ગાંધીનગર:ગુજરાતમાં અજ્ઞાનતાના કારણે ઘણી જગ્યાએ અનિષ્ટ અને દુષ્ટ પ્રથા ચાલતી આવે છે. જેમાં માનવ બલિદાન, વાળથી બાંધી લટકાવવાના બનાવો, મરચાંનો ધુમાડો કરવાની કે ભૂત અને ડાકણ કાઢી આપવાના કૃત્યો, અધોરી પ્રથા અને કાળા જાદુના પ્રયોગ થતાં હોય છે. કોઈ વ્યક્તિ કહેવાતા ચમત્કારો હેઠળ નાણાંનું ઉપાર્જન કરી લોકોને ત્રાસ આપે છે. અલૌકિક શક્તિના આશીર્વાદ મેળવવાના હેતું માટે કોઈની જિંદગી જોખમમાં મૂકે છે. વશીકરણ કરે છે અથવા તો જાદુનો વ્યવસાય કરે છે. આ તમામ પ્રવૃત્તિ ઉપર ગુજરાતમાં પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
અંધશ્રદ્ધા સામે લાવશે કાયદો: સરકાર ગુજરાત માનવ બલી અને બીજી અમાનુશી અનિષ્ટ અને અઘોરી પ્રથા, કાળા જાદુ અટકાવવા અને તેનું નિર્મૂલન કરવા માટે વિધાનસભામાં વિધેયક લાવી રહી છે. આવી પ્રથાઓ અને તેના પ્રસાર પર રોક લગાવવા ઉપરાંત તેનું નિર્મૂલન કરવા વિશેષ અને કડક કાયદો બનાવવામાં આવશે. ગુજરાત હાઈકોર્ટના આદેશને ધ્યાને લઈને રાજ્ય સરકારે અંધશ્રદ્ધા અને કાળા જાદુ સામે વિશેષ કાયદો લાવવાની તૈયારી કરી છે. આ વિધેયકમાં 14 એવા મુદ્દાને આવરી લેવાયા છે કે જે અંધશ્રદ્ધા ફેલાવે છે. આ કેસોમાં ફરિયાદના આધારે પોલીસ તપાસ કરી જવાબદારો સામે અદાલતી કાર્યવાહી સુધીના પગલાં લઈ શકશે.
હાઈકોર્ટમાં કેસ દાખલ: દેશનાં ઘણાં રાજ્યોમાં અંધશ્રદ્ધા આધારિત ગતિવિધિને રોકવા અને લોકોને તેનો ભોગ બનતા અટકાવવા માટેના કાયદા અમલમાં મુકાયેલા છે. આવા કાયદાની માગણી સાથે હાઈકોર્ટમાં કેસ કરવામાં આવ્યો હતો. હાઇકોર્ટના આદેશથી ગુજરાત સરકારે વિધાનસભા સત્રમાં અંધશ્રદ્ધાને આધારે થતી ગતિવિધિઓ રોકવા માટેનો ખરડો લાવી રહી છે.
અંધશ્રદ્ધા નિર્મૂલન અંગેનો કાયદો અટકાયતી પગલાં લેવા માટે ખૂબ જ જરૂરી છે. અગાઉની ભારતીય દંડ સંહિતા અને હાલની ભારતીય ન્યાય સંહિતામાં આ અંગે કોઈ જોગવાઈ નથી. દા.ત., કોઈ બાળકને ડામ દેવાયા હોય તો ડામ અંગેની ફરિયાદ કરી શકાય. પરંતુ તે ઘટનાને પહેલાં રોકી શકાય નહીં.
અંધશ્રદ્ધા નિર્મૂલનનો કાયદો: અંધશ્રદ્ધા નિર્મૂલનનો કાયદો બને તો કાયદા દ્વારા વિજિલન્સ ઑફિસરની નિમણૂક થઈ શકે, જે આ પ્રકારની પ્રવૃત્તિઓ પર નજર રાખશે. તેમજ ક્યાંક આ પ્રકારની પ્રવૃત્તિ ચાલતી હોવાની બાતમી મળે તો લોકોને તેમનો ભોગ બનતાં અટકાવવા માટેનાં પગલાં લઈ શકશે. આ કાયદો એ માનવીય ગૌરવને હાનિ પહોંચાડતી પ્રવૃત્તિઓ કરનાર માટે છે. જેમ કે, કોઈને ડામ આપવામાં આવે કે સાંકળથી બાંધી રાખવામાં આવે કે ઉકળતા તેલમાં હાથ નંખાવવામાં આવે એવું કોઈ ધર્મ કહેતો નથી.
અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિ દ્વારા આ અગાઉ કેટલાંય વર્ષોથી સરકારને લેખિતમાં રજૂઆતો પણ કરવામાં આવી છે. તેમ છતાં આ અંગે સરકાર દ્વારા કોઈ કાયદો ન બનાવતા સંસ્થાએ હાઈકોર્ટમાં રિટ પિટિશન દાખલ કરી હતી. ગામડાઓમાં ધર્મના નામે આર્થિક, જાતીય શોષણ, બાળકોનાં અપહરણ, મહિલાઓનું શોષણ તેમજ બાળકને દવાખાનાને બદલે ભૂવા પાસે લઈ જવાથી સારવારના અભાવે મૃત્યુ જેવા કિસ્સાઓ સામે આવવા લાગ્યા હતા.
ભણેલાગણેલા લોકો પણ અંધશ્રદ્ધામાં ફસાય: ગામડામાં જોવા મળતી આ પ્રકારની અંધશ્રદ્ધા આધારિત ગતિવિધિઓ માત્ર ઓછું ભણેલા લોકો સુધી જ મર્યાદિત નથી. ભણેલાગણેલા લોકો પણ અંધશ્રદ્ધાળુ હોઈ શકે છે. અંધશ્રદ્ધા અને મેલી વિદ્યામાં માત્ર અભણ લોકો જ ફસાય છે તેવું માનવું ભૂલભરેલું છે. આ બદીમાં ભણેલાગણેલા લોકો પણ ફસાય છે. ઉચ્ચ હોદ્દા પરના અધિકારીઓ, ડૉક્ટરો કે વકીલો પણ કોઈને કોઈ સ્વામી કે ધર્મગુરુને ત્યાં જતા હોય છે. એ પણ અંધશ્રદ્ધા કહી શકાય.
અંધશ્રદ્ધાને કારણે લોકોનું આર્થિક, શારીરિક કે માનસિક શોષણ કરવામાં આવે છે. દરેક માણસને કોઈને કોઈ તકલીફ તો રહેતી જ હોય છે. આ તકલીફને દૂર કરવા માટે ક્યારેક તે અંધશ્રદ્ધામાં ફસાઈ જાય છે અને પછી તેમાંથી એ બહાર નીકળી શકતો નથી. રાજ્યમાં મેલી વિદ્યા, અંધશ્રદ્ધા, ભૂવા, પાખંડી, બાબાઓ દ્વારા વારંવાર લોકો સાથે છેતરપિંડી, હત્યા, છેડતી, બળાત્કાર, બલિ ચઢાવવો જેવી ઘટનાઓ બનતી રહે છે. આ પ્રકારની ઘટનાઓ રોકવા કાયદાની જરૂર છે. અન્ય રાજ્યો દ્વારા આ પ્રકારના કાયદા બનાવવામાં આવ્યા છે.
હાઈકોર્ટમાં કરી અરજી: ગુજરાતમાં અંધશ્રદ્ધા નિર્મૂલન અંગે કાયદો બનાવવા માટે અંધશ્રદ્ધા નિર્મૂલન માટે કામ કરતી સંસ્થાઓ દ્વારા વર્ષ 2009થી સરકારને રજૂઆત કરવામાં આવતી હતી. છેલ્લાં 15 વર્ષથી આ અંગે અલગ-અલગ જગ્યા પર રજૂઆત કરવા છતાં પરિણામ ન મળતાં અંતે હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી (પીઆઈએલ) કરી હતી.
અંધશ્રદ્ધાને રોકવા કાયદે ઘડાશે: રાજ્યમાં અંધશ્રદ્ધા અને મેલી વિદ્યાના નામે તાંત્રિકો, ભૂવાઓ , પાંખડીઓ દ્વારા લોકો સાથે છેતરપિંડી કરવામાં આવે છે. અંધશ્રદ્ધાને કારણે હત્યા, બળાત્કાર, અપહરણ, બાળકોને ડામ આપવા જેવી ઘટનાઓ બને છે. જે ઘટનાઓ રોકવા માટે રાજ્યમાં કાયદાની જરૂર છે. સંસ્થાએ આ પિટિશન મારફતે માગણી કરી છે કે ગુજરાતમાં સરકારે અંધશ્રદ્ધા રોકવા “પ્રિવેન્શન ઑફ બ્લૅકમૅજિક ઍન્ડ હ્યુમન સેક્રિફાઇસ ઍન્ડ અધર ડેવીલ ઍન્ડ ઇનહ્યુમન ઍન્ડ અઘોરી પ્રૅક્ટિસિસ” અંગેનો કાયદો બનાવવો જોઈએ.
સ્ત્રીઓ અને નાના ભુલકાઓની બલિ ચઢાવાય:સરકારના ગૃહવિભાગ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં એફિડેવીટ રજૂ કરવામાં આવી હતી. ઍફિડેવિટમાં જણાવ્યા અનુસાર ગુજરાતમાં ગુજરાત રાજ્યમાં ગૉડમૅન, અઘોરી, ભૂવાઓ તરીકે કામ કરતાં કપટકારો દ્વારા ગેરકાયદેસર તાંત્રિક પ્રવૃત્તિઓ જેમાં તાંત્રિકવિધિઓને કારણે સ્ત્રીઓ અને નાનાં બાળકોનો બલિ ચઢાવવામાં આવે છે. મહારાષ્ટ્ર, કર્ણાટક, ઓડિશા, રાજસ્થાન, છત્તીસગઢ અને આસામ જેવાં રાજ્યોમાં અંધશ્રદ્ધા નિર્મૂલન માટેનો કાયદો છે. ગુજરાતમાં કાળાજાદુ અને અઘોરીપ્રથા જેવી અમાનવીય પ્રવૃત્તિઓને રોકવા માટે કોઈ કાયદો નથી. જેથી આગામી વિધાનસભા સત્રમાં કાળાજાદુ અને અઘોરીપ્રથા જેવી અમાનવીય પ્રવૃતિઓને કાબૂમાં લેવા માટેનો ખરડો લાવવામાં આવશે.
- 9 વર્ષ બાદ પણ વણઉકેલાયેલો મોરબી નિખિલ હત્યા કેસ, CBIને તપાસ સોંપાઈ - Morbi Nikhil murder case
- બેટી પઢી તો ખરા પરંતુ બચી ના શકી!, કોલકાત્તા રેપ-મર્ડર કેસ બાબતે બનાસકાંઠામાં કેન્ડલ માર્ચ યોજાઈ - candle march organized in Palanpur