ગુજરાત

gujarat

ETV Bharat / state

19 વિધવાઓએ હાઇકોર્ટના દરવાજા ખટખટાવ્યા, મૃતક શ્રમિકોના વળતરના મામલે સુનાવણી - GUJARAT HIGH COURT

ગુજરાત હાઈકોર્ટમાં સિલિકોસિસ બિમારીથી મૃત્યુ પામેલા શ્રમિકોના વળતરનો મામલો પહોંચ્યો છે. શ્રમિકોની વિધવાઓએ હાઇકોર્ટમાં રિટ પિટિશન દાખલ કરી છે.

Gujarat High Court
Gujarat High Court (File Photo)

By ETV Bharat Gujarati Team

Published : 7 hours ago

અમદાવાદ :સિલિકોસિસને લીધે મૃત્યુ પામેલા શ્રમિકોનો મામલો ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો છે. આ ઘટનામાં મૃત્યુ પામેલા શ્રમિકોની વિધવાઓએ હાઇકોર્ટમાં રિટ પિટિશન દાખલ કરી વળતર પેટે એક લાખ રૂપિયાની જગ્યાએ ત્રણ લાખ રૂપિયા વળતર ચૂકવવાની દાદ માંગી છે. આ મામલે વધુ સુનાવણી 19 ડિસેમ્બરે થવાની શક્યતા છે.

મૃતકની પત્નીઓએ કરી અરજી :આ પિટિશન પીપલ્સ ટ્રેનિંગ એન્ડ રિસર્ચ સેન્ટર ટ્રસ્ટ અને 19 વિધવા મહિલાઓ દ્વારા એડવોકેટ આનંદ યાજ્ઞિક મારફતે કરવામાં આવી છે. કેસના અરજદાર અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે કામ કરે છે. આ મામલે અરજદાર તરફથી જણાવવામાં આવ્યું કે, અરજદાર મહિલાઓના પતિ અસંગઠિત ક્ષેત્રમાં કાર્ય કરતા હતા. આ મહિલાઓના પતિ સીલીકોસીસ બીમારીના કારણે મૃત્યુ પામ્યા હતા.

મૃતકોને વળતરનો નિયમ શું ?ગુજરાત સરકારના 2015 ના ઠરાવ મુજબ મૃતકના પરિવારને એક લાખ રૂપિયાનું વળતર આપવામાં આવે છે. પરંતુ સુપ્રીમ કોર્ટના નિર્દેશ મુજબ રૂ. 3,00,000 વળતર તરીકે મળવા પાત્ર થાય છે. આ પરિસ્થિતિમાં મૃતકના પરિજનોએ વળતર મેળવવા માટે 90 દિવસમાં અરજી કરવી પડે છે. જ્યારે વર્ક મેન કોમ્પસેશન એક્ટ મુજબ બે વર્ષ સુધીની મુદત આપવામાં આવે છે.

માત્ર એક લાખ રૂપિયા વળતર જ કેમ ?સુપ્રીમ કોર્ટે વર્ષ 2007 થી 2017 સુધીમાં અલગ અલગ હુકમ કર્યા હતા. સુપ્રીમ કોર્ટના 2016-17 વચગાળાના હુકમ મુજબ સિલિકોસીસથી થયેલ મૃત્યુના કેસમાં 3 લાખ રૂપિયા વળતર આપવું પડે છે. આ માટે અરજદારોએ સક્ષમ ઓથોરિટીને અરજી કરી હતી. પરંતુ રાજ્ય સરકારના વર્ષ 2015 ના પરિપત્ર મુજબ અમુક અરજદારને એક લાખ રૂપિયાનો દાવો મંજૂર કરવામાં આવ્યો હતો.

શું હતો સમગ્ર મામલો ?આ કેસની સમગ્ર વિગત એવી છે કે, અરજદાર મહિલાઓના પતિઓ ક્રશિંગ ફેક્ટરીમાં કામ કરતા હતા. જ્યાં સિલિકા ડસ્ટ શ્વાસમાં જવાથી તેઓને ફેફસામાં સીલીકોસીસ બીમારી થઈ હતી. આ મામલે એક કેસમાં સુપ્રીમ કોર્ટે હુકમ કર્યો હતો કે કેસમાં અરજદાર મધ્યપ્રદેશના આદિજાતિ હતા તે ગુજરાત આવીને પથ્થરની ફેક્ટરીમાં કામ કરતા હતા. જ્યારે કામ કરીને પરત મધ્યપ્રદેશ ગયા તો તેમાંથી કેટલાકનું મૃત્યુ થયુ હતુ.

  1. લેન્ડ ગ્રેબિંગ એક્ટનો થયો "દુરુપયોગ"? હાઈકોર્ટે કરી ગાઈડલાઈનની દરખાસ્ત
  2. ગુજરાત હાઈકોર્ટે હાલોલ નગરપાલિકાને દંડ કર્યો, અદાલતના અનાદરનો મામલો

ABOUT THE AUTHOR

...view details