આણંદ:આણંદ નગરપાલિકાને મહાનગરપાલિકામાં રૂપાંતરિત કરવા માટે પ્રથમ 2002 અને ક્રમશ વર્ષ 2010- 11 માં દરખાસ્ત કરવામાં આવી હતી. આણંદ શહેર સહિત બોરીયાવી, કરમસદ અને વિદ્યાનગર પાલિકા સહિત આણંદ શહેરની નજીકમાં આવેલ આજુબાજુ ના 15 જેટલા નાના મોટા ગામોનો સમાવેશ કરી મહાનગરપાલિકા બનાવવા માંગ ઉઠી હતી અને આ માટે સરકારમાં વર્ષોથી વિચારણા ચાલતી હતી. જોકે હાલમાં બજેટ સત્ર દરમિયાન આણંદ સહિત અન્ય 6 નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત કરવામાં આવતા આણંદના શહેરીજનોમાં હર્ષની લાગણી પ્રસરી ગઈ છે.
આણંદને મહાનગરનો દરજ્જો: આણંદ શહેરમાં હાલ અંદાજીત 2.25 લાખ જેટલી વસ્તી વસવાટ કરે છે, આ સાથે આણંદ થી બિલકુલ નજીક વિદ્યાનગર અને કરમસદ નગરપાલિકાઓ પણ આવેલી છે. સાથે સાથે નાવલી, સમરખા, મોગરી, બાકરોલ જેવા મોટા ગામો પણ આવેલા છે. આ સિવાય અન્ય 12 નાના ગામો પણ બિલકુલ નજીકમાં આવેલા છે. જે લગભગ શહેરી વિસ્તાર વધતા રહેણાંક વિસ્તારમાં ભળી ગયો છે. ત્યારે હવે આણંદ પાલિકા મહાનગરપાલિકા બનશે ત્યારે આવા નાના ગામો અને નજીકની નગરપાલિકા હદ વિસ્તારમાં વિકાસના કામો ઝડપી બનશે તેવી લાગણી પ્રજાજનો વ્યક્ત કરી રહ્યાં છે.
આણંદના અચ્છે દિન: આ ઉપરાંત શહેરમાં અને મહાનગરપાલિકામાં સમાવિષ્ટ ગામોમાં ટીપી, ડીપી જેવી સ્કિમો પણ નવી મંજુર થશે. આ સાથે આણંદમાં અન્ય મોટા શહેરોની જેમ હાઇરાઈઝ બિલ્ડીંગો, મોલ, સ્પોર્ટ ક્લબ, સ્ટેડિયમ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ થશે. આ સાથે વિકાસ કામોની ગ્રાન્ટમાં પણ વધારો થશે. જેનાથી આણંદ શહેર સહિત આજુબાજુના વિસ્તારોમાં મહાનગરપાલિકાના દરજ્જાની જાહેરાત થતાં જ લોકોમાં ખુશી વ્યાપી ગઈ છે.