સમયે સોમનાથ ટ્રસ્ટે જમીન લીઝ પર આપી હતી, આમ આ જમીન સોમનાથ ટ્રસ્ટની છે આવી વિગતો સરકારી વકીલે કોર્ટમાં આપી હતી.
- ગીર સોમનાથ ડિમોલિશન મામલોઃ "હાઈકોર્ટમાં સંતોષકારક નિવેડો નહીં મળે તો સુપ્રિમ કોર્ટ જઈશું"
- 'મન ફાવે તેમ ડિમોલિશન નથી કર્યું...'- સરકાર, સોમનાથ ડિમોલિશન મુદ્દે હાઇકોર્ટમાં થઈ સુનાવણી