ગાંધીનગર:ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા આગામી ફેબ્રુઆરી 2025થી બોર્ડની પરીક્ષાનું (Board Exam) આયોજન કરવામાં આવ્યું છે. બોર્ડની પરીક્ષાનું ટાઈમ ટેબલ પણ જાહેર કરી દેવાયો છે. હવે શિક્ષણ બોર્ડ દ્વારા ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂઆત કરી દેવામાં આવી છે. વિદ્યાર્થીઓ આગામી 30 નવેમ્બર સુધી પરીક્ષાના ફોર્મ ભરી શકશે. આ માટે પરીક્ષા ફી કેટલી હશે તે પણ જણાવવામાં આવ્યું છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આ અંગે જાણકારી આપતા કહેવાયું છે કે, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ તથા ધોરણ 10 બોર્ડની પરીક્ષાના નિયમિત તથા રીપીટર વિદ્યાર્થીઓએ આવેદન ફી સાથે ઓનલાઈન ફોર્મ ભરવાના રહેશે. આ અંગેની જરૂરી સૂચનાઓ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર મૂકવામાં આવી છે.
ધો.10ના વિદ્યાર્થીઓની પરીક્ષાનું ફીનું માળખું (GSEB Website) કેટલી હશે પરીક્ષા ફી?
બોર્ડની વેબસાઈટ પર પરીક્ષા ફી દર્શાવતું પત્રક પણ મૂકવામાં આવ્યું છે. જેમાં ધો.10ના નિયમિત વિદ્યાર્થીએ 405 રૂપિયાની ફી ચૂકવવાની રહેશે. આવી જ રીતે એક, બે કે ત્રણ અથવા વધુ વિષયમાં રીપીટર વિદ્યાર્થીઓ માટે જુદા જુદા ફી સ્ટ્રક્ચર રહેશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહના નિયમીત વિદ્યાર્થી માટે 565 રૂપિયા ફી છે. જ્યારે ધો.12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓએ 695 રૂપિયા ફી ભરવાની રહેશે.
ધો.12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓની પરીક્ષાનું ફીનું માળખું (GSEB Website) પરીક્ષા ફીમાં કરાયો વધારો
નોંધનીય થે કે, બોર્ડ દ્વારા આ વખતે પરીક્ષા ફીમાં વધારો કરવામાં આવ્યો છે. ધોરણ 10 માટે નિયમિત વિદ્યાર્થીની અગાઉ ફી 390 રૂપિયા હતી, જે હવે 15 રૂપિયા વધારીને 405 રૂપિયા કરાઈ છે. આવી જ રીતે ધો. 12 સામાન્ય પ્રવાહના નિયમિત વિદ્યાર્થીઓની જૂની પરીક્ષા ફી 540 રૂપિયા હતી, જેમાં 25 રૂપિયાનો વધારા બાદ 565 રૂપિયા કરાઈ છે. તો ધો. 12 સાયન્સના નિયમિત વિદ્યાર્થીઓની ફી અગાઉ 665 હતી, જેમાં 30 રૂપિયાનો વધારો કરીને 695 કરવામાં આવી છે. તો રીપીટર માટે ફોર્મ ભરવાના વિદ્યાર્થીઓની પરીક્ષા ફીમાં પણ સામાન્ય વધારો આ વર્ષે કરવામાં આવ્યો છે.
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓની પરીક્ષા ફીનું માળખું (GSEB Website) 27 ફેબ્રુઆરીથી લેવાશે બોર્ડની પરીક્ષા
ખાસ છે કે, તાજેતરમાં જ બોર્ડ દ્વારા ધો.10-12ના વિદ્યાર્થીઓની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર કરવામાં આવ્યું હતું. જે મુજબ આ વર્ષે બોર્ડની પરીક્ષા 27 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે અને 13 માર્ચ સુધીમાં સમાપ્ત થશે. આ પહેલીવાર છે કે બોર્ડ દ્વારા માર્ચના બદલે ફેબ્રુઆરીથી બોર્ડની પરીક્ષાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો:
- રાજ્ય સરકારનો ખેડૂતોને રાહત આપવાનો પ્રયાસ, અતિવૃષ્ટીને લઈને 1419 કરોડનું કૃષિ રાહત પેકેજ કર્યુ જાહેર
- સરકારી કર્મચારી આનંદો, દિવાળીના પર્વને લઈને આટલા દિવસની રજા કરાઈ જાહેર