અમદાવાદ:ગુજરાત એસ.ટી વિભાગ દ્વારા હાઈવે પર આવેલી 27 જેટલી હોટલનો પરવાનો રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે બાદ આ હોટલો પર હવેથી એસ.ટી વિભાગની બસો નહીં ઊભી રહે. જેમાં વડોદરા ડિવિઝનની 7 હોટલોનો સમાવેશ થાય છે, જ્યારે ભરૂચ ડિવિઝનમાં આવતી 5 જેટલી હોટલોને GSRTC દ્વારા ડિલિસ્ટેડ કરવામાં આવી છે. પરિણામે હવે હાઈવે પર ફૂડ અને બિલના નામે મુસાફરો સાથે દાદાગીરી કરતી આ હોટલો પર GSRTCની એકપણ બસ નહીં ઊભી રહે.
અમદાવાદ-સુરત રૂટની હોટલ સૌથી વધુ ડિલિસ્ટ કરાઈ
એસ.ટી વિભાગ દ્વારા ડિલિસ્ટ કરવામાં આવેલી આ હોટલમાં સૌથી વધુ હોટલ અમદાવાદ-સુરત રૂટ પરની છે. જેમાં વડોદરાના કરજણ તાલુકાના સાંસરોડ પર આવેલી આવેલી સ્વાજી ઈન, દેથાણમાં આવેલી હોટલ વિશાલા, ભરૂચના વરેડિયામાં આવેલી હોટલ બસેરા, કરજણના સાંસરોડ પર આવેલી હોટલ સતીમાતા સહિતની કેટલીક હોટલના નામ છે. આ ઉપરાંત પાલનપુર-અમદાવાદ રૂટ પર ઉંઝા-મહેસાણા હાઈવે પર આવેલી હોટલ માનસી, રાધનપુર-ભૂજ રૂપ પર ગંગોગર ખાતે આવેલી હોટલ નવરંગ એન્ડ રેસ્ટોરાંના નામ છે.