સુરત:કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાનો આજે ચોથો અને અંતિમ દિવસ હતો. આજે સુરતથી યાત્રા શરૂ થઈ અને બારડોલી થઈને તાપી પહોંચી હતી. રાહુલ ગાંધીની યાત્રાને આવકારવા હજારો સમર્થકો ઉમટી પડ્યા હતા. ત્યારબાદ રાહુલ ગાંધી કાલે યોજાનાર ઇલેક્શન કમિટીની બેઠકમાં હાજરી આપવા દિલ્હી રવાના થયા છે.
કાર્યકરોમાં નારાજગી: રાહુલ ગાંધી બારડોલીમાં સ્વરાજ આશ્રમની મુલાકાત બાદ બારડોલીના લીમડા ચોક ખાતે સભાને સંબોધન કરવાના હતા. પરંતુ તેઓ દિલ્હી મીટિંગમાં જવાના હોય સભા રદ્દ કરી સીધા વ્યારા જવા રવાના થયા હતા. રાહુલ ગાંધીને મળવા માટે વહેલી સવારથી કાર્યકરો બારડોલીના અલગ અલગ વિસ્તારમાં ઉભા રહ્યા હતા. જો કે, રાહુલ ગાંધીએ સભા સંબોધિત ન કરતા કાર્યકરોમાં નારાજગી જોવા મળી હતી. બારડોલીના શહીદ ચોક પાસે જય શ્રી રામ સેનાના કેટલાક કાર્યકરોએ જયશ્રી રામના નારા લગાવ્યા હતા. રાહુલ ગાંધી ત્યાંથી પસાર થતા જ રાહુલ ગાંધી વિરુદ્ધ નારા લગાવી વિરોધ કર્યો હતો.
રાહુલ ગાંધી દિલ્હી જવા રવાના:આજે ચોથા દિવસે ભારત જોડો ન્યાય યાત્રા સુરતથી બારડોલી થઈને તાપી પહોંચી. રાહુલ ગાંધીએ વ્યારામાં ખુલ્લી જીપમાં લોકોને સંબોધન કર્યું. આ દરમિયાન ફિલ્મ અભિનેતા અને કોંગ્રેસ નેતા રાજ બબ્બર, જયરામ રમેશ, શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા સહિતના કોંગ્રેસ નેતાઓ યાત્રામાં જોડાયા હતા. રાહુલ ગાંધીની યાત્રા આજે મહારાષ્ટ્ર પહોંચવાની હતી, પરંતુ ગત રાત્રિના શિડ્યુલમાં ફેરફાર થતાં હવે તેઓ દિલ્હી જવા રવાના થશે. કાલે કોંગ્રેસ ઇલેક્શન કમિટીની બેઠકમાં દિલ્હી ખાતે હાજરી આપશે. ત્યારબાદ મહારાષ્ટ્રથી ફરી યાત્રા શરૂ કરશે.