ગુજરાત

gujarat

ETV Bharat / state

હેલ્મેટ નહીં તો એન્ટ્રી નહીં! રાજ્યમાં સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ પહેરવું ફરજિયાત કરાયું, પાછળ બેસનારે પણ...

ટુ-વ્હીલર પર આવતા જતા વાહનચાલક તથા પાછલી સીટ પર બેસનાર અધિકારીઓ/કર્મચારીઓએ ફરજિયાત પણે હેલ્મેટ પહેરવું પડશે.

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર (ETV Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Oct 19, 2024, 9:39 PM IST

ગાંધીનગર: ગુજરાત હાઈકોર્ટે તાજેતરમાં રાજ્યમાં ટુ-વ્હીલર ચાલકોને હેલ્મેટના નિયમનું પાલન કરાવવા મુદ્દે ઝાટકણી કાઢી હતી. જે બાદ હવે રાજ્યની સરકારી કચેરીઓમાં ટુ-વ્હીલર લઈને આવતા કર્મચારીઓને હેલ્મેટ ફરજિયાત પહેરવાનો આદેશ અપાયો છે. આ મામલે સામાન્ય વહીવટી વિભાગ દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે.

સરકારી કર્મચારીઓ માટે પરિપત્ર
આ પરિપત્રમાં જણાવાયું છે કે, રાજ્યમાં વધતા જતા માર્ગ અકસ્માતો અને તેનાથી થતી ગંભીર ઈજા અથવા મૃત્યુના બનાવોને ધ્યાને લેતા માર્ગ સલામતી, લોકજાગૃતિ તથા ટ્રાફિક નિયમોનું પાલન અત્યંત જરૂરી છે. ટુ-વ્હીલર ચાલકો માટે હેલ્મેટનો ઉપયોગ કરવો એ કાયદાનું પાલન ઉપરાંત વ્યક્તિની સુરક્ષા સુનિશ્ચિત કરે છે, જેના પરિણામે માર્ગ અકસ્માતો વખતે ગંભીર ઈજા અને મૃત્યુની શક્યતામાં ઘટાડો કરી શકાય. આથી રાજ્ય સરકારના તમામ સરકારી કર્મચારીઓ/અધિકારીઓ દ્વારા જવાબદારી પૂર્વક કાયદા પાલન અને સલામતી/સુરક્ષા માટે વાહન ચલાવતા સમયે નિયત ધોરણસર હેલ્પમેટનો ફરજિયાત ઉપયોગ કરે તે જરૂરી છે.

હેલ્મેટ વિના કચેરીમાં પ્રવેશ નહીં
પરિપત્રમાં આગળ લખ્યું છે, સચિવાલયના તમામ વિભાગો, રાજ્યની તમામ સરકારી-અર્ધસરકારી કચેરીઓ, બોર્ડ, નિગમો, પૂર્ણ કે આંશિક સરકારી અનુદાન લેતી સંસ્થાઓ, સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં ટુ-વ્હીલર પર આવતા જતા વાહનચાલક તથા પાછલી સીટ પર બેસનાર અધિકારીઓ/કર્મચારીઓએ ફરજિયાત પણે હેલ્મેટ પહેરીને જ સરકારી કચેરીમાં પ્રવેશ લેવો. અન્યથા તેઓનો સરકારી કચેરીના પરિસરમાં પ્રવેશ અટકાવી શકાશે.

અમદાવાદમાં પોલીસ માટે પણ હેલ્મેટ ફરજિયાત
નોંધનીય છે કે, તાજેતરમાં જ અમદાવાદ શહેરમાં તમામ પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ માટે હેલ્મેટ ફરજિયાત પહેરવા પોલીસ કમિશનરે પરિપત્ર કર્યો હતો. જેમાં હેલ્મેટ વગર આવતા કર્મચારીઓને પોલીસ સ્ટેશનમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં અને દંડ ફટકારીને શિક્ષાત્મક પગલા લેવાનો ઉલ્લેખ કરાયો હતો. ત્યારે હવે સરકારી કચેરીઓમાં કર્મચારીઓ માટે પણ હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો:

  1. અમદાવાદમાં આતંક મચાવનારોનું પોલીસે કાઢ્યું સરઘસ, શાન ઠેકાણે લાવી
  2. કચ્છના બન્ની વિસ્તારમાં પશુ પ્રદર્શન, 1 લાખથી લઈને 10 લાખ સુધીની ભેંસ લઈને આવ્યા પશુ પાલકો

ABOUT THE AUTHOR

...view details